
સુરત. સુરતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા IIFD (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘આરાસા’ નામથી યોજાયેલા આ પ્રદર્શનમાં સંસ્થાના વિદ્યાર્થીઓએ પોતાની અદભુત સર્જનાત્મકતા અને કળાનું પ્રદર્શન કર્યું હતું.
IIFD સુરતના ફાઉન્ડર ડાયરેક્ટર શ્રી મુકેશ માહેશ્વરીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “અમે છેલ્લા 12 વર્ષથી સતત આ એક્ઝિબિશનનું સફળતાપૂર્વક આયોજન કરી રહ્યા છીએ. આ વર્ષે ‘આરાસા’ પ્રદર્શનમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગના 50થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ અલગ-અલગ સ્પેસ ડિઝાઇન કરવાની સાથે સાથે વિશિષ્ટ થીમ આધારિત અનોખું ફર્નિચર પણ તૈયાર કર્યું હતું.”
આ પ્રદર્શનની મુખ્ય વિશેષતા એ હતી કે તેમાં કુલ 10 અલગ-અલગ અને રસપ્રદ થીમ રાખવામાં આવી હતી. જેમાં એન્ઝાયટી, હેપીનેસ જેવી માનસિક સ્થિતિઓને દર્શાવતી થીમ ઉપરાંત પ્રાણીપ્રેમીઓ માટે ખાસ ‘ડોગ ફ્રેન્ડલી ફર્નિચર’ બનાવવામાં આવ્યું હતું, જ્યાં પાલતુ શ્વાનની સાથે તેના માલિક પણ આરામથી બેસી શકે છે. આ સિવાય પ્રકૃતિથી પ્રેરિત ફ્લેમિંગો થીમ, સંગીતના સાધનોથી પ્રેરિત મ્યુઝિકલ થીમ, જ્યોમેટ્રિકલ શેપ્સ થીમ તેમજ અત્યાધુનિક 3D ડિઝાઇન પર આધારિત ફર્નિચર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, IIFD સંસ્થા સુરતમાં છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે અને 2014થી ફેશન, ઇન્ટિરિયર, ઇવેન્ટ મેનેજમેન્ટ તેમજ સ્કિલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત રોજગારલક્ષી સ્કિલ ડેવલપમેન્ટના વિવિધ કોર્સ કરાવી રહી છે. સંસ્થાનું માનવું છે કે આજના સમયમાં પરંપરાગત શિક્ષણ કરતાં કૌશલ્ય આધારિત (સ્કિલ્ડ) શિક્ષણનું મહત્વ ઘણું વધારે છે. સામાન્ય રીતે ધોરણ 12 પછી વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં 3 વર્ષના કોર્સ દ્વારા કોલેજની સાથે અથવા સ્વતંત્ર રીતે પોતાનું ઉજ્જવળ કરિયર બનાવી શકે છે અને ભવિષ્યમાં સફળ ઇન્ટિરિયર કે ફેશન ડિઝાઇનર તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે છે.