આરોગ્ય
પ્રિમોન્સુનની રેઢીયાળ કામગીરીને કારણે ગંદકી થવાથી રોગચાળો ફાટી ન નીકળે તે હેતુસર સફાઇ-દવાના છંટકાવ તથા અસરગ્રસ્તોને આર્થિક સહાય ચુકવવા વિપક્ષ નેતા પાયલ સાકરીયાની માંગ
અસરગ્રસ્ત વિસ્તારોમાં ગરીબ અને મઘ્યમવર્ગના લોકોની ઘરવખરી તથા સરસામાનનો નાશ થયેલ હોવાથી તેમને આર્થિક સહાય આપવી પાલિકાની ફરજ : પાયલ સાકરીયા
સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ મ્યુનિ. કમિશ્નર શાલિની અગ્રવાલને પત્ર લખીને જણાવ્યું હતું કે સુરત મનપા દ્વારા સુપરવિઝનના અભાવે અને કાગળ પર કરેલ પ્રિમોન્સુનની કામગીરીના કારણે વરાછા ઝોન-એ અને બી, લિંબાયત તેમજ ઉધના ઝોનના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી ખાડીઓમાં પુરનું જીવલેણ સંકટ ઉદભવેલ. જેમાં 4 નિર્દોષ લોકોના ડુબવાની ઘટનામાં 2 આશાસ્પદ બાળકોના મૃત્યુની દુઃખદ ઘટના બનેલ તથા બે વ્યકતિ લાપતા છે.
આ સાથે પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, વહીવટીતંત્રની બેદરકારી અને માત્ર કાગળ પર થતી કામગીરીના કારણે ખાડીને સંલગ્ન વિસ્તારોમાં ખાડીના ગંદા અને દુર્ગંધ મારતા પાણી ફરી વળેલ હતા તેમજ લિંબાયતના મીઠીખાડી તથા આજુબાજુના વિસ્તારોમાં, સણીયા હેમાદ તથા સંલગ્ન વિસ્તારમાં, વેડ-ડભોલી વિસ્તાર, તેમજ અઠવામાં આઝાદ નગર તથા સંલગ્ન વિસ્તારોમાં અંદાજે 10 ફુટ સુધીનો ગંદા પાણીનો ભરાવો થયેલ. પરિણામે લોકોની ઘરવખરીનો અને માલસામાનનો નાશ થયેલ છે અને લોકોનું જીવન નર્કાગાર સમાન બની ગયુ હતું. ઉપરાંત ખાડીપુરના કારણે ગટરના ગંદા અને દુર્ગંધ મારતા પાણીનો ભરાવો શહેરના વિવિધ વિસ્તારોના જાહેર માર્ગો થતા સમગ્ર શહેર છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદી, ગટર તથા ખાડીના માનવસર્જીત પુરના કારણે બાનમાં આવી ગયેલ હતું.
વધુમાં પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, હાલમાં, વરસાદી પાણી બંધ થતા ખાડીઓના પાણી ઉતરી રહેલ છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકી-કચરા અને મચ્છરોનો ઉપદ્રવ તથા દુર્ગધનો ત્રાસ વધતા રોગચાળાની સંભવિત સમસ્યાને ટાળવા યુઘ્ધના ધોરણે તમામ ગંદકીને દુર કરીને સઘન સાફ સફાઇ, દવાનો છંટકાવ તથા મેડીકલ ટીમો ઉતારીને આરોગ્યની જાળવણી કરવા કમિશ્નરને જણાવ્યું હતું.
ઉપરાંત, પ્રિમોન્સુનની વહીવટી કામગીરીની નિષ્ફળતાને કારણે ખાડીપુર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં ગરીબ અને મઘ્યમવર્ગના લોકોની ઘરવખરી તથા સરસામાનનો નાશ થયેલ હોવાથી તેમને આર્થિક સહાય આપવી પાલિકાની ફરજ બને છે, જે અંગે જરૂરી સર્વે કરીને આર્થિક સહાયની ચુકવણી કરવા ઘટતી કાર્યવાહી કરવા પાયલ સાકરીયાએ મ્યુનિ. કમિશ્નરને તાકીદ કરી હતી.
