સ્પોર્ટ્સ

સુરતમાં 22 નવેમ્બરે યોજાશે એનપીસી વેસ્ટ ઇન્ડિયા ચેમ્પિયનશિપ અને આઇપીએલ ચેમ્પિયનશિપ

 

– બોડીબિલ્ડિંગ, પાવરલિફ્ટિંગ અને આર્મ રેસલિંગના ખેલાડીઓ આવશે એક મંચ પર – ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર ખેલાડીઓને શેરૂ ક્લાસિક ઇન્ડિયા-2026માં ક્વોલિફાય થવાની મળશે તક સુરત. રમતગમત ક્ષેત્રે ગુજરાતના ખેલાડીઓને વધુ મોટી તક અને યોગ્ય પ્લેટફોર્મ મળે તે હેતુથી સુરતમાં આગામી 22 નવેમ્બરે એનપીસી વેસ્ટ ઇન્ડિયા ચેમ્પિયનશિપ અને આઇપીએલ ગુજરાત ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાઓમાં બોડીબિલ્ડિંગ, પાવરલિફ્ટિંગ અને આર્મ રેસલિંગ એમ ત્રણ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પર્ધામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ વિવિધ કેન્દ્રશાસિત પ્રદેશોના ખેલાડીઓ ભાગ લેશે. આ અંગે આયોજકો દ્વારા જણાવાયું હતું કે, એનપીસી (નેશનલ ફિઝિક્સ કમિટી) વેસ્ટ ઇન્ડિયા ચેમ્પિયનશિપ બોડીબિલ્ડિંગ ક્ષેત્રની મહત્વપૂર્ણ સ્પર્ધા રહેશે. સાથે જ આઈપીએલ (ઇન્ડિયન પાવરલિફ્ટિંગ લીગ) દ્વારા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે. સાથે જ આર્મ રેસલિંગની સ્પર્ધા પણ યોજાશે, જેમાં ગુજરાત આર્મ રેસલિંગ ફેડરેશન સહિત સંબંધિત ફેડરેશન સાથે જોડાયેલા ખેલાડીઓ ભાગ લેશે. આ સ્પર્ધાઓમાં વિજેતા ખેલાડીઓને આઈએચએફએફ શેરૂ ક્લાસિક ઇન્ડિયા-2026 માટે ક્વોલિફાય થવાની તક મળશે. એનપીસી સાથે જોડાયેલા ખેલાડીઓ માટે રિજનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવો આગળની સ્પર્ધાઓ માટે મહત્વપૂર્ણ રહેશે. આ ઉપરાંત આયોજકોએ વધુમાં જણાવ્યું કે આજે કરવામાં આવેલી આગામી ચેમ્પિયનશિપની સત્તાવાર તારીખ જાહેરાત દેશ અને રાજ્યના ખેલાડીઓને પોતાની તૈયારી શરૂ કરવા માટે પ્રેરિત કરવા માટે છે.
આયોજકોના જણાવ્યા મુજબ, ગુજરાતના અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્ય અને શહેરનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. આવા જાણીતા અને અનુભવી ખેલાડીઓ પણ ચેમ્પિયનશિપમાં ઉપસ્થિત રહેશે. આયોજકોનું માનવું છે કે જાણીતા ખેલાડીઓની હાજરીથી અન્ય યુવા અને ઉભરતા ખેલાડીઓને પ્રેરણા મળશે અને તેઓ પણ રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત થશે. – ગુજરાતની બ્રાન્ડ્સને ખેલાડીઓના સમર્થન માટે અપીલ આયોજકો દ્વારા ગુજરાતમાં કાર્યરત રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલી બ્રાન્ડ્સ અને જે બ્રાન્ડ્સની લક્ષિત ઓડિયન્સ ખેલાડીઓ તથા રમતગમત સાથે જોડાયેલી છે, તેમને પણ આ ચેમ્પિયનશિપ સાથે જોડાવા અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી છે. જેથી તેઓ ખેલાડીઓને સપોર્ટ આપવાની સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઈન્ડિયા અભિયાનને આગળ વધારવા યોગદાન આપી શકે. આયોજકોના જણાવ્યા મુજબ, એક જ મંચ પર વિવિધ રાજ્યોના ખેલાડીઓ, રમતગમત સાથે સંકળાયેલા લોકો અને બ્રાન્ડ્સને જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ માધ્યમથી ગુજરાતના ખેલાડીઓને વધુ સારી તકો અને જરૂરી સહયોગ મળી શકે તેવો હેતુ છે. – વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખેલાડીઓ જોડાશે વેસ્ટ ઇન્ડિયા ચેમ્પિયનશિપમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ સહિતના વિસ્તારોમાંથી ખેલાડીઓ ભાગ લેવા માટે આવશે. ખાસ કરીને એનપીસી સાથે સંકળાયેલા બોડીબિલ્ડિંગ ખેલાડીઓ માટે આ રિજનલ ચેમ્પિયનશિપ મહત્વપૂર્ણ રહેશે. આયોજકોના જણાવ્યા મુજબ, એનપીસીની પ્રક્રિયા અનુસાર રિજનલ સ્તરની સ્પર્ધામાં ભાગ લીધા બાદ ખેલાડીઓને આગળની મોટી સ્પર્ધાઓ માટે ક્વોલિફિકેશનની તક મળે છે. તેથી સુરતમાં યોજાનારી આ ચેમ્પિયનશિપ ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે. – આગામી મુખ્ય ચેમ્પિયનશિપ મુંબઈમાં વેસ્ટ ઇન્ડિયા ચેમ્પિયનશિપ બાદ આગામી મુખ્ય રાષ્ટ્રીય સ્તરની ચેમ્પિયનશિપનું આયોજન મુંબઈમાં કરવામાં આવશે. મુંબઈમાં નેશનલ ચેમ્પિયનશિપ સાથે એક્સ્પોનું પણ આયોજન થવાનું હોવાનું આયોજકોએ જણાવ્યું છે.  
સુરતની સાચી સુખડિયા બની આઈડીસી નેશનલ્સ ગર્લ્સ ચેમ્પિયન

 

કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય ડાર્ટ્સ સ્પર્ધામાં દેશભરમાંથી ખેલાડીઓએ લીધો ભાગ

  સુરત: અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલી આઈડીસી નેશનલ્સ ગર્લ્સ ડાર્ટ્સ ચેમ્પિયનશિપમાં સુરતની હિલ્સ હાઈસ્કૂલ, વેસુની વિદ્યાર્થીની સાચી સુખડિયાએ શાનદાર પ્રદર્શન કરી ગર્લ્સ કેટેગરીમાં રાષ્ટ્રીય ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો છે. અમદાવાદ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં દેશભરમાંથી ડાર્ટ્સ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સાચીના આ શાનદાર પ્રદર્શન બદલ ઇન્ડિયન ડાર્ટ્સ કાઉન્સિલ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયન બન્યા બાદ હવે સાચી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે.
સાચી આગામી સમયમાં જિબ્રાલ્ટરમાં યોજાનારી જેડીસી ગર્લ્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ, લ્યુક લિટલર લેગસી ઓપન અને વિનમાઉ માસ્ટર્સ જેવી આંતરરાષ્ટ્રીય ડાર્ટ્સ સ્પર્ધાઓમાં ભાગ લેશે. ઇન્ડિયન ડાર્ટ્સ કાઉન્સિલે સાચીને આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે શુભેચ્છા પાઠવી છે. સાચીની આ સિદ્ધિથી પરિવાર, શાળા અને સુરતના ડાર્ટ્સ રમતપ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી છે
બીએનઆઈ ગ્રેટર સુરત દ્વારા રક્તદાન મહાઅભિયાનનું આયોજન, 100 યુનિટ રક્ત એકત્રિત

 

– લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના સહયોગથી યોજાયો રક્તદાન કેમ્પ

સુરત : સામાજિક જવાબદારી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને આગળ વધારતાં બીએનઆઈ ગ્રેટર સુરતે 6 જૂન, 2026ના રોજ અમોરે સુરત ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. કેમ્પમાં બીએનઆઈના સભ્યો, આમંત્રિત મહેમાનો તેમજ શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ દરમિયાન જરૂરિયાતમંદ દર્દીઓની સહાય માટે કુલ 100 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

રક્તદાન કેમ્પનું આયોજન લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના સહયોગથી કરવામાં આવ્યું હતું. કેન્દ્રની સમર્પિત તબીબી ટીમે સમગ્ર કાર્યક્રમ દરમિયાન રક્તદાન પ્રક્રિયાને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને માનવસેવાનો સંદેશ આપ્યો હતો.

આયોજકોના જણાવ્યા મુજબ આ અભિયાનને ભાગ લેનારાઓ તરફથી અત્યંત ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમ સેવા, કરુણા અને સામાજિક સહભાગિતાની ભાવનાનું પ્રતીક બન્યો હતો. કેમ્પ દરમિયાન એકત્રિત થયેલી 100 યુનિટ રક્ત વિવિધ જરૂરિયાતમંદ દર્દીઓના જીવ બચાવવા ઉપરાંત પ્રદેશની આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પ્રસંગે બીએનઆઈ ગ્રેટર સુરત (સુરત, નવસારી અને બારડોલી)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. નિધિ સિંઘવીએ જણાવ્યું હતું કે બીએનઆઈનું માનવું છે કે સફળતા ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તેને સમાજ સાથે વહેંચવામાં આવે. રક્તદાન માનવતાની સૌથી નિઃસ્વાર્થ સેવાઓમાંની એક છે અને રક્તની દરેક યુનિટ અનેક લોકોનો જીવ બચાવવાની ક્ષમતા ધરાવે છે. તેમણે તમામ રક્તદાતાઓ, સ્વયંસેવકો, બીએનઆઈ સભ્યો તથા સહયોગી સંસ્થા લોક સમર્પણ રક્તદાન કેન્દ્રનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સૌના સહકારથી આ પહેલને નોંધપાત્ર સફળતા મળી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીએનઆઈ ગ્રેટર સુરત માત્ર વ્યવસાયિક નેટવર્કિંગ પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પણ સતત કાર્યરત છે. સંસ્થાનો હેતુ વ્યવસાયિક વિકાસની સાથે સામાજિક જવાબદારીને પણ સમાન મહત્વ આપવાનો છે અને સભ્યોને સમાજહિતના કાર્યોમાં સક્રિય યોગદાન આપવા માટે પ્રેરિત કરવાનો છે.

બીએનઆઈ ગ્રેટર સુરતે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપનાર તમામ રક્તદાતાઓ, સહયોગીઓ, સ્વયંસેવકો તેમજ લોક સમર્પણ રક્તદાન કેન્દ્રની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

“રક્તદાન કરો, જીવન બચાવો”ના સંદેશ સાથે સંસ્થાએ ભવિષ્યમાં પણ આવા જનકલ્યાણકારી કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

કોન્સેપ્ટ મેડિકલ ગ્રુપ દ્વારા ‘મોમેન્ટમ 6.0’નું ભવ્ય આયોજન

 

બે દિવસીય સ્પોર્ટ્સ ફેસ્ટમાં ટીમવર્ક, આરોગ્ય અને એકતાનો ઉત્સવ ઉજવાયો

સુરત : કોન્સેપ્ટ મેડિકલ ગ્રુપ દ્વારા 13 અને 14 ફેબ્રુઆરી, 2026ના રોજ સુરત ખાતે છઠ્ઠું વાર્ષિક સ્પોર્ટ્સ ફેસ્ટ ‘મોમેન્ટમ 6.0’ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ કાર્યક્રમમાં સંસ્થાના વિવિધ વિભાગોના કર્મચારીઓએ ઉત્સાહ, રમતિયાળ ભાવના અને સહકાર સાથે ભાગ લીધો હતો.

‘મોમેન્ટમ 6.0’ અંતર્ગત ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ અને કેરમ જેવી રમતો ટુર્નામેન્ટ પદ્ધતિથી યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત ઉદ્ઘાટન સમારોહ અને ટીમ ફ્લેગ માર્ચથી કરવામાં આવી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો.

