ડૉ. દીપ્તિ પટેલે IMA સુરતના 111મા પ્રમુખ તરીકે શપથ લીધા

By on
In Uncategorized
Spread the love

– પ્રથમ વખત 94 વર્ષીય માતાને ઇન્સ્ટોલેશન ઓફિસર બનાવી દીકરીએ શપથ લીધા સુરત: ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) સુરતની નવી કાર્યકારિણીનો ઇન્સ્ટોલેશન સમારોહ રવિવારે યોજાયો હતો. ડૉ. દીપ્તિ દીપક પટેલે વર્ષ 2026-27 માટે IMA સુરતના 111મા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ સમારોહમાં એક અનોખી અને ભાવુક ક્ષણ જોવા મળી હતી. પ્રથમ વખત એવું બન્યું કે IMAના ઇન્સ્ટોલેશન સમારોહમાં ડૉ. દીપ્તિ પટેલે પોતાની 94 વર્ષીય માતા મંજૂબેન પારીખને ઇન્સ્ટોલેશન ઓફિસર બનાવી તેમના હસ્તે શપથ લીધા હતા.

આ પ્રસંગે IMAના નેશનલ પ્રેસિડેન્ટ ડૉ. અનિલ કુમાર નાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવી કાર્યકારિણીને શપથ લેવડાવ્યા હતા. જ્યારે સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમાર ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ડૉ. અનિલ પટેલ અને ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રમુખપદની શપથ લીધા બાદ ડૉ. દીપ્તિ પટેલે જણાવ્યું હતું કે તેમની પ્રાથમિકતાઓમાં IMA માટે નવા ભવનનું નિર્માણ તેમજ તબીબી ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના શ્રેષ્ઠ ઉપયોગને પ્રોત્સાહન આપવું મુખ્ય રહેશે.

આ પ્રસંગે ડૉ. મુકેશ પેટ્રોલવાળા અને ડૉ. હિરેશ ભાવસારએ પણ IMAની વિવિધ પ્રવૃત્તિઓ અને આગામી યોજનાઓ અંગે માહિતી આપી હતી.

સમારોહમાં IMAના પદાધિકારીઓ ઉપરાંત તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક તબીબો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન તબીબી ક્ષેત્રમાં વધુ સારી આરોગ્ય સેવાઓ, તબીબો વચ્ચે પરસ્પર સહકાર અને સમાજના હિતમાં આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.