માતૃકા ફાઉન્ડેશન ટ્રસ્ટના ‘માતૃકા ચા રાજા’માં ‘વૃંદાવન’ થીમ, થર્મોકોલ-પીઓપી વિના સજાવાયેલા પંડાલે ગણેશ ભક્તોના મન મોહ્યા

Spread the love

10 દિવસ સુધી નિઃશુલ્ક આરોગ્ય તપાસ, રક્તદાન શિબિર સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરાયું, 5000થી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવાયો

સુરત. પાલ વિસ્તારમાં માતૃકા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત આયોજિત ‘માતૃકા ચા રાજા’ ગણેશ મહોત્સવ પર્યાવરણ સંરક્ષણ અને સેવાકીય પ્રવૃત્તિઓના સંદેશ સાથે સંપન્ન થયો. સુકૃત બંગલોઝ સામે નાયરા પેટ્રોલ પંપની ગલીમાં આવેલા એસએમસીના પ્લોટમાં આશરે 3000 ચોરસ ફૂટ વિસ્તારમાં ‘વૃંદાવન’ થીમ આધારિત પંડાલ તૈયાર કરવામાં આવ્યો હતો. પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને સમગ્ર આયોજનમાં થર્મોકોલ અને પીઓપીનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો.

પંડાલની સજાવટમાં 500થી વધુ જીવંત છોડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ આ છોડનો ઉપયોગ પાલ, અડાજણ અને ઇચ્છાપોર વિસ્તારમાં વૃક્ષારોપણ માટે કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ માટે સુરત મહાનગરપાલિકા સાથે મળીને 5000થી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો છે.

– 10 દિવસ સુધી ચાલ્યો સેવાયજ્ઞ

માતૃકા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન ધાર્મિક આયોજનની સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 10 દિવસ સુધી દરરોજ નિઃશુલ્ક રક્ત તપાસ કરવામાં આવી હતી. એક દિવસ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્સર નિષ્ણાત તબીબે લોકોને કેન્સર અંગે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. રવિવારે આંખો અને દાંતની નિઃશુલ્ક તપાસ માટે શિબિર યોજાઈ હતી, જેમાં નિષ્ણાત સર્જને વિવિધ સર્જરી સંબંધિત તપાસ અને માર્ગદર્શન આપ્યું હતું. ટ્રસ્ટ સાથે જોડાયેલા તબીબો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને આગળ પણ રાહતદરે સારવાર મળી રહે તે માટે સંકલન કરવામાં આવ્યું છે.

– આંગણવાડીના બાળકો માટે પોષણ કિટ

માતૃકા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન આંગણવાડીના બાળકોને પોષણ કિટ અને સ્ટીલના ગ્લાસનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત અનાથ બાળકો અને વૃદ્ધોની સેવા સાથે યુવાનોમાં નશામુક્તિ અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવે છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, ‘માતૃકા ચા રાજા’ના પ્રથમ વર્ષના આયોજનમાં ગણેશ ભક્તિ સાથે પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય સેવા અને સામાજિક જવાબદારીને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.