
“ડાયમંડ ઈન્ડસ્ટ્રી પછી SRK ગ્રૂપનું આરોગ્યક્ષેત્રે નવું પગલું – વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ 20,000 ગામડાં અને શહેરોમાં પહોંચાડવાનો સંકલ્પ”
શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ(SRK) પરિવાર દ્વારા ક્રિયમ ફાર્માનો શુભારંભ – દરેક માટે સુલભ આરોગ્યસંભાળનું વચન
સુરત/મુંબઈ, 11 સપ્ટેમ્બર 2025 : નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK) ફેમિલીએ હવે આરોગ્યસંભાળ અને સર્વાંગી કલ્યાણના ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નવી પહેલ રૂપે “ક્રિયમ ફાર્મા” નો શુભારંભ કરવામાં આવ્યો છે. સુરતમાં આજે યોજાયેલા ભવ્ય ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, “આરોગ્યમ – આરોગ્ય અને ઉપચારની દિશામાં નવી ઉડાન” થીમ હેઠળ ક્રિયમ ફાર્માનું સત્તાવાર લોન્ચિંગ થયું.
આ પહેલ દ્વારા SRK પરિવાર તેના વિશ્વાસ, જવાબદારી અને શ્રેષ્ઠતા જેવા વારસાને આગળ ધપાવતું, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે નેચરલ ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં SRK ગ્રૂપ છેલ્લા છ દાયકાથી વૈશ્વિક સ્તરે પારદર્શિતા, પ્રામાણિકતા અને વિશ્વાસ માટે જાણીતું છે. આ જ વારસામાંથી જન્મેલું ક્રિયમ ફાર્મા હવે આરોગ્યસંભાળની દુનિયામાં એ જ મૂલ્યોને આગળ વધારશે. જેમ SRK ગ્રૂપે ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે, તેમ ક્રિયમ ફાર્મા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં વિશ્વસનીયતા અને ગુણવત્તા માટે પ્રતિબદ્ધ છે.
આ લોન્ચિંગ સમારોહમાં સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ(SRK)ના સંસ્થાપક અને ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, કન્સોર્ટિયમ ઓફ એક્રેડિટેડ હેલ્થકેર ઓર્ગેનાઇઝેશન (CAHO) ના પ્રમુખ ડૉ. વિજય અગ્રવાલ, એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઓફ ઇન્ડિયા (AHPI) ના ડિરેક્ટર જનરલ ડૉ. ગિરધર જ્ઞાની, સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના સંચાલક અને કિરણ હોસ્પિટલના ચેરમેન શ્રી મથુરભાઈ સવાણી, બિલ ગેટ્સ ફાઉન્ડેશનના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી આર્નવ કપૂર, શ્રી હરિકૃષ્ણ એક્સપોર્ટના સંચાલક અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા તેમજ હેલ્થકેર ઇકોસિસ્ટમના અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ લોન્ચિંગ પ્રસંગે, ક્રિયમ ફાર્માના સ્થાપક શ્રી તેજ ધોળકિયા એ જણાવ્યુ, “આરોગ્યસંભાળ દરેક વ્યક્તિ માટે આવશ્યક છે, પરંતુ વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત દવાઓની ઉપલબ્ધતા હજુ પણ એક પડકાર બનેલી છે. ક્રિયમ ફાર્મા દ્વારા અમે આરોગ્યસંભાળ પ્રદાતાઓ અને દર્દીઓ બંને વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઉભુ કરીને ઉચ્ચ-ગુણવત્તાવાળી દવાઓ પહોંચાડીને આ તફાવત દૂર કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. અમારી આ યાત્રા બિઝનેસની નહીં પણ સેવાની યાત્રા છે. અમે ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવીશું. આ દવાઓ બજારમાં વ્યાજબી ભાવે મળશે. શરૂઆતમાં 20,000 જેટલા ગામ અને શહેરોમાં દવા સપ્લાયનો નિર્ધાર કર્યો છે.”
ક્રિયમ ફાર્મા, અસ્થિરતા અને અસંગત ધોરણોથી ઘેરાયેલા બજારમાં, દૃઢ કાળજી, વ્યાજબી કિંમત અને અડગ નૈતિકતાનું પ્રતીક છે. તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં એન્ટી-ડાયાબેટિક, કાર્ડિયક કેર, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ, પેઈન મેનેજમેન્ટ, ડર્માસ્યુટિકલ્સ, વિટામિન્સ અને મિનરલ્સ તથા એન્ટી-ઇન્ફેક્ટિવ્સ જેવી દવાઓનો સમાવેશ થાય છે, જે તાત્કાલિક તથા લાંબા ગાળાની બંને આરોગ્ય જરૂરિયાતોને પૂરી પાડે છે.
સુરતના મેયર શ્રી, દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, “હું આ નવી પહેલ શરૂ કરવા માટે SRK ગ્રુપ અને ક્રિયમ ફાર્માને અભિનંદન પાઠવું છું. મને વિશ્વાસ છે કે ક્રિયમ ફાર્માના પ્રયાસોથી અને બિલ ગેટ્સ ફાઉન્ડેશનના સહકારથી કંપનીની દવાઓ સાઉથ આફ્રિકામાં પણ પહોંચે, તેવી શુભેચ્છા પાઠવું છું. પ્રારંભિક તબક્કામાં ક્રિયમ ફાર્મા ગુજરાત અને મહારાષ્ટ્રમાં પોતાનું ફોકસ રાખશે. દર્દીઓ સુધી દવાઓ ઝડપી અને વિશ્વસનીય રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે કંપની ડાયરેક્ટ-ટુ-કેમિસ્ટ ડિસ્ટ્રીબ્યુશન મોડેલ અપનાવશે.”
CAHO ના પ્રમુખ ડૉ. વિજય અગ્રવાલે કહ્યું હતું કે, “મેડિકલ ક્ષેત્રે 100 વર્ષમાં અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. જોકે હજી પણ જનતા માટે સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રમાં વિશ્વાસનો અભાવ છે. તેમણે CAHO સંસ્થાનો પરિચય આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ સંસ્થાના માધ્યમથી તેઓ સ્વાસ્થ્ય ક્ષેત્રે અનેક વર્ગોમાં કામ કરે છે. તેમણે આરોગ્યસંભાળ ક્ષેત્રને આર્થિક રીતે પોષણક્ષમ અને કાર્યક્ષમ બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમાજના દરેક વર્ગને ગુણવત્તાયુક દવાઓ વ્યાજબી ભાવે મળવી જોઈએ. જે રોગોમાં દવા અને આરોગ્યસંભાળથી મૃત્યુ ટાળી શકાય, તે માટે પ્રયાસ ચોક્કસ થવા જોઈએ. ક્રિયમ ફાર્મા તેની દવાઓથી આરોગ્યસંભાળ ક્ષેત્રે ઉમદા કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.”
તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, કંપની વર્ષ 2030 સુધીમાં સમગ્ર ભારતમાં દરેક શહેર, નગર અને ગામ સુધી દવાઓ ઉપલબ્ધ કરાવવાનું તેમજ 3,500 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારના અવસર ઉભા કરવાનું લક્ષ્ય ધરાવે છે. સાથે જ જ્યાં વ્યાજબી અને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓની માંગ છે તેવા ઉભરતા બજારોમાં નિકાસની સંભાવનાઓ પણ કંપની જોઈ રહી છે.
એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઓફ ઇન્ડિયા (AHPI) ના ડિરેક્ટર જનરલ ડૉ. ગિરધર જ્ઞાનીએ કહ્યું હતું કે, “દેશમાં હોસ્પિટલમાં 30 ટકા જેટલો ખર્ચ દવાઓનો હોય છે. તેમની સંસ્થા સરકાર સાથે સહકારથી કામ કરે છે. સ્વાસ્થ્ય સેવા જન-જન સુધી લઈ જવા માટે હેલ્થકેર અને મેડિસિન ક્ષેત્રે અફોરડેબિલિટી, અવેલેબિલિટી, એક્સેસિબિલિટી અને ક્વોલિટી ઉપર ફોકસ કરે છે. હાલમાં અગ્રણી કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન (CDMOs) પાસેથી દવાઓનું સોર્સિંગ કરી રહેલી, ક્રિયમ ફાર્મા આગામી તબક્કામાં તેની પોતાની ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે.”
શ્રી તેજ ધોળકિયાએ વધુમાં જણાવ્યું હતું કે, “અમારું મિશન એક સરળ માન્યતા પર આધારિત છે – દવાઓ દરેક સુધી પહોંચે તે કોઈ વિશેષાધિકાર નથી, પરંતુ દરેકનો મૂળભૂત અધિકાર છે. અમારી દરેક પ્રોડક્ટ, દરેક ભાગીદારી અને દરેક નિર્ણય આ જ ગુણવત્તા અને પ્રામાણિકતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”
SRK એક્સપોર્ટના બ્રાન્ડ કોર્ડીનેટર શ્રી શ્રેયાંસ ધોળકિયાએ જણાવ્યું હતું કે, “ડાયમંડ-જ્વેલરી ક્ષેત્રે 60 વર્ષની સફળયાત્રા સાથે સાથે હવે અમે ક્ષમતા વિકાસ અને દેશને દવા ક્ષેત્રે સર્વિસ આપવાનો નિર્ધાર કર્યો છે. આરોગ્યસંભાળ એ આપણા દેશની જરૂરીયાત અને ફોકસનું ક્ષેત્ર છે. નવી પહેલની જવાબદારી તેજ ધોળકિયાએ લીધી છે. પ્રારંભિક તબક્કામાં ગુજરાત અને રાજસ્થાનમાં દવાની સપ્લાય કરવામાં આવશે. અમે હાલમાં 60 જેટલાં ડિસ્ટ્રીબ્યુટર સાથે કામકાજ શરૂ કર્યું છે.”
કાર્યક્રમમાં બિલ ગેટ્સ ફાઉન્ડેશનના શ્રી આર્નવ કપૂરે સંસ્થાનો પરિચય કરાવી આરોગ્યસંભાળ ક્ષેત્રે સંસ્થાની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો.
સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના સંચાલક અને પદ્મશ્રી, શ્રી મથુરભાઈ સવાણીએ સ્વાસ્થ્ય સુધાર અને વ્યાજબી ભાવની દવા ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હાલમાં દવાઓ વિશ્વાસ પ્રાપ્ત કરવામાં સંઘર્ષ કરી રહી છે ત્યારે ક્રિયમ ફાર્મા આ ક્ષેત્રને નવો આકાર આપશે. કંપની દવા છેવટના ગામ સુધી પહોચડવા માટે નવો રસ્તો તૈયાર કરશે.
શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના સંસ્થાપક અને ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા કહ્યું હતું કે, “કંપની કીમતી છે, પણ મૂલ્યવાન હોવું જરૂરી છે. તેમણે નવી પહેલ ક્રિયમ ફાર્માને નૈતિક મૂલ્યો સાથે મૂલ્યવાન બનાવવાની અપીલ કરી હતી.”