નવી સિવિલના ઈમરજન્સી વિભાગની બહાર સર્વન્ટ હાજર નહિ રહેતા ભારે હાલાકી
કામરેજના શ્રમજીવી પરિવારના સગા ભાઈ-બહેનને કોલેરા થયો હતો, જેમાં બહેનનું મોત થયું તો બીજા બાળકને વધુ સારવાર માટે નવી સિવિલમાં લઈને આવ્યાં
સુરત: નવી સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં વર્ગ-4ના કર્મચારીઓની મનમાની વધી રહી છે. એસઆઈની નિષ્ફળ કામગીરીની પગલે સર્વન્ટ ચાલુ નોકરીએ પોતાની જગ્યાએ હાજર જ હોતા નથી. જેને પગલે ઈમરજન્સી વિભાગમાં 108 એમ્બ્યુલન્સ સહિતના વાહનોમાં આવતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. મંગળવારે સવારે કામરેજથી 1 વર્ષના બાળકની કોલેરાની સારવાર માટે આવેલા પરિવારને નવી સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો. કામરેજ સીએચસીથી રીફર કરવામાં આવેલા દર્દીને 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં 1વર્ષના બાળકને ઓક્સિજનની જરૂરત હતી. પરતું હોસ્પિટલના ઈમરજન્સી વિભાગની બહાર કોઈ સર્વન્ટ હાજર નહિ હતું. તેમજ ઓક્સિજન વાળું સ્ટ્રેચર પણ નહિ હતું. જેથી માતા પોતે બાળકને વગર ઓક્સિજન સારવાર માટે હોસ્પિટલની અંદર લઈને દોડી હતી. માતા સાથે 108ના ઈએમટી ડોકટર પણ દર્દીને સાથે દોડ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કામરેજ તાલુકાના કુમકુમ રેસીડેન્સી પાસે આવેલ હળપતિવાસમાં કરણ ભીલ, પત્ની, બે પુત્ર તેમજ એક પુત્રી સાથે રહે છે. કરણ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના સંતાનમાં 3 વર્ષની પુત્રી પ્રિયાંસી તેમજ 1 વર્ષનો પુત્ર વિકેશ ઉર્ફે રિકેશને સોમવારે સાંજે ઝાડા-ઉલટી થવા લાગ્યા હતા. મંગળવારે સવારે પ્રીયાંસીની તબિયત લથડતાં બને ભાઈ-બહેનને સારવાર માટે કામરેજ સીએચસી ખાતે લઈને ગયા હતા. જ્યાં બંનેને કોલેરાના લક્ષણ હોવાની સંભાવના સાથે સારવાર આપવામાં આવી રહી હતી. સારવાર દરમિયાન પ્રીયાંસીનું મોત નિપજ્યું હતું. જેથી કામરેજ સીએચસીથી 1 વર્ષના વિકેશને વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફ્રર કરી દેવામાં આવ્યો હતો. જેથી ઓક્સિજન સાથે 108 એમ્બ્યુલન્સમાં વિકેશને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ઈમરજન્સી વિભાગની બહાર 108 એમ્બ્યુલન્સના ઈએમટી, પાયલોટ તેમજ પરિવારજનો ઓક્સિજન સ્ટ્રેચર અને સર્વન્ટને આવાજ લગાવી રહ્યા હતા. તેમ છતાં ત્યાં કોઈપણ સર્વન્ટ આવ્યો નહિ હતો. તેમજ ઓક્સિજન સ્ટ્રેચર પણ હાજર નહિ હતું. જેથી 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ સાથે પરિવાર મુસીબતમાં મુકાઈ ગયો હતો. રાહ જોયા બાદ છેલ્લે માતાએ બાળકને ગોડીમાં લઈ લીધો અને એની સાથે એમ્બ્યુલન્સના ઈએમટી દોડીને બાળકને ઈમરજન્સી વિભાગમાં સારવાર માટે લઈને ગયા હતા. જ્યાં બાળકને ઓક્સિજન પર રાખીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકને દાખલ કરી દેવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની તબિયત સારી હોવાની માહિતી જાણવા મળી હતી. હાલ બાળકને કોલેરાની સંભાવના વચ્ચે સારવાર આપવામાં આવી રહી છે. તેમજ પ્રીયાંસીનું મોત કોલેરાથી થયું હોવાની વાત પરિવારે કહી હતી.
૧૦૮ ઈમરજન્સી એર એમ્બ્યુલન્સ દ્વારા ૭૧ વર્ષીય દર્દીને મળી તાત્કાલિક મદદ
એર એમ્બ્યુલન્સની મદદથી હ્રદયની સારવાર માટે સુરતથી મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
ગુજરાત રાજયમાંથી અન્ય રાજયની હોસ્પિટલોમાં દર્દીને શીફટ કરવા માટે રાજય સરકારની એર એમ્બ્યુલન્સ બની
આશીર્વાદરૂપસુરત:સોમવાર: રાજય સરકાર દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ વર્ષ દહાડે હજારો જરૂરીયાતમંદ દર્દીઓને સમયસર હોસ્પિટલમાં દાખલ કરીને નવજીવન આપવાનું ઉમદા કાર્ય કરી રહી છે. માત્ર એક ફોન રણકતાં શહેરનાં લીસા સપાટ રસ્તા પર અને અંતરિયાળ ગામડાઓની સડકો પર દોડી જતી ૧૦૮ એમ્બ્યુલન્સ વાન અનેક દર્દીઓ માટે રાહતનું કારણ બનતી હોય છે તો અનેક મરણોન્મુખ આવી ગયેલા નાગરિકો માટે આશાનું કિરણ સાબિત થતી હોય છે. સાથે રાજય સરકારના ગુજસેલ વિભાગ દ્વારા કાર્યરત એર એમ્બ્યુલન્સ થી ગુજરાતમાંથી બીજા રાજયની હોસ્પીટલોમાં દર્દીને ઈમરજન્સીના સમયે સારવાર માટે શીફટ કરવામાં આવે છે. આવી ધટના બની છે સુરત શહેરમાં.
શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ ૭૧ વર્ષીય ડાહ્યાભાઇ દેસાઈને હદયરોગની વધુ સારવાર પડતા તાત્કાલિક ધોરણે એર એમ્યુલન્સ દ્વારા મુંબઈની ખાનગી હોસ્પિટલ દ્વારા ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઇ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ અને ગુજસેલ દ્વારા ચાલતી એર એમ્બ્યુલન્સ
૧૦૮ ઈમરજન્સી સેવાના ટેરેટરી ઇન્ચાર્જ અજય કદમ, રોશન દેસાઈ અને પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ૭૧ વર્ષીય ડાહ્યાભાઇ દેસાઈ સુરતની ખાનગી હોસ્પિટલમાં હૃદયને લગતી બિમારીના કારણે વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા હતા. પરંતુ વધુ સારવાર માટે તેઓને તત્કાલ મુંબઈ Mumbai લઈ જવા જરૂરી હતા. જેથી ડાહ્યાભાઈના દીકરાએ ૧૦૮માં ફોન કરીને એર એમ્યુલન્સ દ્વારા તેમના પિતાને મુંબઈ Mumbai લઈ જવાની વિગતો આપી. ૧૦૮ના સ્ટાફે તત્કાલ તમામ પ્રક્રિયા આટોપીને વહેલી સવારે શહેરની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ ડાહ્યાભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સના ઇએમટી લીલાબેન તેમજ પાયલટ ભરતભાઈએ સુરક્ષિત રીતે એરપોર્ટ પહોંચાડ્યા હતા. ત્યારબાદ તેમને એર એમ્બ્યુલન્સમાં સલામતીપૂર્વક મુંબઈની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને દાખલ કરવામાં આવ્યા હતા.
આમ, લોક સેવામાં ૨૪*૭ કાર્યરત સુરત ૧૦૮ ઇમરજન્સી અને એર એમ્બ્યુલન્સ સેવા લોકો માટે આશીર્વાદરૂપ નીવડી રહી છે.
