આપ’ના ગુજરાત મહામંત્રી શ્રી રાકેશ હિરપરાની આગેવાનીમાં મુખ્યમંત્રીને નીચે મુજબનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

By on
In અભય વિશેષ Tags: , , /
Under the leadership of AAP's Gujarat General Minister Mr. Rakesh Hirpara, the following petition was sent to the Chief Minister.
Spread the love

મધ્યાહન ભોજન યોજના (પી.એમ.પોષણ યોજના) અંતર્ગત સરકારી શાળાના બાળકોને એક વખતનું ભોજન તેમજ એક વખતનો નાસ્તો આપવામાં આવે છે, પણ તાજેતરમાં જ સરકારે નિર્ણય લીધેલ છે કે એક વખતના આ નાસ્તામાં કાપ મુકીને હવેથી માત્ર એક વખતનું ભોજન જ આપવામાં આવશે.

એક (કુ)તર્ક એવો આપવામાં આવી રહ્યો છે કે વ્યવસ્થાના ભાગરૂપે તેમજ પૈસા બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. રાજ્યમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટને કારણે પ્રજાના ટેક્સના કરોડો-અબજો રૂપિયાનો બગાડ થાય છે ત્યાં વ્યવસ્થા સુધારવાનો અને પૈસા બચાવવાનો વિચાર સરકારને કેમ નથી આવતો ? અને ગરીબ બાળકોને મળતાં એક વખતના નાસ્તામાં સરકારને પૈસા બચાવવા છે ?

પોતાનું આ પાપ છુપાવવા માટે, આજના તમામ વર્તમાનપત્રોમાં સરકારે આ મધ્યાહન ભોજન યોજના (પી.એમ.પોષણ યોજના)ના ખોટા વખાણ કરતી પેઈડ-જાહેરાતો આપી છે અને આ જાહેરાતો પાછળ કરોડોનો ખર્ચ કરેલ છે, તો ત્યાં પૈસા બચાવવાની સરકારને ખબર નથી પડતી ?

ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ તો અન્નદાન અને એમાંય બટુક ભોજનનો મહિમા ગાય છે, લોકો પોતાના પૈસે ભૂખ્યાને અને ખાસ કરીને બાળકોને ભોજન કરાવે છે, જયારે સરકારે તો પ્રજાના પૈસે ગરીબ બાળકોને જમાડવાના છે તોપણ સરકારને શું તકલીફ છે ?

લોકસભામાં તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 5 વર્ષથી ઓછી વયના 39.73 % બાળકો કુપોષિત છે. એટલે કે, રાજ્યમાં પ્રત્યેક ચોથું બાળક કુપોષણની સમસ્યા ધરાવે છે. આ ઉપરાંત 21.39 % બાળકોને નિર્ધારિત માપદંડ કરતાં ઓછું વજન ધરાવે છે. જૂન 2024 માં કુપોષણની સૌથી વધુ સમસ્યા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને હતું.

ફેબ્રુઆરીમાં ગુજરાત વિધાનસભામાં સરકારે પોતે રજૂ કરેલા આંકડાઓ અનુસાર ગુજરાતમાં 6,10,292 બાળકો કુપોષિત અને 1,31,419 બાળકો અતિકૂપોષિત હોવાનું સામે આવ્યુ છે. છેલ્લા પાંચ વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે એટલે કે કુપોષણની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે, તો આ પરિસ્થિતિમાં બાળકોને આપવામાં આવતા નાસ્તા ઉપર કામ મુકવાનો કોઈ અર્થ ખરો ?

ગુજરાતના તમામ વાલીઓ તેમજ ઈમાનદાર કરદાતાઓ વતી અમારી માંગણી છે કે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના (પી.એમ.પોષણ યોજના) અંતર્ગત આપવામાં આવતું ભોજન તેમજ નાસ્તો યથાવત રાખવામાં આવે અને પૈસા બચાવવા માટે ભ્રષ્ટાચારો ઉપર કાપ મુકવામાં આવે.

આભાર. વંદે માતરમ.