ગુજરાત ખબર
JITO પ્રીમિયર લીગ 2026 માટે ગુજરાત ગ્લેડિયેટર્સની ટીમ અને જર્સીનું લોન્ચિંગ
– 300થી વધુ ખેલાડીઓમાંથી પસંદ થયા 25 ગ્લેડિયેટર્સ, કોલંબોમાં ગુજરાતનું નામ રોશન કરશે
સુરત: ગુજરાતની રમતગમતની ઓળખને આંતરરાષ્ટ્રીય મંચ સુધી લઈ જવાના ઉદ્દેશ સાથે ગુજરાત ગ્લેડિયેટર્સની સત્તાવાર ટીમ અને જર્સીનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. JITO પ્રીમિયર લીગ 2026માં ગુજરાત ગ્લેડિયેટર્સ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. લીગનું આયોજન 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર 2026 દરમિયાન કોલંબો, શ્રીલંકામાં થશે.
ગુજરાત ગ્લેડિયેટર્સ ટીમના માલિકી કંપની ચિંતામણી એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક નીતિન મહેતાએ જણાવ્યું હતું કે ગુજરાત ગ્લેડિયેટર્સ
માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયામાં સમગ્ર ભારતમાંથી 300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિવિધ તબક્કાની પસંદગી પ્રક્રિયા બાદ 25 ખેલાડીઓને અંતિમ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. હવે આ 25 ખેલાડીઓ કોલંબોમાં ગુજરાતના નામ અને ઓળખ સાથે મેદાનમાં ઉતરશે.
વધુમાં નીતિન મહેતાએ કહ્યું હતું કે ટીમનું નામ કોઈ બિઝનેસ, કંપની કે કોર્પોરેટ ઓળખ પરથી રાખવાને બદલે સીધું ‘ગુજરાત’ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતને ઉદ્યોગસાહસિકતા, સાહસ, વિકાસ, નવી તકો અને સતત આગળ વધવાની ભાવનાના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યું છે. ટીમનો ઉદ્દેશ માત્ર એક ફ્રેન્ચાઈઝી તરીકે ઓળખ બનાવવાનો નહીં, પરંતુ ગુજરાતની ઓળખ અને ગૌરવનું પ્રતિનિધિત્વ કરવાનો છે અને આ બાબતની નોંધ ખુદ કેન્દ્રીય રમત ગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ લઈ નીતિન મહેતાની પ્રશંસા પણ કરી છે.
ટીમના માલિકે જણાવ્યું હતું કે ગુજરાત ગ્લેડિયેટર્સની પસંદગી પ્રક્રિયામાં 300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. દરેક ખેલાડી માટે ટ્રાયલ પોતાની પ્રતિભા સાબિત કરવાની તક બની હતી. અંતે 25 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ ખેલાડીઓ માટે JPL માત્ર એક ટુર્નામેન્ટ નહીં, પરંતુ પોતાની પ્રતિભા અને નવી ઓળખ સ્થાપિત કરવાની તક પણ છે.
ગુજરાત ગ્લેડિયેટર્સની ટીમની વિચારધારા પાંચ મુખ્ય સિદ્ધાંતો પર આધારિત છે તે છે સાહસ, શિસ્ત, એકતા, જુસ્સો અને ગૌરવ. ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે મેદાન પર વ્યક્તિગત પ્રદર્શન સાથે ટીમભાવનાને પણ એટલું જ મહત્વ આપવામાં આવશે.
– પાર્થિવ પટેલ બન્યા બ્રાન્ડ એમ્બેસેડર
ભારતના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પાર્થિવ પટેલ ગુજરાત ગ્લેડિયેટર્સ સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા છે. ભારતીય ક્રિકેટનો અનુભવ, રમતની સમજ અને ગુજરાત સાથેનું તેમનું જોડાણ ટીમ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.
– JITO Apexના ચેરમેન પૃથ્વીરાજ કોઠારીની વિશેષ ઉપસ્થિતિ
JPLના વ્યાપક વિઝન અને રમતગમત સાથે સમાજને જોડવાના પ્રયાસને JITO Apexના નેતૃત્વનું સમર્થન છે. JITO Apexના ચેરમેન પૃથ્વીરાજ કોઠારી પણ ટીમ લોન્ચ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
– ટીમ પાછળનું વિઝન
ગુજરાત ગ્લેડિયેટર્સના માલિક નિતિન મહેતાના જણાવ્યા અનુસાર ટીમ બનાવવાનો હેતુ માત્ર ક્રિકેટ મેચ જીતવાનો નથી. પ્રતિભાશાળી ખેલાડીઓને તક આપવી, મજબૂત ટીમ તૈયાર કરવી, આગવી ઓળખ ઊભી કરવી અને ગુજરાત ગર્વ કરી શકે તેવી વિરાસતનું નિર્માણ કરવું એ ટીમ પાછળનું મુખ્ય વિઝન છે.
– ક્રિકેટથી આગળ વધતું JPLનું પ્લેટફોર્મ
JITO પ્રીમિયર લીગને માત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકે નહીં, પરંતુ રમતગમત, પ્રતિભા, ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ અને સમાજને જોડતા પ્લેટફોર્મ તરીકે રજૂ કરવામાં આવી છે. JPL 2026માં 12 ફ્રેન્ચાઈઝી ટીમો ભાગ લઈ રહી છે. લીગનો મુખ્ય ઉદ્દેશ પ્રતિભાની શોધ, નવી તકોનું નિર્માણ, ટીમ સ્પિરિટને પ્રોત્સાહન અને નવી પેઢીને રમતગમત તરફ પ્રેરિત કરવાનો છે.
24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન કોલંબોમાં યોજાનારી JPL 2026માં ગુજરાત ગ્લેડિયેટર્સના 25 ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ટીમ મેનેજમેન્ટનું કહેવું છે કે જ્યારે ગ્લેડિયેટર્સ મેદાનમાં ઉતરશે ત્યારે તેમની જર્સી પર માત્ર ટીમનો લોગો નહીં, પરંતુ ‘ગુજરાત’ની ઓળખ પણ હશે.
ગુજરાત ગ્લેડિયેટર્સનું સૂત્ર છે એક ટીમ, એક રાજ્ય, એક ગૌરવ.