સાંજના સત્રોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, કર્મચારીઓનું સન્માન તથા કોન્સેપ્ટ ગોટ ટેલેન્ટ જેવા મનોરંજક કાર્યક્રમોએ ઉત્સવને વિશેષ આકર્ષક બનાવ્યો હતો. સમાપન સમારોહમાં વિજેતા ટીમો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ‘મોમેન્ટમ 6.0’ની ચેમ્પિયન ટીમની પણ જાહેરાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે કોન્સેપ્ટ મેડિકલ ગ્રુપના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે મોમેન્ટમ હવે માત્ર સ્પોર્ટ્સ ફેસ્ટ નથી રહ્યો, પરંતુ કર્મચારીઓ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવતો એક સંયુક્ત અનુભવ બની ગયો છે, જે ટીમવર્ક, નેતૃત્વ અને સંસ્થાના મૂલ્યોને વધુ દૃઢ બનાવે છે.

કોન્સેપ્ટ મેડિકલ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પાર્થ દોશીએ જણાવ્યું હતું કે મોમેન્ટમ ઊર્જા, એકતા અને વિશ્વાસનું પ્રતિક છે. આ બે દિવસ દરમિયાન કર્મચારીઓએ ગર્વ, જુસ્સા અને હેતુભાવના સાથે ભાગ લઈ સંસ્થાની સાચી ઓળખ રજૂ કરી હતી.

‘મોમેન્ટમ 6.0’ દ્વારા કોન્સેપ્ટ મેડિકલ ગ્રુપ કર્મચારી કેન્દ્રિત કાર્ય સંસ્કૃતિ, વિશ્વાસ, સમાવેશ અને લાગણીસભર જોડાણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વધુ સ્પષ્ટ કરે છે. સ્વયંસેવકો, માર્ગદર્શકો અને વિવિધ ટીમોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. સંસ્થા આવનારા સમયમાં પણ કર્મચારીઓના કલ્યાણ, સહકાર અને સામૂહિક સફળતા માટે આવા પ્રયાસો સતત ચાલુ રાખશે.

સુરતમાં ઈન્ડિયાની સૌથી મોટી ઈન્ટર ક્લબ અને ઈન્ટર સ્કૂલ તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપનું આયોજન

 

16, 17 અને 18 જાન્યુઆરીએ થનારા આયોજનમાં માત્ર સુરતમાંથી જ 2000થી વધુ બાળકો ભાગ લેશે

સુરત. ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની સૌથી મોટી ઈન્ટર ક્લબ અને ઈન્ટર સ્કૂલ તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપનું આયોજન સુરતમાં થવા જઈ રહ્યું છે. ડાયનેમિક વોરિયર સંસ્થાના ચીફ કોચ પમીર યોગેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપ આગામી ૧૬, ૧૭ અને ૧૮ જાન્યુઆરી દરમિયાન યોજાશે.

વીઆઈપી રોડ પર આવેલ સુકુન ટર્ફ ખાતે યોજાનારી આ ત્રણ દિવસીય સ્પર્ધામાં સુરત શહેરના અંદાજે ૧૮૦૦થી ૨૦૦૦ બાળકો ભાગ લેશે. આ ચેમ્પિયનશિપ ખાસ કરીને સુરત શહેર માટેની ઈન્ટર સ્કૂલ અને ઈન્ટર ક્લબ સ્પર્ધા છે, જેમાં બહારના શહેરોના ખેલાડીઓ નહીં પરંતુ માત્ર સુરતના બાળકો પોતાનું કૌશલ્ય રજૂ કરશે.

પમીર શાહે જણાવ્યું હતું કે તાઈકવૉન્ડો એક ઓલિમ્પિક સ્પોર્ટ્સ છે અને હાલ સુરત ઈન્ડિયામાં તેનું મોટું હબ બની રહ્યું છે. નવા ટેલેન્ટને ઓળખવા તેમજ ટ્રેનિંગ લઈ રહેલા બાળકોના કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે આ ચેમ્પિયનશિપ મહત્વપૂર્ણ સાબિત થશે.
સ્પર્ધા દરમિયાન દરરોજ સવારે ૯:૦૦ વાગ્યાથી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી મેચો યોજાશે. શહેરના રમતપ્રેમી નાગરિકોને આ સ્પર્ધા નિહાળવા માટે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે.

