બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સના હિંમતને સલામ, મહિલાઓએ લીધો ‘પિંક પ્લેજ’

By on
In આરોગ્ય
Spread the love
નમન બ્રેસ્ટ એન્ડ કેન્સર ક્લિનિકની ‘પિંક સર્કલ મીટ’માં જાગૃતિ સાથે મ્યુઝિકલ હાઉઝી અને મનોરંજક પ્રવૃત્તિઓએ બાંધ્યો માહોલ સુરત। બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ વધારવા અને બીમારીને હરાવી ચૂકેલી મહિલાઓની હિંમતને સન્માન આપવાના ઉદ્દેશ્યથી રવિવારે સુરતમાં ‘નમન પિંક સર્કલ મીટ-ચેપ્ટર 1, 2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. નમન બ્રેસ્ટ એન્ડ કેન્સર ક્લિનિક દ્વારા વેસુ સ્થિત હેપ્પી એક્સેલેન્સિયા બેન્ક્વેટ હોલમાં આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં બ્રેસ્ટ કેન્સરમાંથી સ્વસ્થ થઈ ચૂકેલી સર્વાઇવર મહિલાઓ, દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે જ અનેક સામાન્ય મહિલાઓ અને ગણમાન્ય મહિલાઓએ તેમજ ડોક્ટરો અને હેલ્થકેર પ્રોફેશનલ્સે પણ ભાગ લીધો હતો. ડૉ. પ્રિયાંશ જૈને ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સુરતમાંથી MBBS, યુનિવર્સિટી કોલેજ ઓફ મેડિકલ સાયન્સિસ, દિલ્હી યુનિવર્સિટીમાંથી જનરલ સર્જરીમાં MS અને AIIMS ભુવનેશ્વરમાંથી સર્જિકલ ઓન્કોલોજીમાં MCh કર્યું છે. કેન્સર સારવારના ક્ષેત્રમાં 10 વર્ષથી વધુના અનુભવ સાથે તેઓ બ્રેસ્ટ કેન્સર સર્જરી અને ઓન્કોપ્લાસ્ટિક બ્રેસ્ટ સર્જરીમાં વિશેષ રસ ધરાવે છે. નમન બ્રેસ્ટ એન્ડ કેન્સર ક્લિનિકના ડૉ. પ્રિયાંશ જૈને જણાવ્યું કે કાર્યક્રમ દરમિયાન બ્રેસ્ટ કેન્સરના પ્રારંભિક સંકેતો ઓળખવા, સમયસર તપાસ કરાવવા અને સારવાર દરમિયાન સકારાત્મક વિચાર જાળવી રાખવા અંગે જાગૃતિ લાવવામાં આવી હતી. સર્વાઇવર મહિલાઓએ પોતાની કેન્સર યાત્રા અને અનુભવો શેર કરીને અન્ય મહિલાઓને બીમારી પ્રત્યે સજાગ રહેવા તથા જરૂર પડે ત્યારે સમયસર તબીબી સલાહ લેવાનો સંદેશ આપ્યો.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘ધ પિંક પ્લેજ’ રહ્યું. તેમાં ઉપસ્થિત મહિલાઓએ એકસાથે ઊભા રહીને પોતાના શરીરમાં થતા ફેરફારો અને કેન્સરના ચેતવણી સંકેતોને અવગણવા નહીં, સમયસર સ્ક્રીનિંગ કરાવવું, કેન્સર સામે ઝઝૂમી રહેલા લોકોનો સાથ આપવો અને આશા નહીં છોડવાનો સંકલ્પ લીધો. ત્યારબાદ તમામ સહભાગીઓએ પિંક રિબન અને પિંક કાર્ડ ઊંચા કરીને બ્રેસ્ટ કેન્સર જાગૃતિનો સામૂહિક સંદેશ આપ્યો. ડૉ. પ્રિયાંશ જૈને સમજાવ્યું કે બ્રેસ્ટ કેન્સરનો અર્થ હંમેશા બ્રેસ્ટ કાઢવો પડે એવું જરૂરી નથી. બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી અને ઓન્કોપ્લાસ્ટિક બ્રેસ્ટ સર્જરીથી કેન્સર દૂર પણ થઈ જાય છે અને આવી પ્લાસ્ટિક સર્જરીનો એક પ્રકાર છે, જેના કારણે બ્રેસ્ટ પહેલાની જેમ જ દેખાય છે. આથી મહિલાઓના આત્મવિશ્વાસ અને જીવનની ગુણવત્તામાં સુધારો થાય છે. – જાગૃતિ સાથે મનોરંજન પણ આયોજકોએ કાર્યક્રમને માત્ર જાગૃતિ પૂરતો મર્યાદિત રાખ્યો નહોતો. મહિલાઓ માટે પિંક મ્યુઝિકલ હાઉઝી સહિત વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સહભાગીઓએ ગેમ્સમાં ભાગ લીધો અને વિજેતાઓને ભેટો પણ આપવામાં આવી. જાગૃતિ સંદેશાઓ સાથે સંગીત, મનોરંજન અને પરસ્પર સંવાદે કાર્યક્રમને સકારાત્મક અને સહજ માહોલ આપ્યો. કાર્યક્રમના સમાપન સમયે સહભાગીઓ માટે હાઇ-ટીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. – 2023માં શરૂ થયું હતું નમન ક્લિનિક
નમન બ્રેસ્ટ એન્ડ કેન્સર ક્લિનિકની શરૂઆત 2023માં સર્જિકલ ઓન્કોલોજિસ્ટ અને ઓન્કોપ્લાસ્ટિક બ્રેસ્ટ સર્જન ડૉ. પ્રિયાંશ જૈનના નેતૃત્વમાં દર્દીઓને એક જ સ્થળે વ્યાપક અને વ્યક્તિગત કેન્સર સારવાર ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. હાલમાં ક્લિનિકની સુરતમાં લાલ દરવાજા, રિંગ રોડ અને વેસુમાં ત્રણ શાખાઓ છે. ક્લિનિક દ્વારા કેન્સરના નિદાન અને સારવાર સાથે દર્દીઓની રિકવરી તથા સર્વાઇવરશિપ દરમિયાન પણ સહયોગ અને માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકવામાં આવે છે. કાર્યક્રમમાં ડૉ. ધારા જૈને બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ અને સમયસર તપાસના મહત્વ વિશે વાત કરી. તેમણે જામિયા હમદર્દ, નવી દિલ્હીમાંથી ફાર્માસ્યુટિક્સમાં PhD કર્યું છે અને તેમનો શૈક્ષણિક તથા સંશોધન ક્ષેત્રમાં અનુભવ છે. તેઓ પોતાના પતિ ડૉ. પ્રિયાંશ જૈન સાથે નમન બ્રેસ્ટ એન્ડ કેન્સર ક્લિનિકના સંચાલનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. કાર્યક્રમ દ્વારા આયોજકોએ સંદેશ આપ્યો કે બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ, પ્રારંભિક સંકેતોની ઓળખ અને સમયસર તબીબી સલાહ બીમારીની સમગ્ર યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાથે જ, કેન્સરમાંથી સ્વસ્થ થઈ ચૂકેલી મહિલાઓને સમાજ સમક્ષ તેમની શક્તિ અને સંઘર્ષના પ્રેરણાદાયક ઉદાહરણ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.