ગુજરાતની ‘મધર ઈન્ડિયા’: ફિલ્મ ‘મલુમાડી’ ૩૦ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે; પ્રમોશન અર્થે સ્ટારકાસ્ટ સુરતની મુલાકાતે

By on
In ફિલ્મી ગપસપ
Spread the love

સુરત: ગુજરાતી સિનેમામાં માતૃત્વ, સામાજિક એકતા અને સંઘર્ષની અનોખી ગાથા લઈને આવી રહેલી ફિલ્મ ‘ગુજરાતની મધર ઈન્ડિયા: મલુમાડી’ આગામી 30 જાન્યુઆરી, 2026ના રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રમોશનના ભાગરૂપે ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટ અને મેકર્સ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. પ્રમોશન દરમિયાન ગુરુભાઈ જેઠવા, દિયા ભટ્ટ, વિજય ઝાલા, પ્રિયમ તળાવિયા, કિરણ ખોખાણી વગેરે સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહી હતી.

આ ફિલ્મમાં ભારતી ઠક્કર, આકાશ પંડયા, ગુરુભાઈ જેઠવા, દિયા ભટ્ટ, વિજય ઝાલા, પ્રિયમ તળાવિયા, નિહારિકા દવે, અશોક પટેલ, કિરણ ખોખાણી જેવા કલાકારો છે તથા ડિરેક્ટર મિલન જોશી છે તથા સિદ્ધાંત મોશન પિકચર્સના બેનર હેઠળ કિરણ ખોખાણી & વિક્રમ જી. પટોળીયા દ્વારા નિર્મિત છે.

આ ફિલ્મની વાર્તા મુખ્યત્વે શિક્ષણ, નાત-જાત, અંધશ્રદ્ધા, પર્યાવરણ જાળવણી અને કોમેડી જેવા વિષયો પર આધારિત છે. આ ફિલ્મ ગુજરાતની સંસ્કૃતિના અઢાર વરણને એક તાંતણે બાંધવાનું કામ કરશે. મેકર્સના જણાવ્યા મુજબ, “અઢાર મણકાની એક જ ધાગામાં પરોવાયેલી માળા એટલે મલુમાડી.” ફિલ્મની વાર્તા એક માના અજોડ સંઘર્ષ અને પરિવાર પ્રત્યેના સમર્પણની આસપાસ વણાયેલી છે. જોકે આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે, પરંતુ દર્શકોને ચોક્કસ એવું મહેસૂસ થશે કે આ વાર્તા સત્ય ઘટના આધારિત છે અને આપણી આસપાસ જ ઘટેલી છે.

ફિલ્મના શૂટિંગ વિશે વાત કરીએ તો, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામના લોકેશન પર ફિલ્મનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં નિહારિકા દવે, વિજય ઝાલા, અશોક પટેલ/વસોયા અને આશુતોષ સોલંકી જેવા અનુભવી કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. સંગીતની વાત કરીએ તો, ઐશ્વર્યા મજમુદાર, હરિઓમ ગઢવી, છોટુ ખાન, તૃપ્તિ ગઢવી અને સોહમ નાઈક જેવા નામાંકિત ગાયકોએ ફિલ્મમાં પોતાના સૂર રેલાવ્યા છે. 30 જાન્યુઆરીથી ગુજરાતમાં રિલીઝ થનારી આ ફિલ્મનું ટ્રેલર અત્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. સુરતના આંગણે પ્રમોશનલ ઇવેન્ટ પૂર્ણ કર્યા બાદ સમગ્ર ટીમ હવે રિલીઝના દિવસે પ્રેક્ષકોના પ્રતિસાદની આતુરતાથી રાહ જોઈ રહી છે.

સુરતની મુલાકાત દરમિયાન ટીમ દ્વારા ખાસ પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ટીમ વિવિધ સ્કૂલ અને કોલેજોની મુલાકાત લઈને યુવાઓ સાથે સંવાદ કર્યો. આ અભિયાન અંતર્ગત સમાજ ઘડતરમાં મહત્વનો ફાળો આપતા શિક્ષકોને પ્રોત્સાહન આપવાનું વિશેષ કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું.