લંડનમાં યોજાયેલી ત્રણ દિવસીય મહેંદી કોન્ફરન્સમાં સુરતના જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષાબેન પારેખે મહેંદી ડિઝાઈનમાં રજૂ કરેલી વારલી કલાની ભારોભાર પ્રશંસા

By on
In ગુજરાત ખબર
Spread the love

નિમિષાબેને વારલી આર્ટને મહેંદી સ્વરૂપમાં આકર્ષક ડિઝાઇન સાથે રજૂ કરીને જરૂરી શિક્ષણ આપ્યું હતું તેમજ મનમોહક ફૂલોની રચનાત્મક ડિઝાઇન સ્વરૂપે પણ મહેંદી કળા શીખવાડી હતી

આંતરરાષ્ટ્રીય મંચ પર મહેંદી સ્વરૂપે વારલી આર્ટના કોન્સેપ્ટને દેશ-વિદેશના કલાકારોએ ખુબજ વખાણ્યો હતો અને તેમાં ઇનોવેટિવ આઇડિયા સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

સુરત :લંડનમાં 24 થી 26 જાન્યુઆરી, 2025 દરમિયાન, ત્રણ દિવસીય મહેંદી કોન્ફરન્સ “હેના હડલ” માં મહેંદી કલ્ચરના સ્થાપક અને સુરત ના જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષાબેન પારેખે મહેંદીની અવનવી ડિઝાઇન અંગેની કળા શીખવાડી હતી અને મહેંદી આર્ટમાં કેરિયર અંગે માર્ગદર્શન આપ્યું હતું. અહીં તેમણે વારલી આર્ટમાં રજૂ કરેલી મહેંદીની આકર્ષક ડિઝાઇનની ખુબજ સરાહના કરવામાં આવી હતી.

નિમિષાબેન પારેખે જણાવ્યું હતું કે, લંડનમાં હિલ્ટન હોટેલમાં યોજાયેલી આ ત્રણ દિવસની કોન્ફરન્સમાં મહેંદી શીખવવા માટે મને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીં મેં ખાસ કરીને વારલી આર્ટને મહેંદી સ્વરૂપમાં શીખવી હતી. વારલી ભારતની લોકકલા છે અને મેં ઘણા વર્ષો પહેલા તેની શરૂઆત કરી હતી. ભારતીય સંસ્કૃતિના પ્રતિક તરીકે વારલી આર્ટને મહેંદી સ્વરૂપે ખૂબજ પસંદ કરવામાં આવી હતી. દેશ-વિદેશના અનેક કલાકારો વારલી આર્ટથી પ્રભાવિત થયા હતા અને તેમણે આ આર્ટમાં ઈનોવેટીવ આઈડિયા સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ખરેખર, સુંદર વારલી સંસ્કૃતિને જાળવી રાખવા માટે શબ્દ, જ્ઞાન, મહત્વ અને સૌંદર્ય શાસ્ત્રને પ્રોત્સાહન આપવાનો મારો પ્રયાસ છે.

આ ઉપરાંત, આ ઈવેન્ટમાં મેં વધુ બે વિષયો પણ શીખવ્યા હતા. જેમાં મહેંદીના ફંડામેન્ટલ્સ કે જે મેહંદી ના મૂળભૂત ભાગ છે અને ડિઝાઇનિંગના સર્જનાત્મક પાસાઓ સાથે જોડાયેલો છે. બીજા વિષય તરીકે મેં મનમોહક ફૂલોની રચનાત્મક ડિઝાઇન સ્વરૂપે મહેંદી કળા શીખવાડી હતી. મારા સિગ્નેચર એવા ગુલાબ, કમળ વગેરે ફૂલોના સ્વરૂપમાં મહેંદીની ડિઝાઇન આર્ટ અંગે સર્જનાત્મકતા સાથે માર્ગદર્શન આપ્યું હતું, જે અહીં ઉપસ્થિત પ્રતિનિધિઓને ખૂબ પસંદ આવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ અગાઉ, વર્ષ 2018 માં પણ તેમણે મને વારલી અને કોલમ આર્ટ શીખવવા માટે આમંત્રણ આપ્યું હતું. હવે ફરીથી, તેમણે મને બીજી વખત આમંત્રિત કર્યા હતા. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે યુએસએ, સ્પેન, નેધરલેન્ડ્સ, પ્રાગ વગેરે જેવા વિવિધ દેશોના સહભાગીઓ પણ આવ્યા હતા. વર્ષો જૂની વારલી આર્ટને મહેંદી સ્વરૂપે આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરવાનો પ્રયાસ સફળ રહ્યો હતો. ભારતીય સાંસ્કૃતિક કલાનું પ્રદર્શન કરવા માટે અન્ય દેશના આયોજકોએ પણ રસ દર્શાવ્યો હતો.