સુરત. શહેરની ઉભરતી શતરંજ પ્રતિભા અને ડીપીએસ સુરતની ધોરણ ૨ની વિદ્યાર્થીની આરાધ્યા પટાવરીએ શતરંજની રમતમાં પોતાની કુશળતાથી સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ગુજરાત રાજ્ય અંડર-૯ ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યા બાદ હવે આરાધ્યાએ રાષ્ટ્રીય સ્તરે પણ પોતાની સફળતાનો પરચમ લહેરાવ્યો છે. ગૌહાટી ખાતે યોજાયેલી નેશનલ અંડર-૯ ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપમાં આરાધ્યાએ દેશભરના દિગ્ગજ ખેલાડીઓને ટક્કર આપતાં ચોથું સ્થાન પ્રાપ્ત કરી સુરત તથા સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે.
આરાધ્યાના પિતા સૌરભ પટાવરી અને માતા અંકિતા પટાવરી પોતાની દીકરી આરાધ્યાની સફળતા પર ગૌરવની ઊંડી અનુભૂતિ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આરાધ્યાએ નાની ઉંમરે અસાધારણ કુશળતાનો પરિચય આપ્યો છે. આ પહેલાં આરાધ્યાએ અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્યસ્તરીય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધા દરમિયાન આરાધ્યાની આક્રમક પરંતુ સંતુલિત ચાલો, વિચારશીલ રણનીતિ અને નિર્ણાયક ક્ષણોમાં તેનું શાંત સ્વભાવ તેને ખિતાબની મજબૂત દાવેદાર બનાવી રાખ્યો હતો. આરાધ્યાની આ ભવ્ય સિદ્ધિથી શાળા અને તેના પરિવારજનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે આરાધ્યાનો મોટો ભાઈ શૌર્ય પટાવરી પણ શતરંજ ખેલાડી છે તથા મેન્ટલ મેથ્સમાં એશિયા-ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યો છે અને વિવિધ સ્પર્ધાઓમાં કીર્તિમાન સ્થાપિત કરી ચૂક્યો છે, જે આરાધ્યા માટે સતત પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યો છે. સમગ્ર પટાવરી પરિવાર તેમજ વૈદ પરિવાર દ્વારા હંમેશા આરાધ્યાનો આત્મવિશ્વાસ વધારવામાં આવ્યો છે. નાની આરાધ્યાની આ રાષ્ટ્રીય સફળતા આવનાર સમયમાં આંતરરાષ્ટ્રીય મુકાબલાઓ માટે મજબૂત પાયો સાબિત થશે.