પમીર શાહે સુરતના વાલીઓ અને બાળકોને સંદેશ આપતા જણાવ્યું કે આજના સમયમાં બાળકોનો મોટાભાગનો સમય મોબાઈલ અને ગેજેટ્સમાં પસાર થાય છે. તેના બદલે જો તેઓ તાઈકવૉન્ડો જેવી એક્ટિવિટી અપનાવે તો રમતગમતમાં આગળ વધશે, સ્વ-બચાવ (સેલ્ફ ડિફેન્સ) શીખશે તેમજ તેમની હેલ્થ, ફિટનેસ અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થશે.

ઉલ્લેખનીય છે કે, ડાયનેમિક વોરિયર સંસ્થા વર્ષ ૨૦૧૧થી સુરતમાં સક્રિય છે. હાલમાં સુરતમાં સંસ્થાના ૧૨ સેન્ટર કાર્યરત છે અને ૧૮૦૦થી વધુ બાળકોને તાઈકવૉન્ડોની તાલીમ આપવામાં આવી રહી છે. શહેરની અંદાજે ૪૦ શાળાઓમાં તાઈકવૉન્ડોના ક્લાસ ચલાવવામાં આવે છે.
સંસ્થાની સૌથી મોટી સિદ્ધિ તરીકે અત્યાર સુધી ૪ બાળકોએ એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ મેળવી સુરતનું નામ રોશન કર્યું છે, જેને ગુજરાત સરકારે ૧૦-૧૦ લાખ રૂપિયાનું પ્રોત્સાહન એવોર્ડ પણ આપ્યું છે. આ ઉપરાંત ૨૫થી વધુ બાળકો વર્લ્ડ અને એશિયન ચેમ્પિયનશિપમાં દર વર્ષે સુરત તરફથી ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે નેશનલ લેવલે ૨૦૦થી વધુ બાળકો મેડલ વિજેતા બન્યા છે.
આ ભવ્ય ચેમ્પિયનશિપ સુરત માટે રમતગમતના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.

ઓક્સફોર્ડ ઇગ્લિંશ હાઇસ્કુલ, સુરત – રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓની ઉજવણી

 

ઓક્સફોર્ડ ઇગ્લિંશ હાઇસ્કુલ, સુરતે તાજેતરના શૈક્ષણિક સત્ર દરમિયાન વિદ્યાર્થીઓની રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓની ગૌરવભેર ઉજવણી કરી હતી. આ સિદ્ધિઓ યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપવાની, શિસ્ત વિકસાવવાની તથા રમતગમત દ્વારા સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવાની શાળાની મજબૂત પ્રતિબધ્ધતIનું પ્રતિબિંબ છે.

ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની ટિમ ગેમ સ્પર્ધા (અન્ડર-14 અને અન્ડર-17 બોયઝ, ગર્લ્સ) માં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દ્રઢતા અને શક્તિ સાથે પ્રતિનિધિત્વ કર્યું. તેમની શાનદાર કામગીરીના પરિણામે ઝોન લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત થયા, તેમજ દસ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદ થયા. તેમજ ચાર વિદ્યાર્થીઓ નેશનલેવલમાં સ્થાન પામેલ છે.
આ ઉપરાંત, ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધા (અન્ડર-14, અન્ડર-17 ગર્લ્સ) માં શાળાના વિદ્યાર્થિનીઓએ ઝોન લેવલ પર પ્રથમ સ્થાન મેળવી તેમજ જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવી પોતાની ઉત્કૃષ્ટતા અને અડગ પરિશ્રમનું પ્રદર્શન કર્યું અને શાળાનું ગૌરવ વધાર્યું.