રાજય સરકારના ગુજસેલ વિભાગ દ્વારા એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. એર એમ્બ્યુલન્સ સેવાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ એર એમ્બ્યુલન્સ દ્વારા ગુજરાત રાજયમાં કોઈ ઈમરજન્સીના સમયે જેમ કે, ઓર્ગન ટ્રાસપ્લાન્ટ કે અન્ય રોગના કારણે ગુજરાત બહાર ચેન્નાઈ, મુંબઈ, Mumbai ગોવા, કોચી, દહેરાદુન જેવા રાજ્યમાં મેડિકલ સુવિધા માટે આ સેવાનો લાભ દર્દીઓ દ્વારા લઈ જવામાં આવે છે. આ એર એમ્બ્યુલન્સ મારફતે નિયત કરવામાં આવેલા દરે ગુજરાતમાંથી અન્ય રાજયોની હોસ્પિટલમાં શીફટ કરવામાં આવે છે.
ઇન્ટરનેશનલ રોટરી ક્લબ ડિસ્ટ્રીક ૩૦૬૦ અને રેડ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચ ના પ્રયત્નથી દરજી સમાજ નું પ્રથમ દેહદાન
લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ના પ્રમુખશ્રી તેમજ સુરત જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી ર્ડો. પ્રફુલભાઇ શિરોયા સાહેબ ની ચક્ષુદાન મહાદાન ની સાથે મૃત્યુ બાદ દેહદાન અને અંગદાન માટે જાગૃતિ લાવવા માં ખુબજ અગત્ય નો ફાળો છે આવોજ કિસ્સો સુરત ના પુણાગામ , ૩૫ કલ્યાણનગર માં રહેતા ને હોમગાર્ડઝ માં માનદસેવા આપતાં તુષારભાઈ સોલંકી ના ધર્મપત્ની સ્વ. જ્યોતીબેન તુષારભાઈ સોલંકી ઉ. વર્ષ.52 નુ ટૂંકી માંદગીઃ બાદ અવસાન થતા સ્વર્ગસ્થ જ્યોતિબેને દેહ દાન કરવા નો સંકલ્પ કર્યો હોય જયારે તેમના અવસાન પેલા બે દિવસ અગાવ તેમના શરીર નુ દાન કરવાનું જણાવેલ સ્વર્ગસ્થ ના અવસાન બાદ ઉપરોક્ત દેહદાન સંકલ્પ પૂર્ણ કરવા તેમના પતી દ્વારા ડૉક્ટર પ્રફુલભાઇ શિરોયા સાહેબ ને જણાવતા તેઓ નવસારી મેડિકલ કોલેજ મા દેહદાન અર્પણ કર્યું . દેહદાન જાગૃતિ અંગે ખુબ જ સારુ ઉદાહરણ પુરુ પાડ્યું હોય સ્વર્ગસ્થ ના પરિવાર માં તેમજ સમસ્ત દરજી સમાજ નુ આ પ્રથમ દેહદાન હોય ઉપરોક્ત દેહદાન સ્વર્ગસ્થ ના પતિ તુષારભાઈ માવજીભાઈ સોલંકી સ્વર્ગસ્થ ના જેઠ નટુભાઈ માવજીભાઈ સોલંકી, તેમના બાળકો ડૉક્ટર દીપાલીબેન સોલંકી, જીગરભાઈ સોલંકી, ભૌતિકભાઈ સોલંકી પુત્રવધુ સોનલબેન જીગરભાઈ સોલંકી એ સ્વર્ગસ્થ ની બોડી નુ દાન આપી આ સમાજ ને ખુબ જ સારુ ઉદાહરણ પુરુ પાડ્યું છે
સુરતના જૂની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો
જૂની સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં, વરસાદ ને પગલે જૂની સિવિલ હોસ્પિટલ ના ચોથા માળે થી પાણી ટપકી રહ્યું. જનરલ વોર્ડમાં પાણી ટપકતા દર્દીઓ ને હાલાકી ભોગવી પડી રહી છે. હાલાકી વચ્ચે પણ દર્દીઓ સારવાર લેવા મજબૂર બન્યા. તંત્ર દ્વારા માત્ર કોથળીની બેગ મૂકી સંતોષ માનવામાં આવી રહ્યું.
ચોમાસાની ઋતુ દરમિયાન સાપ નીકળવાના કિસ્સાઓ પ્રતિદિન પ્રકાશમાં આવતા હોય.
Surat news: સુરતના ભેસ્તાન વિસ્તારના પ્રિયંકા સોસાયટી પાસે આવેલા.
એક પંચરની ટપરીમાં ઝેરી કોબ્રા સાપ ઘુસી ગયો હતો.
પંચરની ટપરીમાં છુપાઈને બેઠેલા ઝેરી કોબ્રા સાપનું.
પ્રયાસ સંસ્થાના સ્થાનિક વોલેન્ટિયરએ સાપ રેસ્ક્યુ કર્યું હતું.
ખૂબ જ ઝેરી કોબ્રા સાપને એક થી દોઢ કલાક કરતા વધુની જહેમત બાદ સફળ રેસ્ક્યુ કરી.
સુરક્ષિત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો.
નવી સિવિલ હોસ્પિટલ દ્વારા હીટવેવના સમયે સ્વરક્ષણ અને આરોગ્યની કાળજી વિશે સેમિનાર યોજાયો
સુરતઃ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. મહત્તમ તાપમાન ૩૭-૩૮ ડિગ્રી નોંધાઈ રહ્યું છે અને ૨૦ થી ૨૫ કિમી પ્રતિ કલાકની ઝડપે લૂ ફૂંકાઈ રહી છે, ત્યારે કાળઝાળ ગરમીથી બચવા અને આકરા ઉનાળામાં સ્વાસ્થ્ય જાગૃત્તિ માટે નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ હોલ ખાતે સેમિનાર યોજાયો હતો. જેમાં હીટવેવથી બચવાના ઉપાયો, સ્વરક્ષણ અને આરોગ્યની કાળજી, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારસંભાળ માટે નર્સિંગ સ્ટાફને માહિતગાર કરાયા હતા.
આ પ્રસંગે સુરત સરકારી મેડિકલ કોલેજના પી.એસ.એમ.વિભાગના પૂર્વ અધિક આરોગ્ય નિયામક અને અર્બન હેલ્થ એન્ડ ક્લાઈમેન્ટ રેઝીલિયન્સ સેન્ટર ઓફ એક્સલેન્સના ઓનરરી ટેક્નિકલ ડિરેક્ટર ડો.વિકાસબેન દેસાઈએ જણાવ્યું હતું કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાવધાની રાખવી એ જ સમજદારી છે. ગરમીના સમયે સ્વરક્ષણ અને આરોગ્ય અંગે કાળજી રાખવી ખૂબ આવશ્યક છે. ઉપરાંત, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની કાળજી તેમજ સારવારની સાથે નર્સિંગ કેર મહત્વની બની રહે છે. સામાન્ય દિવસો કરતા ગરમીના સમયે દર્દીઓને નર્સિંગ કેરની વધુ જરૂર પડતી હોય છે. નર્સિંગ સ્ટાફ પોતાની નૈતિક જવાબદારી સમજીને સમગ્ર દિવસ દરમિયાન દર્દીઓને દવાની સાથે સમયાંતરે પૂરતું પાણી આપવું જોઈએ.
વધુમાં ડો.દેસાઈએ કહ્યું કે, દર્દીઓએ તેમજ સામાન્ય જનતાએ ગરમીની પરિસ્થિતિમાં એર કન્ડીશનમાં રહેવાનું ટાળવું જોઈએ. ગરમીથી રાહત મેળવવા વધુ પડતા સોફ્ટ ડ્રિંકસ, ઠંડા પીણા ન પીવા જોઈએ. શરીરમાં પૂરતી માત્રામાં પ્રવાહી રહે તે માટે વારંવાર પાણી પીવાનું ન ગમે તો નારિયેળ પાણી, લીંબુ શરબત, મીઠાવાળી છાશ, સંતરાનો રસ, ગ્લુકોઝનું પાણી ઈત્યાદિ લઈ શકાય. હળવા સુતરાઉ વસ્ત્રો અને શક્યત: હળવા સફેદ રંગના કપડાં પહેરો. ગરમીની સિઝનમાં લિનનના વસ્ત્રો તથા સુંવાળા મલમલના કપડાં અત્યંત આરામદાયક રહે છે. ગરમીમાં બહાર જતી વખતે ટોપી પહેરવી, મહિલાઓએ ઘૂંઘટ, ઓઢણીથી મોં ઢાંકવું જોઈએ, માથું ઢંકાય તે રીતે કે છત્રીનો ઉપયોગ કરવો જોઈએ.
