યુદ્ધની વૈશ્વિક અસર સુરતના રિયલ એસ્ટેટ પર, બાંધકામ ખર્ચ વધતાં ફ્લેટના ભાવમાં થશે વધારો: ક્રેડાઈ

Spread the love

ઇંધણના વધતા ભાવથી સિમેન્ટ, સ્ટીલ, એલ્યુમિનિયમ સહિતના બિલ્ડિંગ મટીરિયલ્સ મોંઘા બન્યા, ગ્રાહકોને સમયસર ફ્લેટ ખરીદવાનો નિર્ણય લેવા અપીલ

સુરત : આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર પણ જોવા મળી રહી છે. પેટ્રોલિયમ અને ઇંધણના ભાવમાં થયેલા વધારાને કારણે પરિવહન અને ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. તેના પરિણામે સિમેન્ટ, સ્ટીલ, લોખંડ, એલ્યુમિનિયમ સેક્શન, પ્લમ્બિંગ મટીરિયલ્સ સહિત વિવિધ બાંધકામ સામગ્રીના ભાવ સતત વધી રહ્યા છે. સાથે જ ગેસ અને જીવનનિર્વાહ ખર્ચ વધતાં મજૂરી ખર્ચમાં પણ વધારો થયો છે, જેના કારણે કન્સ્ટ્રક્શન કોસ્ટમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું ક્રેડાઈ સુરતે જણાવ્યું છે.

આ મુદ્દે ક્રેડાઈ સુરતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ચેરમેન સંજય માંગુકિયાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી બાંધકામ માટે જરૂરી લગભગ તમામ સામગ્રીના ભાવ સતત વધી રહ્યા છે. વધેલા ઇંધણના ખર્ચની સીધી અસર પરિવહન અને ઉત્પાદન પર પડી રહી છે, જેના કારણે બાંધકામ ઉદ્યોગ માટે પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો ખર્ચ સતત વધી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી ડેવલપર્સે વધેલા ખર્ચનો બોજ પોતાની રીતે સહન કરવાનો પ્રયાસ કર્યો હતો અને પરિસ્થિતિ સામાન્ય બનવાની આશા રાખી હતી. પરંતુ હાલની સ્થિતિમાં નજીકના ભવિષ્યમાં ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતા દેખાતી ન હોવાથી હવે વધેલા ખર્ચની અસર ફ્લેટની કિંમતો પર કરવી અનિવાર્ય બની છે.

વધુમાં તેમણે કહ્યું કે ચાલુ પ્રોજેક્ટમાં ભાવવધારાની અસર પ્રોજેક્ટ કયા તબક્કે છે તેના આધારે અલગ-અલગ રહેશે. ફાઉન્ડેશન, સ્ટ્રક્ચર, પ્લાસ્ટર અથવા ફિનિશિંગ જેવા વિવિધ તબક્કામાં ખર્ચની સ્થિતિ જુદી હોવાથી દરેક પ્રોજેક્ટમાં ભાવવધારાનું પ્રમાણ પણ અલગ હોઈ શકે છે. જોકે તેની સીધી અસર ફ્લેટ ખરીદનાર ગ્રાહકો પર પડશે.

સંજય માંગુકિયાએ આગળ જણાવ્યું હતું કે ક્રેડાઈ ગુજરાતની બોર્ડ બેઠકમાં રાજ્યના વિવિધ શહેરોના ચેપ્ટરોએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે બાંધકામ ખર્ચમાં થયેલા વધારાની અસર હવે નવા અને ચાલુ પ્રોજેક્ટ્સની કિંમતોમાં જોવા મળશે. હાલની પ્રેસ કોન્ફરન્સનો હેતુ સરકાર સમક્ષ કોઈ ચોક્કસ માંગણી કરવાનો નથી, પરંતુ સામાન્ય નાગરિકોને વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર કરવાનો છે. સરકાર ભવિષ્યમાં સ્ટેમ્પ ડ્યુટી, જીએસટી અથવા અન્ય કરમાં રાહત આપવા અંગે વિચારણા કરે તો તે અલગ વિષય છે, પરંતુ હાલ વધેલા ખર્ચની અસરથી બચવાનો કોઈ વિકલ્પ બચ્યો નથી.

ક્રેડાઈ સુરતે ઘર ખરીદવાનું આયોજન કરી રહેલા લોકોને સમયસર નિર્ણય લેવા અપીલ કરી છે. સંસ્થાના જણાવ્યા મુજબ જે લોકો હાલમાં ફ્લેટ ખરીદવાનો વિચાર કરી રહ્યા છે પરંતુ નિર્ણય ટાળી રહ્યા છે, તેમણે વહેલી તકે ખરીદી કરવી જોઈએ. કારણ કે આગામી સમયમાં લોન્ચ થનારા નવા પ્રોજેક્ટ્સમાં બાંધકામ ખર્ચ વધવાને કારણે પ્રતિ ચોરસ ફૂટ અંદાજે ૨૦૦થી ૪૦૦ રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. વિસ્તાર અને પ્રોજેક્ટના પ્રકાર મુજબ આ વધારો વધુ કે ઓછો હોઈ શકે છે.

ક્રેડાઈ સુરતના પ્રમુખ ડૉ. જીજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે પ્રેસ કોન્ફરન્સ યોજવાનો મુખ્ય હેતુ બાંધકામ ક્ષેત્રમાં વપરાતા રો-મટીરિયલના સતત વધી રહેલા ભાવ અંગે લોકોને વાસ્તવિક માહિતી પહોંચાડવાનો છે. સિમેન્ટ, સ્ટીલ, એલ્યુમિનિયમ સહિતની વિવિધ સામગ્રીના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સની કિંમત વધી રહી છે. જેના કારણે આગામી સમયમાં નવા લોન્ચ થતા પ્રોજેક્ટ્સ તેમજ હજુ પૂર્ણ ન થયેલા પ્રોજેક્ટ્સમાં મિલકતોના ભાવમાં અંદાજે ૫થી ૧૦ ટકા સુધીનો વધારો કરવો અનિવાર્ય બનશે. તેમણે જણાવ્યું કે હાલ ચાલી રહેલા પ્રોજેક્ટ્સમાં વધારો પ્રમાણમાં ઓછો રહેશે, જ્યારે નવા પ્રોજેક્ટ્સમાં વધેલી કન્સ્ટ્રક્શન કોસ્ટની સંપૂર્ણ અસર કિંમતોમાં જોવા મળશે. આ કારણોસર ગ્રાહકોને સમયસર નિર્ણય લઈ શકે અને ભાવવધારાના કારણો અંગે સાચી માહિતી મળી રહે તે હેતુથી આ જાહેરાત કરવામાં આવી છે.