CubeSanchar નું VyomLink-1 હાઈ-એલ્ટિટ્યુડ બલૂન ટેક્નોલોજી ડેમો સફળતાપૂર્વક પૂર્ણ
હૈદરાબાદ, 1 સપ્ટેમ્બર 2026: CubeSancharએ પોતાની VyomLink-1 હાઈ-એલ્ટિટ્યુડ બલૂન મિશનની ફ્લાઇટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ મિશનનો મુખ્ય હેતુ ઓછા ખર્ચે ડેટા રિલે કમ્યુનિકેશન સિસ્ટમ વાસ્તવિક ફ્લાઇટ પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરે છે તે તપાસવાનો હતો.
આ મિશન CubeSanch arની ટીમના માહિર ચાહવાળા, કૃષ્ણેન્દ્ર સિંહ, પવન કુમાર અને સાઈ પ્રસાદ ધોધી દ્વારા કરવામાં આવ્યું હતું. ટીમે પેલોડ બનાવવાથી લઈને તેની ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન, કમ્યુનિકેશન સિસ્ટમ અને આખા મિશનના ઓપરેશન સુધીની જવાબદારી સંભાળી હતી.
ફ્લાઇટ દરમિયાન VyomLink-1એ લગભગ 10 કિમીની ઊંચાઈ સુધી અને અંદાજે 16 કિમીના સ્લાન્ટ રેન્જ સુધી Store-and-Forward Data Relay સિસ્ટમ સફળતાપૂર્વક બતાવી.
આ સફળ રિલે તબક્કામાં અપેક્ષિત 20માંથી 20 ડેટા પેકેટ સફળતાપૂર્વક મળ્યા, એટલે કે 100% પેકેટ રિસેપ્શન થયું અને કોઈ પેકેટ લોસ નોંધાયો નહીં.
લગભગ 10 કિમીની ઊંચાઈ બાદ નવા મોકલાયેલા Store Commands માટે acknowledgement મળવાનું બંધ થયું. તેનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી. પેલોડ રિકવર થયા પછી ટીમ આ બાબતનું વિગતવાર વિશ્લેષણ કરશે.
મહત્વની વાત એ છે કે આ સમસ્યા આવ્યા પછી પણ પેલોડ કામ કરતું રહ્યું.
VyomLink-1એ 32.8 કિમીથી વધુ ઊંચાઈ પરથી પણ પોતાના હેલ્થ બીકન મોકલવાનું ચાલુ રાખ્યું, અને લગભગ 68 કિમીના સ્લાન્ટ રેન્જ સુધી કમ્યુનિકેશન સફળ રહ્યું.
આથી સાબિત થયું કે CubeSancharનું નાનું અને કોમ્પેક્ટ કમ્યુનિકેશન પેલોડ ઘણું મજબૂત છે. મુખ્ય Store-and-Forward પ્રયોગમાં સમસ્યા આવ્યા પછી પણ સિસ્ટમ Near-Space જેવી ઊંચાઈ પરથી પૃથ્વી સાથે વાતચીત કરતી રહી.
આ મિશન દરમિયાન પેલોડને જમીન પરની ટેસ્ટિંગ કરતા ઘણી વધુ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો.
લૉન્ચ પહેલા સિસ્ટમને લગભગ -15°C થી -24°C તાપમાનમાં ટેસ્ટ કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવિક ફ્લાઇટ દરમિયાન પેલોડ અંદાજે -60°C થી -80°C જેટલી ઠંડી પરિસ્થિતિમાંથી પસાર થયું , અને છતાં પણ કામ કરતું રહ્યું.
હવે CubeSancharની ટીમ પેલોડ રિકવર થવાની રાહ જોઈ રહી છે. પેલોડ પાછું મળ્યા પછી તેના હાર્ડવેર અને અંદરના રેકોર્ડ્સ ચેક કરવામાં આવશે.
તેના આધારે સમજવામાં આવશે કે 10 કિમી પછી Store-and-Forward સિસ્ટમમાં આવેલી સમસ્યા રિસીવિંગ લિંક, પેલોડના ઇલેક્ટ્રોનિક્સ, સોફ્ટવેર, સ્ટોરેજ અથવા ફ્લાઇટ સાથે જોડાયેલા અન્ય કોઈ કારણને કારણે હતી કે નહીં.
ટીમ માટે આ તપાસ પણ ટેક્નોલોજી ડેવલપમેન્ટનો મહત્વનો ભાગ છે.
CubeSanchar STAR Labs Surat નો પણ હૃદયપૂર્વક આભાર માને છે, જેમણે VyomLink-1 પેલોડના ડેવલપમેન્ટમાં મદદ કરી, પોતાની સુવિધાઓ ઉપયોગ કરવા આપી અને ટેસ્ટિંગથી લઈને મિશન તૈયારી સુધી ટીમને સતત સહકાર આપ્યો.
VyomLink-1 મિશને અત્યાર સુધીમાં ત્રણ મહત્વપૂર્ણ પરિણામ આપ્યા છે:
લગભગ 10 કિમી ઊંચાઈ અને 16 કિમી સ્લાન્ટ રેન્જ સુધી Store-and-Forward Relay સફળ રહ્યો.
32.8 કિમીથી વધુ ઊંચાઈ અને લગભગ 68 કિમી સ્લાન્ટ રેન્જ સુધી પેલોડ સાથે કમ્યુનિકેશન ચાલુ રહ્યું.
જમીન પરની ટેસ્ટિંગ કરતા ઘણી વધુ કઠિન ઠંડી પરિસ્થિતિમાં પણ પેલોડ સફળતાપૂર્વક કામ કરતું રહ્યું.
CubeSanchar માટે આ મિશન લેબોરેટરીમાં થયેલી ટેસ્ટિંગથી આગળ વધીને વાસ્તવિક દુનિયામાં ઓછા ખર્ચે ડેટા રિલે કમ્યુનિકેશન સિસ્ટમ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
“પેલોડ પહેલા કરતાં વધુ ઊંચું ગયું, વધુ દૂર ગયું અને વધુ કઠિન પરિસ્થિતિમાંથી પસાર થયું — છતાં પણ પૃથ્વી સાથે વાત કરતું રહ્યું.”