આ પ્રસંગે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતાશ્રી દિલીપભાઈ દેશમુખે રક્તદાન,અંગદાન,નેત્રદાન અને મતદાનને મહત્વનું દાન ગણાવી તમામ લોકોને આ દાન કરવામાં માટે જાગૃત્ત બનવા અનુરોધ કર્યો હતા. તેમણે ઉમેર્યું કે, હીટવેવથી બચવા જાતે પણ કાળજી લેવા અને દર્દીઓને પણ સુરક્ષિત કરવા માટે જરૂરી સરળ પગલાઓ લેવા પ્રેરણા આપી હતી.
સરકારી મેડિકલ કોલેજ-સુરતના સુનિલભાઈ મોદીએ અસહ્ય ગરમીથી બચવા ‘સાવચેતી એ જ સલામતી’નો અભિગમ અપનાવી હીટવેવથી બચવા માટે જાગૃત્તિ કેળવવા માટે આ સેમિનાર મહત્વપૂર્ણ બન્યો છે એમ જણાવ્યું હતું. હીટવેવ સામે સાવધ રહેવા અને રક્ષણના પગલાઓ સંદર્ભે આ સેમિનારનું આયોજન ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા દ્વારા કરવામાં આવ્યું હતું.
દિલીપભાઈ દેશમુખે ઉપસ્થિત સૌને રક્તદાન,અંગદાન,નેત્રદાન અને મતદાન માટે સંકલ્પ ગ્રહણ કરાવ્યા હતા.
આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ટી.બી.અને ચેસ્ટ વિભાગના વડા ડો.પારૂલ વડગામા, મેડિકલ કોલેજ ડીન ડો.રાગિણી વર્મા, નર્સિંગ કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડો. શીતલબેન ચૌધરી, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ આનંદીબેન ગામીત, સ્મીમેર હોસ્પિટલના નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સર્વશ્રી સુરેન્દ્ર ત્રિવેદી અને અશોક ગડારા, નર્સિંગ એસો.ના અશ્વિન પંડયા, નિલેશ લાઠીયા, વિભોર ચુગ,ચેતન આહિર, વિરેન પટેલ,જગદીશ બુહા, સિવિલના ડોક્ટરો, હેડનર્સ, સ્ટાફનર્સ સહિત આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ખાનગી હોસ્પિટલમાં રૂ.બેથી ત્રણ લાખના થતા થાપાના સાંધા બદલવાની સર્જરી સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે થઈ
સુરતઃ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોના પણ હજારો દર્દીઓ આવીને સારવાર મેળવી રહ્યા છે. ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની છે.
મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના જામનેરના મોહાડી ગામના વતની એવા ૬૧ વર્ષીય નાના આન્ધારી પાટીલ થાપાના અસહ્ય દર્દથી પીડિત હતા અને ચાલવામાં પણ અસમર્થ હતા. જેમને છેલ્લા સાતેક વર્ષથી થાપાના ભાગે અસહ્ય દુ:ખાવાથી પીડિત હતા. જેમને નવી સિવિલે સચોટ સારવારથી ચાલતા કર્યા છે.
