ગુજરાત ખબર
૨૦ વર્ષ • ૪૫૦ પ્લોટ • એક પણ પ્લોટનું ‘ક્લિયર ટાઇટલ’ (સ્પષ્ટ માલિકી હક) નહીં
‘સાયલન્ટ ઝોન’ પ્લોટ ધારકો ઉકેલ અને ન્યાય મેળવવા સુરત કલેક્ટરને મળ્યા
સુરત, ૧૧ ઓગસ્ટ ૨૦૨૬: ‘સાયલન્ટ ઝોન’ પ્રોજેક્ટને લગતા જમીન, માલિકી હક (ટાઇટલ) અને મહેસૂલ સંબંધિત લાંબા સમયથી પડતર પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે, ‘સાયલન્ટ ઝોન પ્લોટ હોલ્ડર્સ સર્વિસ એસોસિએશન’ના સભ્યો અને ૧૦૦થી વધુ પ્લોટ ધારકોએ આજે સુરતના જિલ્લા કલેક્ટરને વિગતવાર રજૂઆત કરી હતી.
એસોસિએશનના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટમાં અંદાજે ૪૫૦ પ્લોટનો સમાવેશ થાય છે, જે નાગરિકોએ બે દાયકા કરતાં વધુ સમય પહેલાં વાજબી કિંમત ચૂકવીને અને સંપૂર્ણ વિશ્વાસ સાથે ખરીદ્યા હતા. જોકે, એસોસિએશનનું કહેવું છે કે ૨૦ વર્ષથી વધુ સમય વીતી જવા છતાં, આ ૪૫૦ પ્લોટમાંથી એક પણ પ્લોટ ધારકને તેમની મિલકત સંપૂર્ણ અને સ્પષ્ટ માલિકી હક (ક્લિયર ટાઇટલ) સાથે મળી નથી.
એસોસિએશને જણાવ્યું છે કે જમીન, મહેસૂલ, બિન-ખેતી (NA), માલિકી હક અને અન્ય કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની તેમજ પાત્ર ખરીદદારોને તેમના પ્લોટ યોગ્ય અને સ્પષ્ટ માલિકી હક સાથે મળે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી આયોજક/ડેવલપરની હતી.
તેથી, પ્લોટ ધારકોએ એક મૂળભૂત પ્રશ્ન ઉઠાવ્યો છે:
“આ કેવી રીતે શક્ય છે કે અંદાજે ૪૫૦ પ્લોટ વેચાયા, સાચા ખરીદદારોએ તેમની મહેનતની કમાણી ચૂકવી, ૨૦ વર્ષથી વધુ સમય વીતી ગયો, અને તેમ છતાં એક પણ પ્લોટ ધારકને સંપૂર્ણ અને સ્પષ્ટ માલિકી હક સાથે મિલકત મળી નથી?”
એસોસિએશને જિલ્લા કલેક્ટરને નમ્ર વિનંતી કરી છે કે તેઓ સમગ્ર બાબતની તપાસ કરે, સંબંધિત સત્તાવાળાઓ પાસેથી જરૂરી રેકોર્ડ મંગાવે, આટલા લાંબા સમયથી મામલો પડતર રહેવાના કારણો જાણી લે અને અસરગ્રસ્ત સેંકડો પ્લોટ ધારકોના કાયદેસરના હિતોનું રક્ષણ કરવા માટે કાયદા અનુસાર યોગ્ય પગલાં લે.

સંકલિત તપાસ અને યોગ્ય કાર્યવાહીની વિનંતી સાથે સંબંધિત મહેસૂલ અધિકારીઓ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ટાઉન પ્લાનિંગ સત્તાવાળાઓ, નોંધણી/સબ-રજિસ્ટ્રાર કચેરીઓ અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓને પણ રજૂઆતો કરવામાં આવી રહી છે.