VyomLink-1માંથી મળેલા ડેટાનો ઉપયોગ હવે CubeSancharની આગામી પેઢીની કમ્યુનિકેશન ટેક્નોલોજીને વધુ સારી અને મજબૂત બનાવવા માટે કરવામાં આવશે.
સુરતનું રિસર્ચ-આધારિત સ્ટાર્ટઅપ ‘નવીનમાર્ટ’, ઈ-કોમર્સમાં શ્રેષ્ઠ કામગીરી માટે ‘MY FM એક્સેલન્સ એવોર્ડ 2026’ થી સન્માનિત
સુરત (ગુજરાત) [ભારત], 27 ઓગસ્ટ: સુરત સ્થિત નવીન ઇલેક્ટ્રોનિક્સના ઇ-કોમર્સ વેંચર, ‘નવીનમાર્ટ’ ને ઇ-કોમર્સમાં ઉત્તમ કામગીરી માટે “MY FM એક્સેલન્સ એવોર્ડ 2026” થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ એવોર્ડ અધિકૃત વિક્રેતાઓ, ગ્રાહકોને આફ્ટર સેલ્સ સર્વિસ અને ઇલેક્ટ્રોનિક્સ રિટેલ ઉદ્યોગમાં પાંચ દાયકાથી વધુના અનુભવની સાથે એક હાઇપર-લોકલ ઓનલાઈન માર્કેટપ્લેસ બનવાના તેના અભિગમને માન્યતા આપે છે. 2025 માં લોંચ થયેલ, ‘નવીનમાર્ટ’ એક રિસર્ચ આધારિત ઈ-કોમર્સ વેંચર છે, જે નવીન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ઓનલાઇન શોપિંગ અંગે ગ્રાહકોની બદલાતી અપેક્ષાઓને પૂરી કરવા માટે ડેવલપ કરવામાં આવ્યું છે. તેણે એક ફિઝિકલ રિટેલ બિઝનેસ સાથે સંકળાયેલા વિશ્વાસ અને સર્વિસને જાળવી રાખ્યું છે. આ પ્લેટફોર્મ, ઓનલાઇન શોપિંગની સુવિધાને એક જાણીતા લોકલ રિટેલરની વિવિઘ પ્રોડક્ટની માહિતી, ઓથોરાઈઝ્ડ સેલર નેટવર્ક અને આફ્ટર સેલ્સ ક્ષમતાની સાથે જોડે છે. નવીનમાર્ટ વતી સહ-સ્થાપક સૌરવ જેતવાની અને આશુતોષ જેતવાની દ્વારા “MY FM એક્સેલન્સ એવોર્ડ 2026” સ્વીકારવામાં આવ્યો હતો. આ સન્માન અંગે તેમણે જણાવ્યું હતું કે, “આ એવોર્ડ, નવીનમાર્ટ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. ખાસ કરીને એટલા માટે કે, અમે હજુ પણ એક નવું વેંચર છીએ. અમે એક સરળ વિચાર સાથે નવીનમાર્ટની શરૂઆત કરી હતી, જેમાં એક ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું, જે ગ્રાહક અને સ્થાનિક બજારને વધુ સારી રીતે સમજી શકે. ઇલેક્ટ્રોનિક્સ રિટેલમાં અમારા પાંચ દાયકાથી વધુના અનુભવે અમને એ સમજવામાં મદદ કરી છે કે, ગ્રાહકો કિંમત ઉપરાંત શું શોધે છે, જેમાં અસલી પ્રોડક્ટ, ભરોસાપાત્ર સલાહ અને ખરીદી પછીનો સપોર્ટ સામેલ છે. અમે ખરેખર ખુબજ ગૌરવ અનુભવીએ છીએ કે, આ અભિગમને માન્યતા મળી છે.” સેલર્સના વિશાળ નેટવર્કને એકસાથે લાવતા પરંપરાગત માર્કેટપ્લેસથી વિપરીત, નવીનમાર્ટ બ્રાન્ડ-અધિકૃત વિક્રેતાઓ પર ભાર મૂકે છે. જેનાથી ગ્રાહકોને ઉત્પાદનની પ્રામાણિકતા અને વાસ્તવિક ઉત્પાદનો પર વધુ વિશ્વાસ બેસે છે. આ પ્લેટફોર્મ હાઇપર-લોકલ માર્કેટપ્લેસ મોડેલને પણ ફોલો કરે છે. એક બીજી ખાસ વાત, તેની આફ્ટર-સેલ્સ સર્વિસ આપવાની પદ્ધતિ છે. નવીનમાર્ટનો ઉદ્દેશ્ય, ગ્રાહકોને ખરીદી પછી વ્યક્તિગત મદદ પૂરી પાડવાનો છે, જે નવીન ઇલેક્ટ્રોનિક્સના વર્ષોના અનુભવ અને સર્વિસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સમર્થિત છે. આનાથી કંપની પોઈન્ટ ઓફ સેલ ઉપરાંત પણ ગ્રાહકો સાથે સતત જોડાયેલી રહે છે. ઉલ્લેખનીય છે કે, ‘નવીનમાર્ટ’ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સિસ, સ્માર્ટફોન અને મોબાઇલ એસેસરીઝ, વેરેબલ્સ, બ્યુટી અને ગ્રુમિંગ પ્રોડક્ટ્સ અને અન્ય લાઇફસ્ટાઇલ કેટેગરીમાં વિવિધ ઉત્પાદનો ઓફર કરે છે. આ પ્લેટફોર્મ, નવીન ઇલેક્ટ્રોનિક્સના રિટેલ નેટવર્ક દ્વારા ઉપલબ્ધ સપોર્ટ સાથે તેની ઓનલાઇન હાજરીને જોડતી વખતે ઑફર્સ, સ્પર્ધાત્મક કિંમત, EMI વિકલ્પો અને ડિલિવરી સર્વિસ પણ પ્રદાન કરે છે. MY FM તરફથી આ સન્માન એવાં સમયે મળ્યું છે, જ્યારે ‘નવીનમાર્ટ’ ડિજિટલ રિટેલ સેગમેન્ટમાં તેની હાજરીને મજબૂત બનાવી રહ્યું છે અને નવીન ઇલેક્ટ્રોનિક્સના વારસાને આગળ વધારી રહ્યું છે. ગ્રાહકોના વિશ્વાસ, સર્વિસ અને સુવિધા પર ફોકસ કરવા સાથે, કંપની તેની પહોંચ વધારવાનો અને નવીનમાર્ટને એક અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
રક્ષાબંધન પર વૃક્ષો બન્યા ‘ભાઈ’, દીકરીઓ બની રક્ષક
વી.એન. ગોધાણી સ્કૂલની 70 દીકરીઓએ 70 વૃક્ષોને રાખડી બાંધી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો
સુરત: રક્ષાબંધનના પવિત્ર પર્વને માત્ર ભાઈ-બહેનના સ્નેહના પર્વ પૂરતું સીમિત ન રાખી, વૃક્ષો સાથે ભાવનાત્મક સંબંધ જોડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વી.એન. ગોધાણી ઇંગ્લિશ સ્કૂલની 70 દીકરીઓએ રક્ષાબંધનના એક દિવસ અગાઉ ધોળકિયા ગાર્ડન ખાતે 70 વૃક્ષોને રાખડી બાંધી વૃક્ષોની રક્ષા અને જતનનો સંકલ્પ લીધો હતો.