નાના પાટીલના ગામના વતની અને સામાજિક આગેવાન રામ પાટીલ અને ભાવિની પાટીલને નાના પાટીલની પરિસ્થિતિની જાણ થઈ જેથી તેઓએ નાનાને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કમરની સારવાર વિનામુલ્યે થતી હોવાનું જણાવી શક્ય તમામ મદદ કરવાની તત્પરતા દાખવી હતી, જેથી તેમણે તત્કાલ નર્સિગ એસોસિએશનના ઈકબાલ કડીવાલાનો સંપર્ક કરીને દર્દીને તા.૧લી માર્ચના રોજ સિવિલમાં આ દર્દીને દાખલ કરાવ્યા હતા. જયાં હાડકા વિભાગના વડા ડો.હરિ મેનનના માર્ગદર્શન હેઠળ તમામ પ્રકારના જરૂરી રિપોર્ટ કર્યા બાદ તા.૧૮મી માર્ચના રોજ ડો.સ્વપ્નીલ નાગલે, ડો.નિતિન ચૌધરીની ટીમ દ્વારા થાપાનો ગોળો બદલવાની સફળ સર્જરી કરવામાં આવી હતી. આમ, નર્સિંગ સ્ટાફ, સફાઈ કામદારો, હેડ નર્સ, એનેસ્થેસિયા તથા મેડિસીન વિભાગના સહિયારા પ્રયાસોથી સફળ સર્જરી થઈ હતી.
સર્જરી બાદ નાના પાટીલ વોકર લઈને ચાલતા થયા છે. તેઓ કહે છે કે, સિવિલના તબીબોએ મને અસહ્ય દુ:ખાવામાંથી મુકિત આપી છે. હું ખેતીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવું છું. છેલ્લા સાત વર્ષથી થાપાની પીડાના કારણે ચાલવામાં પણ અસમર્થ હતો. પીડાના કારણે કોઈ કામ કરવાની ક્ષમતા રહી ન હતી. ખાનગી હોસ્પિટલમાં થાપાની સર્જરીનો રૂ.બેથી અઢી લાખ જેવો ખર્ચ થતો હતો. પણ મારી નબળી આર્થિક સ્થિતિના કારણે પીડા સહન કરતો હતો. ફરી ચાલતો કરવા બદલ સિવિલના તબીબો પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
નોંધનીય છે કે, નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકરના નેજા હેઠળ હાડકા વિભાગમાં દર મહિને થાપાના સાંધા બદલવાની ૨૦ થી ૨૫ સર્જરીઓ થાય છે. જેનો પ્રતિ ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં રૂા.બેથી ત્રણ લાખનો ખર્ચ થાય છે. ઉપરાંત, ઘૂંટણના સાધા બદલવાની ૧૫ થી ૨૦ સફળ સર્જરી થાય છે. આમ, હાડકા વિભાગના વડા ડો.હરિ મેનનના નેતૃત્વમાં ડો.મનીષ પટેલ, ડો.સની શેઠના, ડો.ચિરાગ પટેલ, ડો.શેટ્ટી, ડો.નાગેશ સહિત તબીબોની ટીમ દ્વારા દરરોજ ૨૦૦ થી વધુ દર્દીઓની સારવાર થાય છે. જેમાં જન્મજાત કમરની ખામીઓ, સ્પાઈન તથા હાડકાના અન્ય રોગોની સફળ સર્જરી કરવામાં આવે છે.
રાજ્યના તમામ દૂધ સંઘો પૈકી સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.-સુમુલ ડેરી દ્વારા કામરેજના નવી પારડી ખાતે સર્વપ્રથમ ઈનહાઉસ આઈસ્ક્રીમ પ્લાન્ટ
સુરત:ગુરૂવાર: સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.-સુમુલ ડેરીના ઉપક્રમે કામરેજ તાલુકાના નવી પારડી ખાતે રૂ.૧૫૦ કરોડના ખર્ચે અમૂલના આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ અને આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટને સાંસદશ્રી સી.આર.પાટીલના હસ્તે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી, સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિ, શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ સાંસદ સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટીવ (પી.એલ.આઈ.) સ્કીમ અંતર્ગત કેન્દ્ર સરકારે સુમુલ ડેરીને આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ માટે રૂ.૨.૫૧ કરોડનું ઇન્સેન્ટીવ આપ્યું છે.
