ટેન્ડર પ્રક્રિયામાં શરતોની અવગણના કરવાના વિપક્ષના આક્ષેપને લઈને સામાન્ય સભામાં હોબાળો
જે એજન્સીઓને યોગ્ય કામગીરી નહીં કરતા અગાઉ નોટિસો આપવામાં આવી હતી અને વર્ક ઓર્ડર પણ રદ કરવામાં આવ્યો હોવા છતાં ફરીથી કામ સોંપવામાં આવ્યું
સ્કૂલ બેગનો કોન્ટ્રાક્ટ ચણા, લાડુ અને વેફર વેચતી કંપનીને આપવામાં આવ્યો : રાકેશ હિરપરા
ગણવેશથી લઈને શાળાના મેદાનની સફાઈ સુધીના કોન્ટ્રાક્ટમાં ટેન્ડરોની અવગણના કરવાના વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા શાસક પક્ષને પરસેવો છૂટી ગયો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સાઇકલ વિતરણ, શાળા ગણવેશ, બુટ – મોજાં અને સ્કુલ બેગ સહિતની રૂ.25 કરોડથી વધુની દરખાસ્તો મંજુરી માટે રજૂ કરી હતી. વિરોધ વચ્ચે બહુમતી સાથે તમામ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. જો કે આ દરમિયાન વિપક્ષ આમ આદમી પાર્ટીના સભ્ય રાકેશ હિરપરાએ અનેક મુદ્દે સવાલો ઉઠાવીને શાસક પક્ષને ઘેર્યો હતો. ખાસ કરીને શાસક પક્ષ પર વિવિધ કામોની ટેન્ડર પ્રક્રિયામાં શરતોની અવગણના કરવાનો આક્ષેપ કર્યો હતો. કેટલીક હકીકતો રજૂ કરતી વખતે ટેન્ડરના નિયમો અને શરતો મુજબના દસ્તાવેજો રજૂ કર્યા ન હોવા છતાં એજન્સીનું ટેન્ડર કેવી રીતે ખોલવામાં આવ્યું? જે એજન્સીને સંતોષકારક કામ ન કરવા બદલ નોટિસો આપવામાં આવી હતી અને વર્ક ઓર્ડર પણ રદ કરવામાં આવ્યો હતો તે જ એજન્સીને ફરીથી ટેન્ડર કેમ સોંપવામાં આવ્યા? વગેરે વેધક પ્રશ્નો ઉઠાવવામાં આવતા સભામાં હોબાળો મચી ગયો હતો. શાસક પક્ષના સભ્યોને આક્ષેપોનો બચાવ કરવામાં પરસેવો છૂટી ગયો હતો. શાસક પક્ષ તરફથી અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા, સભ્યો યશોધર દેસાઈ, અનુરાગ કોઠારી, શુભમ ઉપાધ્યાય અને સંજય પાટીલે સ્પષ્ટતા કરી કે વિપક્ષના આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતું.
- જે એજન્સીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી તેને કરોડોના ટેન્ડર સોંપાયું!
સામાન્ય સભામાં વિપક્ષી સભ્ય રાકેશ હિરપરાએ સત્તાધારી પક્ષ એજન્સીઓના હિતમાં કામ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે જે કંપનીને સ્કૂલ બેગ માટે રૂ. 5.95 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેને અગાઉ શાસક પક્ષના સભ્ય દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવી હોવાનું સામાન્ય સભામાં જણાવ્યું હતું અને તે સમયે માત્ર રૂ. 31 લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આમ છતાં આ જ એજન્સીને હવે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હિરપરાએ એમ પણ જણાવ્યું હતું કે હેક્સાકોર્પ કંપની કે જેને સ્કૂલ બેગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ત્યારે અમે ઈન્ટરનેટના માધ્યમથી તે કંપની વિશે માહિતી એકઠી કરી ખબર પડી કે આ કંપની લાડુ, ચિક્કી, વેફર વગેરે બનાવે છે. તેવી જ રીતે શાળાઓમાં મેદાનોની સફાઈનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવેલ ગુરુજી નામની એજન્સીને ગત વર્ષે કામ યોગ્ય રીતે ન થવાના કારણે નોટિસ આપવામાં આવી હતી અને બાદમાં વર્ક ઓર્ડર રદ કરવામાં આવ્યો હતો. આમ છતાં ફરી એક જ એજન્સીને કોન્ટ્રાક્ટ સોંપવાથી અનેક સવાલો ઉભા થાય છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ પર કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરોના આર્થિક શોષણનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો.
- વિદ્યાર્થીઓના હિતને બદલે એજન્સીઓ પર વિપક્ષનું વધુ ધ્યાનઃ શુભમ ઉપાધ્યાય
ખરીદ સમિતિના અધ્યક્ષ શુભમ ઉપાધ્યાયે વિપક્ષી સભ્ય રાકેશ હિરપરાને જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે વિપક્ષ દ્વારા સાયકલથી માંડીને ગણવેશ અને સ્કૂલ બેગ સુધીની દરેક વસ્તુની ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. પણ સાચી હકીકત એ છે કે ગણવેશ માટેના ટેન્ડરમાં કોઈ ગેરરીતિ નથી થઈ. રિ-ટેન્ડરિંગ બાદ એલ-1 એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું છે. માહિતીના અભાવે વિપક્ષ પોતાની અજ્ઞાનતા બતાવી રહ્યો છે. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે વિપક્ષ વિદ્યાર્થીઓના કલ્યાણ વિશે વિચારવાને બદલે એજન્સીઓ પર વધુ ધ્યાન આપી રહ્યો છે. જ્યારે આ વખતે ભાજપે વિદ્યાર્થીઓના હિતમાં તમામ બાળકોને બે ગણવેશ, એક રમતગમતનો ગણવેશ અને સ્કૂલ બેગ આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે વિપક્ષે તેની પ્રશંસા કરવી જોઈએ.
- ટેન્ડરના કામ સામે વિરોધ કરવાનો વિપક્ષનો સ્વભાવ બની ગયો છે : અનુરાગ કોઠારી
ટેન્ડરીંગ પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવનાર વિપક્ષના જવાબમાં સભ્ય અનુરાગ કોઠારીએ જણાવ્યું હતું કે વિપક્ષને ટેન્ડર પ્રક્રિયાની કોઈ જાણકારી નથી. પહેલા તેઓએ આ વિશે માહિતી એકઠી કરવી જોઈએ. વિદ્યાર્થીઓને સ્કુલ બેગ અને સાયકલ આપવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં હોવા છતાં વિપક્ષ માત્ર વિરોધ જ કરી રહ્યો છે. ખાસ કરીને જ્યારે પણ કામનું ટેન્ડર આવે ત્યારે વિરોધ કરવાની વિપક્ષની આદત બની ગઈ છે. અને આ ટેન્ડરો કોને આપવામાં આવે છે અને કેમ આપવામાં આવે છે ફક્ત તેનામાં જ ઇન્ટરેસ્ટ દેખાતો હોય છે.