અમારી શાળાની ચાર વિદ્યાર્થીનીઓ લંગળી સ્પર્ધામાં રાષ્ટ્રીય લેવલ માટે પસંદ થયા અને સુવર્ણ પદક (પ્રથમ સ્થાન) પામેલ છે. જે તેમની રમતગમત યાત્રામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
આ બધી સિદ્ધિઓ માત્ર વિદ્યાર્થીનીઓની મહેનત અને સમર્પણનું જ નહીં, પરંતુ અમારા કોચિંગ સ્ટાફ અને નેતૃત્વની અવિરત મહેનત તથા નિષ્ણાત માર્ગદર્શનનું પણ ઉત્તમ પ્રમાણ છે. શાળાનાં કોચ આયુષ યાદવ, હંશાયું સર્યવંશી, રાકેશ પાટીલ તથા ઇનચાર્જ પ્રિન્સિપાલ શ્રીમતી રાજકુમારી ઇબેનેઝર સક્ષમ નેતૃત્વ હેઠળ અમારા ખેલાડીઓ જિલ્લા સ્તરે તેમજ રાષ્ટ્રીય સ્તરે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધારી રહ્યા છે.

આ સિદ્ધિઓ ઓક્સફોર્ડ ઇગ્લિંશ હાઇસ્કુલ,ઉધના, સુરતને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટતા અને સર્વાંગી વિકાસના કેન્દ્ર તરીકે વધુ મજબૂત અને ઉજ્જ્વળ ઓળખ આપે છે.

સુરતની નાની શતરંજ સ્ટાર આરાધ્યા પટાવરીએ ઇતિહાસ રચ્યો, નેશનલ ચેમ્પિયનશિપમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું

 

સુરત. શહેરની ઉભરતી શતરંજ પ્રતિભા અને ડીપીએસ સુરતની ધોરણ ૨ની વિદ્યાર્થીની આરાધ્યા પટાવરીએ શતરંજની રમતમાં પોતાની કુશળતાથી સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ગુજરાત રાજ્ય અંડર-૯ ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યા બાદ હવે આરાધ્યાએ રાષ્ટ્રીય સ્તરે પણ પોતાની સફળતાનો પરચમ લહેરાવ્યો છે. ગૌહાટી ખાતે યોજાયેલી નેશનલ અંડર-૯ ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપમાં આરાધ્યાએ દેશભરના દિગ્ગજ ખેલાડીઓને ટક્કર આપતાં ચોથું સ્થાન પ્રાપ્ત કરી સુરત તથા સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે.

આરાધ્યાના પિતા સૌરભ પટાવરી અને માતા અંકિતા પટાવરી પોતાની દીકરી આરાધ્યાની સફળતા પર ગૌરવની ઊંડી અનુભૂતિ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આરાધ્યાએ નાની ઉંમરે અસાધારણ કુશળતાનો પરિચય આપ્યો છે. આ પહેલાં આરાધ્યાએ અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્યસ્તરીય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધા દરમિયાન આરાધ્યાની આક્રમક પરંતુ સંતુલિત ચાલો, વિચારશીલ રણનીતિ અને નિર્ણાયક ક્ષણોમાં તેનું શાંત સ્વભાવ તેને ખિતાબની મજબૂત દાવેદાર બનાવી રાખ્યો હતો. આરાધ્યાની આ ભવ્ય સિદ્ધિથી શાળા અને તેના પરિવારજનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે આરાધ્યાનો મોટો ભાઈ શૌર્ય પટાવરી પણ શતરંજ ખેલાડી છે તથા મેન્ટલ મેથ્સમાં એશિયા-ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યો છે અને વિવિધ સ્પર્ધાઓમાં કીર્તિમાન સ્થાપિત કરી ચૂક્યો છે, જે આરાધ્યા માટે સતત પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યો છે. સમગ્ર પટાવરી પરિવાર તેમજ વૈદ પરિવાર દ્વારા હંમેશા આરાધ્યાનો આત્મવિશ્વાસ વધારવામાં આવ્યો છે. નાની આરાધ્યાની આ રાષ્ટ્રીય સફળતા આવનાર સમયમાં આંતરરાષ્ટ્રીય મુકાબલાઓ માટે મજબૂત પાયો સાબિત થશે.

દીકરીઓના ઉત્થાન માટે ‘Run for Girl Child’ની બીજી આવૃત્તિનું 4 જાન્યુઆરીએ સુરતમાં આયોજન

 

સુરત: સમાજના શોષિત વંચિત અને પીડિત વર્ગની દીકરીઓના સર્વાંગી વિકાસ માટે ડોક્ટર હેડર્ગવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘Run for Girl Child’ ચેરિટી રનની બીજી આવૃત્તિ આગામી 4 જાન્યુઆરી 2026ના રોજ VNSGU કેમ્પસ, સુરત ખાતે યોજાશે.

આ માહિતી આયોજન સમિતિના સહ સહયોજક અમિતભાઇ ગજ્જર દ્વારા પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી. આ ચેરિટી રનમાં 8થી 10 હજાર દોડવીરો ભાગ લેવાની અપેક્ષા છે. મેરેથોનમાં 21 કિ.મી., 10 કિ.મી., 5 કિ.મી. અને 2 કિ.મી. જેવી વિવિધ કેટેગરી રહેશે. વિજેતાઓને કુલ મળીને રૂ. 2,20,000ના રોકડ ઇનામો આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં AMNS મુખ્ય સ્પોન્સર તરીકે સહયોગ આપી રહ્યું છે, જ્યારે રામકૃષ્ણ ડાયમંડ, PPL અને રાજકોટ નાગરિક સહકારી બેંક સહયોગી દાતાઓ તરીકે જોડાયા છે. આ પ્રસંગે આઈસીસી ચેરમેન જય શાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. સાથે જ શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ આ મેરેથોનની આયોજન સમિતિના સહ સહયોજક એવા શ્રી ઘનશ્યામ શંકર અમિતભાઈ ગજ્જર (પીપલ્સ બેંક ચેરમેન), શ્યામજી રાઠી, રાજેશજી સુરાણા અને રાકેશજી કંસલને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

સમિતિના સહ સહયોજક શ્યામજી રાઠી એ જણાવ્યું કે, ‘Run for Girl Child’ માત્ર દોડ નથી, પરંતુ દીકરીઓના સર્વાંગી ઉત્થાન માટેનું એક અભિયાન છે. સ્લમ વિસ્તારોમાં રહેતી શોષિત, વંચિત અને પીડિત દીકરીઓને શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બૌદ્ધિક અને સામાજિક આ પાંચ ક્ષેત્રોમાં સશક્ત બનાવવા માટે ટ્રસ્ટ સતત કાર્ય કરી રહેલ છે. ગયા વર્ષે જ્યાં માત્ર 7 કિશોરી વિકાસ કેન્દ્રો હતા, ત્યાં આજે 159 કેન્દ્રો કાર્યરત બન્યા છે. તે ઉપરાંત ટ્રસ્ટનો ‘જ્ઞાન મંદિર’ પ્રકલ્પ પણ 60 કેન્દ્રોથી વધીને 105 કેન્દ્રો સુધી વિસ્તર્યો છે.આ મેરેથોન દ્વારા કિશોરી વિકાસ કેન્દ્ર આવનારા વર્ષ માં 159 માંથી 500 તેમજ જ્ઞાન મંદિર પ્રકલ્પ 105 માંથી 300 સુધી પહોંચાડવાનો લક્ષ બનાવેલ છે.
આ ચેરિટી રનથી મળનારી સમગ્ર રકમ દીકરીઓના શિક્ષણ, વિકાસ અને કલ્યાણ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ડોક્ટર હેડર્ગવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટની સ્થાપના વર્ષ 1988માં થઈ હતી. ટ્રસ્ટ સામાજિક, શૈક્ષણિક, સ્વાવલંબન અને આરોગ્ય આ ચાર મુખ્ય ક્ષેત્રોમાં સેવાકાર્ય કરે છે. ડોક્ટર હેડર્ગવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી રણછોડભાઈ ધોળિયા છે, જ્યારે મંત્રી તરીકે નીતિન પટેલ જવાબદારી સંભાળી રહ્યા છે.

સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું

 

સુરત. સુરતનો ઉભરતો સિતારો બેડમિન્ટન ખેલાડી અને મનીત પાહુજા એકેડમી સાથે સંકળાયેલા વિવાન શાહે બિહારમાં યોજાયેલી પ્રતિષ્ઠિત યોનેક્સ સનરાઇઝ ૩૭મી સબ જુનિયર રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં અન્ડર-૧૩ બોયઝ સિંગલ્સ વર્ગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ત્રીજું સ્થાન મેળવી કાંસ્ય પદક જીત્યું છે. તેમની આ સિદ્ધિથી સુરત તેમજ ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે.

સુરત સ્થિત મનીત પાહુજા બેડમિન્ટન અકાદમીમાં મળતા ઉચ્ચ સ્તરીય તાલીમનું પ્રતિનિધિત્વ કરતા વિવાને આ સફળતા હાંસલ કરી છે. તેમની આ સિદ્ધિ તેમની કઠોર મહેનત, અવિરત લગન અને કોચીસના માર્ગદર્શનનું પરિણામ છે. આ ટૂર્નામેન્ટમાં વિવાનને રેન્કિંગના આધારે પાંચમું સ્થાન મળ્યું હતું.

આ અગાઉ પણ વિવાને અનેક રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. તેમણે મુંબઈમાં યોજાયેલી એક ઓલ ઇન્ડિયા રેન્કિંગ ટૂર્નામેન્ટમાં અન્ડર-૧૩ બોયઝ સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. ઉપરાંત બેંગલુરુમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા રેન્કિંગ બોયઝ ડબલ્સ સ્પર્ધામાં વિજેતા રહ્યા હતા, જ્યારે ગોવામાં યોજાયેલી ઓલ ઇન્ડિયા રેન્કિંગ બોયઝ ડબલ્સ ટૂર્નામેન્ટમાં ઉપવિજેતા રહ્યા હતા.

વિવાને આ સફળતા માટે પોતાના સ્કૂલ સ્કોલર ઇંગ્લિશ અકાદમી, ડુમસનો સહયોગ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે.

સુરતની નાનકડી ચેસ સ્ટાર આરાધ્યાએ રચ્યો ઈતિહાસ, રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે પસંદગી

 

સુરત. શહેરની ઉભરતી શતરંજ પ્રતિભા અને ડી.પી.એસ. સુરતની ધોરણ 2ની વિદ્યાર્થિની આરાધ્યા પટાવરીએ ગુજરાત રાજ્ય અન્ડર-9 ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન હાંસલ કરી સુરતનું નામ રોશન કર્યું છે. 30 નવેમ્બરે અમદાવાદમાં યોજાયેલી સ્પર્ધામાં આરાધ્યાએ 6.5/7નો પ્રભાવશાળી સ્કોર નોંધાવી ટોચનું સ્થાન પોતાના નામે કર્યું હતું.

સૌરભ અને અંકિતા પટાવરીની પુત્રી આરાધ્યાએ નાની ઉંમરમાં જ ચેસની રમત ક્ષેત્રે પગ મુક્યા બાદ ખૂબ ઓછા સમયમાં અસાધારણ કૌશલ્ય રજૂ કર્યું છે. સ્પર્ધા દરમિયાન તેના આક્રમક પરંતુ સંતુલિત મૂવ્સ, કુશળ વ્યૂહરચના અને નિર્ણાયક ક્ષણોમાં શાંતિપૂર્ણ સ્વભાવે તેણીને દરેક સ્પર્ધામાં આગળ વધારી છે. નિર્ણાયક રાઉન્ડમાં દાખવેલા આત્મવિશ્વાસે તેણીને ખિતાબના મજબૂત દાવેદાર બનાવવા સાથે અંતે વિજેતા પણ બનાવી.

આરાધ્યાના આ શાનદાર પ્રદર્શનથી શાળા તથા પરિવારમાં ખુશીની લહેર દોડતી થઈ છે. રાષ્ટ્રીય સ્તરે ગુવાહાટી ખાતે યોજાનારી ચેમ્પિયનશિપ માટે તેની પસંદગી સુરત શહેર માટે પણ ગૌરવની વાત માનવામાં આવી રહી છે. આરાધ્યાનો મોટો ભાઈ શૌર્ય પટાવરી પણ શતરંજ ખેલાડી છે અને વિવિધ સ્પર્ધાઓમાં સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યો છે. ત્યારે ભાઈ શૌર્ય થકી તો આરાધ્યાને પ્રેરણા મળે છે પણ સાથે રમતમાં આગળ વધવા માટે દાદી જ્યોતિ પટવારી અને ફોઈ ગરિમા પટવારી પણ સતત મનોબળ મજબૂત કરતા રહ્યા છે.