આ અનોખા કાર્યક્રમનું આયોજન આજરોજ સવારે 10 વાગ્યે ધોળકિયા ગાર્ડન ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દરેક દીકરીએ પોતાના ફાળવાયેલા વૃક્ષને ચાંદલો કરી આરતી ઉતારી હતી અને ત્યારબાદ તેને રાખડી બાંધી હતી. આ સાથે દીકરીએ પોતાના વૃક્ષોની જાળવણીની જવાબદારી પણ સ્વીકારી હતી.
આ માટે દીકરીઓના વૃક્ષો અગાઉથી નક્કી કરવામાં આવ્યા હતા અને વૃક્ષોના કદ પ્રમાણે રાખડીઓ પણ ખાસ તૈયાર કરવામાં આવી હતી.
કાર્યક્રમ અંગે ભાવેશભાઈ લાઠીયાએ જણાવ્યું હતું કે આ આયોજન પાછળનો મુખ્ય વિચાર એ છે કે જેમ રક્ષાબંધનના દિવસે ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. એ જ ભાવનાને આગળ વધારી આ વર્ષે દીકરીઓએ વૃક્ષોની રક્ષા અને સંભાળનો સંકલ્પ લીધો છે. વૃક્ષો સાથે માત્ર પર્યાવરણના દૃષ્ટિકોણથી નહીં, પરંતુ લાગણી અને આત્મીયતાનો સંબંધ વિકસે તે આ પહેલનો મુખ્ય હેતુ છે.”
સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી દિવ્યાબેન ગજ્જરે જણાવ્યું કે, “વૃક્ષો વાવ્યા બાદ તેનું જતન કરવું એટલું જ મહત્વનું છે. લોકો જ્યારે વૃક્ષો સાથે ભાવનાત્મક રીતે જોડાય છે ત્યારે તેના સંરક્ષણની ભાવના વધુ મજબૂત બને છે.”
– ‘એક પેડ મા કે નામ’ સાથે જોડાશે પહેલ

સ્કૂલના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા એ જણાવ્યું કે, આપણી ધરતીને હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની વિચારધારાને આગળ ધપાવતાં તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનથી પ્રેરણા લઈને આ અનોખી પહેલ કરવામાં આવી છે. વૃક્ષારોપણ સાથે તેના સંરક્ષણ અને જતનને પણ જનઆંદોલનનું સ્વરૂપ મળે તેવો આ પ્રયાસ છે.
– ‘દર વર્ષે મારા વૃક્ષને રાખડી બાંધીશ’
આ પહેલને લઈને શાળાની દીકરીઓમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક દીકરીઓએ પોતાના વૃક્ષ સાથેનો આ સંબંધ દર વર્ષે રક્ષાબંધનના પર્વે રાખડી બાંધીને જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આમ, એક દિવસના કાર્યક્રમને બદલે વર્ષો સુધી ચાલે તેવું વૃક્ષ અને બાળક વચ્ચેનું ભાવનાત્મક જોડાણ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
– વૃક્ષારોપણ બાદ હવે જતન પર ભાર
ગોવિંદકાકા દર વર્ષે મોટી સંખ્યામાં વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ સાથે હવે વૃક્ષોના જતન અને સંરક્ષણને પણ એટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. કતારગામ વિસ્તારમાં ‘ગ્રીન લાઇન્સ’ નામ પણ ગોવિંદકાકાની હરિયાળી પ્રત્યેની વિચારધારા સાથે જોડાયેલું છે. ગોધાણી સ્કૂલ તરફ જતી ગલીને પણ ‘ગ્રીન લાઇન્સ’ નામ આપવામાં આવ્યું છે.
– પર્યાવરણ શિક્ષણનું જીવંત ઉદાહરણ

આ પહેલ માત્ર રક્ષાબંધનની ઉજવણી નથી, પરંતુ બાળકોમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ, જવાબદારી અને સંરક્ષણની ભાવના વિકસાવતું જીવંત શિક્ષણ છે. દીકરીઓ પોતાના વૃક્ષને નિયમિત જોવે, તેની સંભાળ લે અને વર્ષો સુધી તેની સાથે જોડાય તેવો આ પ્રયાસ આગામી પેઢીમાં વૃક્ષ સંરક્ષણની સંસ્કૃતિ વિકસાવવામાં મહત્વપૂર્ણ બની શકે છે.
“વૃક્ષ વાવવું એ શરૂઆત છે, પરંતુ તેને ઉછેરવું અને જાળવવું એ સાચી જવાબદારી છે.”
આ ભાવનાને રક્ષાબંધનના પવિત્ર પર્વ સાથે જોડતી આ પહેલ પર્યાવરણ સંરક્ષણ માટે એક સંવેદનશીલ અને પ્રેરણાદાયી સંદેશ બની છે.
મહિલા ગુન્હા નિવારણ શાખા અને ઉધના ઝોન ૨ ડીસીપી કાનન દેસાઈ GPS દ્વારા સનરેઝ સ્કૂલ અને લીઓ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે વિદ્યાર્થીઓ ને સાયબર ક્રાઈમ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા .
સુરત : આ કાર્યક્રમ માં સુરત શહેર પોલીસ ઝોન ૨ ના ડીસીપી શ્રી કાનન દેસાઈ અને મહિલા સેલ ના એસીપી મિનિ જોસેફે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. ડીસીપી કાનન દેસાઈએ બાળકો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે પોલીસ થી ડરો નહીં. પોલીસ તમારી સેવા માટે છે .
જેમ તમારી માતા પોતાની જવાબદારી સમજી સવારે તમારા કરતા વહેલી ઉઠી પોતાની જવાબદારી નિભાવે છે એમ તમે પણ તમારી જવાબદારી સમજો. સમય ને માન આપો. જે બાળક સમય ને માન આપે છે , જવાબદાર બને છે અને શિસ્ત માં રહે છે તે પોતાના ધ્યેય માં સફળ થાય છે .

જાણતા અજાણતા ક્યારેક કોઈ ગુનો થઈ જાય તો પાછળ ની જિંદગી માં ઘણું સહન કરવું પડે . એસીપી મિનિ જોસેફ બુલિંગ શું કહેવાય ? બ્લેકમેલિંગ નો ભોગ કોણ બને , ડિજિટલ અરેસ્ટ થી કેવીરીતે બચવું, મોબાઈલ માં સોશિયલ મીડિયા ના ઉપયોગ માં કઈ કઈ કાળજી રાખવી તેનું સંપૂર્ણ માર્ગદર્શન પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા આપ્યું હતું .

સંસ્થા તરફ થી હાજર રહેલ ડીસીપી કાનન દેસાઈ, એસીપી મિનિ જોસેફ , પીએસઆઈ દીપિકા ટંડેલ નો આભાર માન્યો હતો
ખાડીપૂરમાં સેવાકાર્ય કરનાર ભાજપ નેતા અને ટ્રસ્ટને આમંત્રણ છતાં સન્માન ન મળ્યું
પાંચ સંસ્થામાંથી ચારનું સન્માન, છેલ્લી ઘડીએ નિર્ણય બદલાયો હોવાની ચર્ચા વચ્ચે આખરે કોના ઈશારે રમત રમાઈ તે પણ બન્યો ચર્ચાનો વિષય
સુરત: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના સરકારી કાર્યક્રમમાં ખાડીપૂર દરમિયાન રાહત કામગીરી કરનાર સેવાભાવી સંસ્થાઓના સન્માનને લઈને હવે રાજકીય ચર્ચા શરૂ થઈ છે. ઉમરા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સમારોહમાં સન્માન માટે પસંદ કરાયેલા પાંચ પૈકી ચાર સંસ્થાઓને મંચ પરથી સન્માનિત કરવામાં આવી હતી, જ્યારે ભાજપ સાથે જોડાયેલા સ્થાનિક નેતા સમ્રાટ પાટીલના સાંઈ લીલા ગ્રુપનું નામ અંતિમ સમયે જાહેર ન થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
ખાસ વાત એ છે કે જિલ્લા વહીવટી તંત્ર તરફથી સમ્રાટ પાટીલને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે અગાઉથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમંત્રણના આધારે તેઓ કાર્યક્રમમાં પહોંચ્યા પણ હતા. જોકે, સન્માનની જાહેરાત શરૂ થતાં તેમના ગ્રુપનું નામ ન બોલાવવામાં આવતાં તેઓ સન્માનની રાહ જોતા રહી ગયા હતા.
ખાડીપૂર દરમિયાન સાંઈ લીલા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો માટે ફૂડ પેકેટ અને રાશન કીટનું વિતરણ સહિતની કામગીરી કરવામાં આવી હતી. સમ્રાટ પાટીલના જણાવ્યા પ્રમાણે, પૂરગ્રસ્ત વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોને જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવી હતી. આ કામગીરીના આધારે જ ગ્રુપને સન્માન માટે પસંદ કરવામાં આવ્યું હોવાનું તેમને અગાઉથી જણાવાયું હતું. પરંતુ કાર્યક્રમમાં પાંચમાંથી ચાર સંસ્થાઓને સન્માન મળ્યું અને પાંચમી સંસ્થા તરીકે જે નામની અપેક્ષા હતી તે જાહેર થયું નહીં. આથી સત્તાવાર યાદી, આમંત્રણ અને મંચ પરની જાહેરાત વચ્ચેના તફાવતને લઈને સવાલો ઊભા થયા છે.

– ‘છેલ્લી ઘડીએ નામ કેમ હટાવાયું?’
સમ્રાટ પાટીલે સમગ્ર ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ, વહીવટી તંત્ર તરફથી સન્માન માટે આમંત્રણ મળ્યું હોવાથી તેઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પૂર દરમિયાન સેવા કર્યા બાદ સન્માન મળવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ નામ દૂર થયું હોવાની સ્થિતિ સર્જાઈ. વધુમાં સમ્રાટ પાટીલે જણાવ્યું હતું કે માત્ર પૂર પીડિતોની જ નહીં પણ સાઈ લીલા ગ્રૂપના માધ્યમથી તેઓ વર્ષ દરમિયાન અનેક પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરતા રહે છે અને લોકો તરફથી જે પ્રેમ મળ્યો છે તે જ અમારું સન્માન છે. બીજી તરફ આ ઘટનાને લઈને ભાજપના સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને લીંબાયત વિધાનસભા બેઠકના આગામી રાજકીય સમીકરણો સાથે આ ઘટનાને જોડીને જોવામાં આવી રહી છે.
– લિંબાયતની આંતરિક રાજનીતિ ચર્ચાના કેન્દ્રમાં
સમ્રાટ પાટીલ લીંબાયત વિસ્તારમાં સક્રિય હોવાથી આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની દાવેદારીને લઈને તેમના સમર્થકોમાં ચર્ચા છે. ખાડીપૂર દરમિયાન કરવામાં આવેલી રાહત કામગીરીથી તેમની સક્રિયતા વધુ સ્પષ્ટ બની હોવાનું પણ તેમના સમર્થકો માને છે.
આ સંજોગોમાં સરકારી કાર્યક્રમમાં મળનારા સન્માનમાંથી છેલ્લી ઘડીએ નામ દૂર થવાને કેટલાક લોકો પક્ષની આંતરિક ખેંચતાણ સાથે જોડીને જોઈ રહ્યા છે. જોકે, નામ કેમ દૂર કરવામાં આવ્યું તે અંગે જિલ્લા વહીવટી તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ સત્તાવાર કારણ સામે આવ્યું નથી.
આથી હવે ચર્ચાનો વિષય માત્ર સન્માનનો રહ્યો નથી, પરંતુ સરકારી સન્માનની પ્રક્રિયામાં અંતિમ સમયે શું બદલાયું અને કોના નિર્ણયથી બદલાયું? તે પણ બની ગયો છે.
ખાડી પૂર દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ જુનિયર ઇજનેર નીરવ પટેલનું સન્માન
સુરત, તા. 15: સુરતમાં તાજેતરમાં સર્જાયેલી ખાડી પૂર જેવી વિકટ પરિસ્થિતિ દરમિયાન બચાવ અને રાહત કામગીરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ તથા વિવિધ સંસ્થાઓનું જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે ઉમરા ખાતે આવેલા એસએમસી પાર્ટી પ્લોટમાં યોજાયેલા સમારોહમાં સુરત મહાનગરપાલિકાના ઉધના-એ ઝોનના જુનિયર ઇજનેર નીરવ પટેલનું પણ સન્માન કરાયું હતું.
રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે નીરવ પટેલને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ ખાડી પૂર દરમિયાન તેમણે બજાવેલી જવાબદારી અને બચાવ-રાહત કામગીરીની પ્રશંસા કરી હતી.

સુરતમાં ખાડી પૂર દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા નીરવ પટેલે રેસ્ક્યૂ ટીમ તેમજ વિવિધ વિભાગો સાથે અસરકારક સંકલન કરી બચાવ અને રાહત કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના કાર્યક્ષેત્રમાં સંભવિત જાનમાલના નુકસાનને અટકાવવા માટે તેમણે સતત કામગીરી કરી હતી.
ખાડી પૂર જેવી કટોકટીની સ્થિતિમાં ફરજ પ્રત્યેની નિષ્ઠા, ત્વરિત નિર્ણયશક્તિ અને વિવિધ ટીમો વચ્ચેના સંકલન બદલ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા નીરવ પટેલની ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લેવામાં આવી હતી. આ કામગીરીને બિરદાવવા માટે સ્વાતંત્ર્ય દિવસના જિલ્લા કક્ષાના સમારોહમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
સોલેક્સ એનર્જી લિમિટેડ દ્વારા BSE પર લિસ્ટિંગની ઉજવણી, વૃદ્ધિની સફરમાં વધુ એક ઉપલબ્ધિ
સુરત, 13 ઓગસ્ટ, 2026: Solex Energy Limited (BSE Code: [544862] | NSE: SOLEX) — સૂર્ય ઊર્જાથી વધતા અનુભવ ધરાવતી અગ્રણી સોલાર એનર્જી સોલ્યુશન્સ કંપની સોલેક્સ એનર્જી લિમિટેડ એ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર પોતાના સફળ લિસ્ટિંગની ઉજવણી કરી, જે કંપનીની વૃદ્ધિ, નવીનતા અને મૂલ્ય નિર્માણની સફરમાં વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે.
આ પ્રસંગે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, પ્રમોટર્સ અને વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે બોલતાં, સોલેક્સ એનર્જી લિમિટેડના (DIN: 02253886) ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ચેતન શાહે જણાવ્યું, “BSE પર અમારા લિસ્ટિંગ સમારોહ સોલેક્સ ટીમ માટે ગર્વ અને યાદગાર ક્ષણ છે. તે અમારા વિઝન, ગવર્નન્સ અને લાંબા ગાળાની વૃદ્ધિ વ્યૂહરચનામાં રોકાણકારો અને હિતધારકોએ મૂકેલા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. આજની તારીખે સોલેક્સ એનર્જીને 11,000+ થી વધુ શેરહોલ્ડર્સના વધતા સમુદાયનું સમર્થન પ્રાપ્ત છે, અને BSE પર અમારા વિસ્તરણ સાથે, અમે અમારા રોકાણકાર આધારને વધુ વિસ્તૃત કરવા અને શેરહોલ્ડર પોર્ટફોલિયોને મજબૂત બનાવવા આતુર છીએ.”
“જેમ જેમ અમે અમારી ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ કરવાનું અને ભારતના રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમમાં અમારું સ્થાન મજબૂત કરવાનું ચાલુ રાખીએ છીએ, ત્યારે આ ઉપલબ્ધ કેપિટલ માર્કેટ્સમાં અમારી પહોંચ વધારે છે અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સોલાર મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ બનાવવાની અમારી સફરને સમર્થન આપે છે. અમે અમારા શેરહોલ્ડર્સ માટે ટકાઉ મૂલ્ય સર્જન કરવા તેમજ ભારતના સ્વચ્છ ઊર્જા સંક્રમણ અને વિકસિત ભારતના વિઝનમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”

સોલેક્સ એનર્જીએ સતત પોતાની ઉત્પાદન ક્ષમતા અને ટેકનોલોજીકલ કૌશલ્યને મજબૂત બનાવ્યું છે. કંપની ગુજરાતના તડકેશ્વર સ્થિત યુનિટમાં વિસ્તરણ યોજનાઓને આગળ વધારી રહી છે, જેમાં ઉચ્ચ-ક્ષમતાવાળા સોલાર મોડ્યુલ્સ અને નેક્સ્ટ-જનરેશન સોલાર ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મજબૂત ઓર્ડર પાઇપલાઇન અને વધતી બજાર માંગ સાથે, સોલેક્સ ભારતના ઝડપથી વિકસી રહેલા રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે સજ્જ છે.
કંપનીના લાંબા ગાળાના વિઝન 2030નું લક્ષ્ય 10 GW સોલાર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા, 10 GW સોલાર સેલ ઉત્પાદન ક્ષમતા, 10 GW BESS ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 2 GW વિન્ડ તથા ઇનગ્રેટેડ સ્થાપિત કરવાની છે, સાથે સાથે સોલાર વેલ્યુ ચેઇનમાં વધુ એકીકરણની શક્યતાઓ પણ શોધવામાં આવી રહી છે. આ વિઝન ભારત સરકારના આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત જેવા અભિયાનો સાથે ગાઢ રીતે સુસંગત છે, જેનો ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવવાનો અને દેશના ટકાઉ ઊર્જા સંક્રમણને વેગ આપવાનો છે.
સોલેક્સ સર્વસમાવેશક વૃદ્ધિ અને સામાજિક પ્રભાવ પર પણ સતત ભાર મૂકે છે, જ્યાં તેના કર્મચારીગણનો નોંધપાત્ર હિસ્સો આદિવાસી અને સ્થાનિક સમુદાયોમાંથી આવે છે, જે આર્થિક પ્રગતિ સાથે સામુદાયિક સશક્તિકરણને જોડવાની કંપનીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
૨૦ વર્ષ • ૪૫૦ પ્લોટ • એક પણ પ્લોટનું ‘ક્લિયર ટાઇટલ’ (સ્પષ્ટ માલિકી હક) નહીં
‘સાયલન્ટ ઝોન’ પ્લોટ ધારકો ઉકેલ અને ન્યાય મેળવવા સુરત કલેક્ટરને મળ્યા
સુરત, ૧૧ ઓગસ્ટ ૨૦૨૬: ‘સાયલન્ટ ઝોન’ પ્રોજેક્ટને લગતા જમીન, માલિકી હક (ટાઇટલ) અને મહેસૂલ સંબંધિત લાંબા સમયથી પડતર પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે, ‘સાયલન્ટ ઝોન પ્લોટ હોલ્ડર્સ સર્વિસ એસોસિએશન’ના સભ્યો અને ૧૦૦થી વધુ પ્લોટ ધારકોએ આજે સુરતના જિલ્લા કલેક્ટરને વિગતવાર રજૂઆત કરી હતી.
એસોસિએશનના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટમાં અંદાજે ૪૫૦ પ્લોટનો સમાવેશ થાય છે, જે નાગરિકોએ બે દાયકા કરતાં વધુ સમય પહેલાં વાજબી કિંમત ચૂકવીને અને સંપૂર્ણ વિશ્વાસ સાથે ખરીદ્યા હતા. જોકે, એસોસિએશનનું કહેવું છે કે ૨૦ વર્ષથી વધુ સમય વીતી જવા છતાં, આ ૪૫૦ પ્લોટમાંથી એક પણ પ્લોટ ધારકને તેમની મિલકત સંપૂર્ણ અને સ્પષ્ટ માલિકી હક (ક્લિયર ટાઇટલ) સાથે મળી નથી.
એસોસિએશને જણાવ્યું છે કે જમીન, મહેસૂલ, બિન-ખેતી (NA), માલિકી હક અને અન્ય કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની તેમજ પાત્ર ખરીદદારોને તેમના પ્લોટ યોગ્ય અને સ્પષ્ટ માલિકી હક સાથે મળે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી આયોજક/ડેવલપરની હતી.
તેથી, પ્લોટ ધારકોએ એક મૂળભૂત પ્રશ્ન ઉઠાવ્યો છે:
“આ કેવી રીતે શક્ય છે કે અંદાજે ૪૫૦ પ્લોટ વેચાયા, સાચા ખરીદદારોએ તેમની મહેનતની કમાણી ચૂકવી, ૨૦ વર્ષથી વધુ સમય વીતી ગયો, અને તેમ છતાં એક પણ પ્લોટ ધારકને સંપૂર્ણ અને સ્પષ્ટ માલિકી હક સાથે મિલકત મળી નથી?”
એસોસિએશને જિલ્લા કલેક્ટરને નમ્ર વિનંતી કરી છે કે તેઓ સમગ્ર બાબતની તપાસ કરે, સંબંધિત સત્તાવાળાઓ પાસેથી જરૂરી રેકોર્ડ મંગાવે, આટલા લાંબા સમયથી મામલો પડતર રહેવાના કારણો જાણી લે અને અસરગ્રસ્ત સેંકડો પ્લોટ ધારકોના કાયદેસરના હિતોનું રક્ષણ કરવા માટે કાયદા અનુસાર યોગ્ય પગલાં લે.

સંકલિત તપાસ અને યોગ્ય કાર્યવાહીની વિનંતી સાથે સંબંધિત મહેસૂલ અધિકારીઓ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ટાઉન પ્લાનિંગ સત્તાવાળાઓ, નોંધણી/સબ-રજિસ્ટ્રાર કચેરીઓ અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓને પણ રજૂઆતો કરવામાં આવી રહી છે.
એસોસિએશને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય સંઘર્ષ કરવાનો નથી, પરંતુ બે દાયકાથી વધુ સમયથી વણઉકેલાયેલા આ મામલાનું ન્યાયી, પારદર્શક અને કાયદેસરનું નિરાકરણ લાવવાનો છે. સંસ્થાના હોદ્દેદારો
પ્રમુખ: શ્રી ગૌરાંગભાઈ ગોયલ
ઉપપ્રમુખ: શ્રી મનોજભાઈ અગ્રવાલ
મંત્રી: શ્રી કિરીટભાઈ પટેલ
સંયુક્ત મંત્રી: શ્રી ગૌરવભાઈ સિંઘવી
ખજાનચી: શ્રી દિનેશભાઈ માલુ
બોર્ડના સભ્યો: શ્રી મહેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી સંદીપભાઈ અને શ્રી શશિકાંતભાઈ સિંગાપુરી
સંસ્થાએ જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર સમક્ષ સામૂહિક અપીલ કરી છે કે તેઓ એ સુનિશ્ચિત કરે કે ૨૦ વર્ષથી વધુ સમયથી રાહ જોઈ રહેલા સેંકડો સાચા પ્લોટ ખરીદદારોને આખરે તેમની મિલકતો અંગે સ્પષ્ટતા મળે અને કાયદા અનુસાર યોગ્ય ન્યાય પ્રાપ્ત થાય.
જાહેર કરનાર:
સાયલન્ટ ઝોન પ્લોટ હોલ્ડર્સ સર્વિસ એસોસિએશન, સુરત
ક્રિએટિવ ફોટોગ્રાફી અને હેન્ડક્રાફ્ટેડ ફિલ્મ્સ માટે જાણીતી નાઇસ ટુ મીટ યુ કંપનીએ EMF (ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશન) ACE (પુરસ્કારો, સંમેલન, પ્રદર્શન) ગ્લોબલ ઍવોર્ડ્સ 2026 માં ચાર પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીતીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
સુરત : 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન નેપાળના કાઠમંડુ સ્થિત ભવ્ય સોલ્ટી હોટેલ ખાતે યોજાયેલા એવોર્ડ સમારોહમાં કંપનીની ફોટોગ્રાફી અને ફિલ્મ્સની સર્જનાત્મકતા, કલાત્મકતા અને સ્ટોરીટેલિંગની અનોખી રજૂઆતને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવી.
2022માં મીત દેસાઈ દ્વારા સ્થાપિત ‘નાઇસ ટુ મીટ યુ’ એ ખૂબ જ ટૂંકા સમયમાં પોતાના ક્ષેત્રમાં આગવી ઓળખ બનાવી છે. આ વર્ષે કંપનીને નીચે મુજબ ચાર એવોર્ડ મળ્યા:
ગોલ્ડ એવોર્ડ – બેસ્ટ ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી
ગોલ્ડ એવોર્ડ – બેસ્ટ સિનેમેટોગ્રાફી ઓફ ધ યર
સિલ્વર એવોર્ડ – બેસ્ટ ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી
બ્રોન્ઝ એવોર્ડ – બેસ્ટ ફોટોગ્રાફી ઓફ ધ યર
એવોર્ડ સમારોહમાં કંપનીનું પ્રતિનિધિત્વ સ્થાપક અને ડિરેક્ટર મીત દેસાઈ તથા ક્રિએટિવ ડિરેક્ટર વિધિ દેસાઈએ કર્યું હતું. આ એવોર્ડ્સનું વિતરણ ઉદયપુરના શ્રીજી હુઝુર ડૉ. લક્ષ્યરાજ સિંહ મેવાડ, બોલીવૂડ અભિનેતા વિક્રાંત મેસી, શિલ્પા શેટ્ટી, મનીષા કોઇરાલા, કુબ્રા સૈત તેમજ ગાયિકા શિબાની કશ્યપના હસ્તે કરવામાં આવ્યું હતું.

13 વર્ષ પૂર્ણ કરનાર EMF (ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશન) ગ્લોબલ ઍવોર્ડ્સ વેડિંગ ફોટોગ્રાફી, ઇવેન્ટ પ્લાનિંગ અને વેડિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ક્રિએટિવ પ્રતિભાશાળી લોકોનું સન્માન કરે છે. 2026ની આવૃત્તિમાં ભારતભરના અગ્રણી વિઝ્યુઅલ આર્ટિસ્ટ્સે ભાગ લીધો હતો.
આ સિદ્ધિ અંગે મીત દેસાઈએ જણાવ્યું હતું કે, “ચાર આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવવા એ અમારા માટે ખૂબ ગૌરવ અને નમ્રતાની ક્ષણ છે.
દુનિયાભરના શ્રેષ્ઠ સર્જકો વચ્ચે અમારા કામને મળેલી આ ઓળખ અમારા માટે ખૂબ જ વિશેષ છે. સુરતમાં શરૂ થયેલું એક સપનું આજે ક્રિયેટિવિટી, મહેનત અને ઉત્તમ સ્ટોરીટેલિંગના આધારે આ મુકામ સુધી પહોંચ્યું છે. આ એવોર્ડ્સ માત્ર સન્માન નથી, પરંતુ અમારા દરેક ક્લાયન્ટનો વિશ્વાસ, દરેક યાદગાર ક્ષણ અને દરેક વાર્તાની કદર છે.અમારા તમામ ક્લાયન્ટ્સ, સહયોગીઓ અને સમગ્ર ટીમનો હું દિલથી આભાર માનું છું. આ સન્માન અમને વધુ ઉત્તમ અને યાદગાર કામ કરવા માટે નવી પ્રેરણા આપે છે.”
ક્રિએટિવ ડિરેક્ટર વિધિ દેસાઈએ જણાવ્યું હતું કે, “નેપાળમાં ચાર આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવવા એ મારા માટે શબ્દોથી પરનો આનંદ અને ગૌરવની ક્ષણ છે. દરેક સન્માન મને વધુ ઉત્સાહ અને આત્મવિશ્વાસ આપે છે કે અમે દિલથી અને સંપૂર્ણ સમર્પણ સાથે સર્જનાત્મક કામ કરતા રહીએ. આ ક્ષણ મારા માટે હંમેશા યાદગાર રહેશે.”

આ નવી સિદ્ધિ સાથે ‘નાઇસ ટુ મીટ યુ’ એ સ્થાપનાના માત્ર ચાર વર્ષમાં GIWA, WeddingSutra અને EMF એવોર્ડ સહિત કુલ 13 + રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે. આ સફળતા કંપનીની મહેનત, સમર્પણ અને દૂરંદેશી વિચારસરણીનું પ્રતિબિંબ છે.
‘નાઇસ ટુ મીટ યુ’ વેડિંગ ફોટોગ્રાફી ઉપરાંત ફેશન, આર્કિટેક્ચર, કોર્પોરેટ, એડવર્ટાઇઝમેન્ટ ફિલ્મો અને અન્ય અનેક ક્ષેત્રોમાં ફોટોગ્રાફી અને ફિલ્મમેકિંગની સેવાઓ આપે છે. કંપનીની દરેક કૃતિમાં સર્જનાત્મકતા, લાગણી અને ઉચ્ચ કક્ષાની કલાત્મકતા જોવા મળે છે. EMF ACE ગ્લોબલ એવોર્ડ્સમાં મળેલું આ સન્માન માત્ર કંપનીની સફળતા નથી, પરંતુ ભારતીય સર્જનાત્મક પ્રતિભાની વધતી વૈશ્વિક ઓળખનું પણ પ્રતિક છે.
કંપની અને તેની ટીમનું માનવું છે કે દરેક પ્રોજેક્ટ માત્ર એક કામ નથી, પરંતુ એક એવી કૃતિ છે જે લોકોના જીવનમાં લાંબા સમય સુધી યાદ રહી શકે.