રાજ્યના તમામ દૂધ સંઘો પૈકી સુરત જિલ્લાના નવી પારડી ખાતે સર્વપ્રથમ ઈનહાઉસ આઈસ્ક્રીમ પ્લાન્ટના શુભારંભ પ્રસંગે સાંસદશ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, દેશના વિકાસ માટે ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ જરૂરી છે, ગ્રામવિકાસ માટે પશુપાલન ઉદ્યોગ અને દૂધ ઉત્પાદન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડેરી ઉદ્યોગનાં વિકાસમાં સુમુલ ડેરીનો ફાળો ખૂબ મહત્વનો રહ્યો છે આ ક્ષેત્રે સુમુલ ડેરી સુરત જિલ્લાના પશુપાલકોના દૂધની ખરીદી કરી યોગ્ય કિંમત પૂરી પાડી તેમને આર્થિક સક્ષમ કરવાનું કાર્ય કરી રહી છે. સુમુલમાં રોજ ૨૭ લાખ લીટર દૂધ એકત્ર થાય છે, જેમાં ૮૦ ટકા દૂધ આદિવાસી વિસ્તારમાંથી આવે છે. આઈસ્ક્રીમ કોન મેંકિંગ પ્લાન્ટના કારણે થતા સ્થાનિક વિસ્તારના લોકો માટે રોજગારીની નવી તકો ઉભી થઈ છે. સુમુલ ડેરીના પારદર્શક વહીવટથી રાજ્યના દૂધ ઉત્પાદન અને સહકાર ક્ષેત્રે આગવી ઓળખ ઉભી થઈ છે, એટલું જ નહીં, રાજ્યના વિકાસમાં તેમજ પશુપાલકોની આર્થિક ઉન્નતિમાં સુમુલ ડેરી મહત્વનું યોગદાન આપી રહી છે.
અઠવાડિયા બાદ પણ નિરાકરણ નહીં આવતા ઔદ્યોગિક-લેબર કોર્ટના વકીલો કામકાજથી અળગા
સુરતઃ ઔદ્યોગિક અદાલત તથા મજૂર અદાલત નંબર-2માં વકીલો સાથે થઈ રહેલી ગેરવર્તણૂક અને હેરાનગતિથી સામે સુરત લેબર લોઝ પ્રેક્ટિશનર્સ એસોસિએશનને આંદોલન શરૂ કર્યું છે. એસોસિયેશનના નેજા હેઠળ તમામ લેબર લો પ્રેક્ટિશનર્સ દ્વારા 12 એપ્રિલથી બંને કોર્ટો ના કામકાજથી અળગા રહીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે હજી પણ યથાવત છે.
આ અંગે એસોસિયેશનના પ્રમુખ એડવોકેટ નિમિષ પટેલના જણાવ્યા મુજબ કોર્ટમાં ધીમી કામગીરી ચાલી રહી અને જુબાની, ઉલટ તપાસ માટે વકીલોને પૂરતી તક આપવાને બદલે ન્યાયાધીશ પોતાની મરજી મુજબ જુબાની,ઉલટ તપાસ માટે આગ્રહ રાખવામાં આવે છે.વકીલોને એક કોર્ટમાં સાંજ સુધી બેસાડી રાખી બીજી કોર્ટની કામગીરીમાં જવા દેવામાં આવતાં નથી ત્યારે આવા વર્તનથી વકીલો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાથી આ મુદ્દે એસોસિએશને દસ મુદ્દાઓ સાથે ગુજરાત હાઈકૉર્ટનાં ચીફ જસ્ટિસ, હાઇકોર્ટનાં રજીસ્ટ્રાર,યુનિટ જજ હાઇકોર્ટ અને પ્રમુખ ઔદ્યોગિક અદાલતને ફરિયાદ કરવા સાથે જ જ્યારે સુધી વકીલોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાર સુધી આ બંને કોર્ટની કામગીરીનો અચોક્ક્સ મુદત સુધી બહિષ્કાર કરવાનું એલાન આપવામાં આવ્યું છે. 12 એપ્રિલ થી લેબર લો પ્રેક્ટીશનર દ્વારા આંદોલન ચાલવામાં આવી રહ્યું છે, જોકે હજી સુધી કોઈ નીરકરણ આવ્યું નથી ત્યારે આગામી દિવસોમાં વકીલો આ બે કોર્ટના કામકાજથી અળગા રહેશે એવું ઘોષણા આજરોજ એસોસિયેશનના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે.