પિતા-બાળકો સાથે મળીને કર્યો યોગાભ્યાસ, રમતો, ડાન્સ અને પિકલબોલ જેવી પ્રવૃત્તિઓમાં ઉમંગભેર જોડાયા
સુરત. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફાધર્સ ડે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પિતાઓ અને તેમના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. યોગ, રમતો, ડાન્સ અને વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા પિતા અને બાળકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત યોગ સત્રથી કરવામાં આવી હતી, જેમાં પિતા અને બાળકોએ સાથે મળીને યોગાભ્યાસ કર્યો હતો. આ દરમિયાન શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ અને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ યોજાયેલી વિવિધ રમતો, ડાન્સ સત્રો અને પિકલબોલ પ્રવૃત્તિઓમાં પિતાઓએ બાળકો સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર સ્કૂલ કેમ્પસમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
