સુરતથી બેલ્જિયમ સુધી : ઉત્કર્ષ ડાન્સ એકેડમી ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવશે

Spread the love

સુરતની જાણીતી ઉત્કર્ષ ડાન્સ એકેડમી એલ.એલ.પી. છેલ્લા 32 વર્ષથી ભરતનાટ્યમ તેમજ પરંપરાગત લોકનૃત્યોના સરકાર માન્ય વર્ગો સફળતાપૂર્વક ચલાવી રહી છે. સંસ્થાના સ્થાપક અને ડિરેક્ટર શ્રીમતી બેહનાઝ એસ. તોડીવાલાના માર્ગદર્શન હેઠળ ઉત્કર્ષની 15 વર્ષથી વધુ વય ધરાવતી 23 પ્રતિભાશાળી નૃત્યાંગનાઓ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે બેલ્જિયમ ખાતે યોજાનારા વિશ્વવિખ્યાત આંતરરાષ્ટ્રીય લોકનૃત્ય મહોત્સવ “ASBL Festifolk Festival Mondial de Folklore de la Ville de Saint-Ghislain”માં ભાગ લેવા જઈ રહી છે. આ મહોત્સવ 16થી 26 જૂન, 2026 દરમિયાન યોજાશે.

આ આંતરરાષ્ટ્રીય લોકનૃત્ય મહોત્સવમાં વિશ્વના 13 દેશો ભાગ લઈ રહ્યા છે. ગૌરવની વાત એ છે કે સમગ્ર ભારતમાંથી સુરતની ઉત્કર્ષ ડાન્સ એકેડમીની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત આર્જેન્ટિના, બોલિવિયા, લિથુઆનિયા, કોલંબિયા, દક્ષિણ કોરિયા, મેક્સિકો, પોલેન્ડ અને સર્બિયા સહિતના દેશોના કલાકારો પણ પોતાની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરશે.

ઉત્કર્ષની નૃત્યાંગનાઓ પશ્ચિમ બંગાળનું ડાળખાઈ, કેરળનું કરગમ, ભગવાન ગણપતિની આરતી પર આધારિત લેઝીમ, રાજસ્થાનનાં તેરાતાલી અને કલબેલિયા, પંજાબનું ભાંગડા તેમજ ગુજરાતના ડાંગ વિસ્તારનું લોકપ્રિય ડાંગી નૃત્ય સહિત વિવિધ રાજ્યોના લોકનૃત્યો રજૂ કરશે. આ તમામ પ્રસ્તુતિઓ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનો પરિચય વિશ્વ સમક્ષ કરાવશે.

સમગ્ર કાર્યક્રમ જીવંત સંગીત (લાઇવ મ્યુઝિક) સાથે રજૂ કરવામાં આવશે. જેમાં ઢોલ પર ચેતુલાલ ભટ્ટ, વાંસળી પર કુમાર કૃષ્ણન અને ગાયક તરીકે હિતેશ સંદાને સંગીતની જવાબદારી સંભાળશે.

બાળકો અને યુવા કલાકારોને પ્રોત્સાહન આપવા માટે તા. 9 ફેબ્રુઆરી, 2026ના રોજ “નૃત્ય બિયૉન્ડ બોર્ડર્સ – 2” કાર્યક્રમનું આયોજન પર્ફોર્મિંગ આર્ટ સેન્ટર ઓડિટોરિયમ, પાલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 300થી વધુ લોકોએ હાજરી આપી કલાકારોને ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે શુભેચ્છાઓ અને પ્રોત્સાહન આપ્યું હતું.

માત્ર 35 દિવસના ટૂંકા ગાળામાં 7થી 8 વિવિધ રાજ્યોના લોકનૃત્યોની સફળ તૈયારી કરનાર તમામ નૃત્યાંગનાઓ અભિનંદનને પાત્ર છે. આ સમગ્ર તૈયારી દરમિયાન પ્રેક્ટિસ માટે સંસ્કાર ભારતી વિદ્યાલયનું ઓડિટોરિયમ ઉપલબ્ધ કરાવવા તેમજ સતત સહયોગ, માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા બદલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ ઇટાલિયાનો ઉત્કર્ષ ડાન્સ એકેડમી પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

આ ડાન્સ ફેસ્ટિવલ માટે રજૂ થનારા તમામ નૃત્યોની કોરિયોગ્રાફી અને તાલીમનો મુખ્ય શ્રેય બેહનાઝબેન તોડીવાલાના માર્ગદર્શન હેઠળ કાર્યરત ઉત્કર્ષ ટીમની તમન્ના પટેલ અને નિક્ષિતા જૈનને જાય છે. સાથે જ ખ્યાતી દેસાઈ અને પૂજા ભગતના અમૂલ્ય યોગદાન બદલ પણ સંસ્થા તેમની પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.

બેલ્જિયમમાં યોજાનારા આ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં ઉત્કર્ષ ડાન્સ એકેડમીની ભાગીદારી માત્ર સંસ્થા માટે જ નહીં પરંતુ સમગ્ર સુરત અને ગુજરાત માટે ગૌરવની બાબત છે. આ પ્રસંગે ઉત્કર્ષની નૃત્યાંગનાઓ વિશ્વ મંચ પર ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને લોકકલાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરશે.

આપના વિશ્વાસુ,

શ્રીમતી બેહનાઝ એસ. તોડીવાલા ડિરેક્ટર ઉત્કર્ષ ડાન્સ એકેડમી એલ.એલ.પી., સુરત