એસોસિએશને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય સંઘર્ષ કરવાનો નથી, પરંતુ બે દાયકાથી વધુ સમયથી વણઉકેલાયેલા આ મામલાનું ન્યાયી, પારદર્શક અને કાયદેસરનું નિરાકરણ લાવવાનો છે. સંસ્થાના હોદ્દેદારો
પ્રમુખ: શ્રી ગૌરાંગભાઈ ગોયલ
ઉપપ્રમુખ: શ્રી મનોજભાઈ અગ્રવાલ
મંત્રી: શ્રી કિરીટભાઈ પટેલ
સંયુક્ત મંત્રી: શ્રી ગૌરવભાઈ સિંઘવી
ખજાનચી: શ્રી દિનેશભાઈ માલુ
બોર્ડના સભ્યો: શ્રી મહેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી સંદીપભાઈ અને શ્રી શશિકાંતભાઈ સિંગાપુરી
સંસ્થાએ જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર સમક્ષ સામૂહિક અપીલ કરી છે કે તેઓ એ સુનિશ્ચિત કરે કે ૨૦ વર્ષથી વધુ સમયથી રાહ જોઈ રહેલા સેંકડો સાચા પ્લોટ ખરીદદારોને આખરે તેમની મિલકતો અંગે સ્પષ્ટતા મળે અને કાયદા અનુસાર યોગ્ય ન્યાય પ્રાપ્ત થાય.
જાહેર કરનાર:
સાયલન્ટ ઝોન પ્લોટ હોલ્ડર્સ સર્વિસ એસોસિએશન, સુરત
ક્રિએટિવ ફોટોગ્રાફી અને હેન્ડક્રાફ્ટેડ ફિલ્મ્સ માટે જાણીતી નાઇસ ટુ મીટ યુ કંપનીએ EMF (ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશન) ACE (પુરસ્કારો, સંમેલન, પ્રદર્શન) ગ્લોબલ ઍવોર્ડ્સ 2026 માં ચાર પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીતીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
સુરત : 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન નેપાળના કાઠમંડુ સ્થિત ભવ્ય સોલ્ટી હોટેલ ખાતે યોજાયેલા એવોર્ડ સમારોહમાં કંપનીની ફોટોગ્રાફી અને ફિલ્મ્સની સર્જનાત્મકતા, કલાત્મકતા અને સ્ટોરીટેલિંગની અનોખી રજૂઆતને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવી.
2022માં મીત દેસાઈ દ્વારા સ્થાપિત ‘નાઇસ ટુ મીટ યુ’ એ ખૂબ જ ટૂંકા સમયમાં પોતાના ક્ષેત્રમાં આગવી ઓળખ બનાવી છે. આ વર્ષે કંપનીને નીચે મુજબ ચાર એવોર્ડ મળ્યા:
ગોલ્ડ એવોર્ડ – બેસ્ટ ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી
ગોલ્ડ એવોર્ડ – બેસ્ટ સિનેમેટોગ્રાફી ઓફ ધ યર
સિલ્વર એવોર્ડ – બેસ્ટ ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી
બ્રોન્ઝ એવોર્ડ – બેસ્ટ ફોટોગ્રાફી ઓફ ધ યર
એવોર્ડ સમારોહમાં કંપનીનું પ્રતિનિધિત્વ સ્થાપક અને ડિરેક્ટર મીત દેસાઈ તથા ક્રિએટિવ ડિરેક્ટર વિધિ દેસાઈએ કર્યું હતું. આ એવોર્ડ્સનું વિતરણ ઉદયપુરના શ્રીજી હુઝુર ડૉ. લક્ષ્યરાજ સિંહ મેવાડ, બોલીવૂડ અભિનેતા વિક્રાંત મેસી, શિલ્પા શેટ્ટી, મનીષા કોઇરાલા, કુબ્રા સૈત તેમજ ગાયિકા શિબાની કશ્યપના હસ્તે કરવામાં આવ્યું હતું.

13 વર્ષ પૂર્ણ કરનાર EMF (ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશન) ગ્લોબલ ઍવોર્ડ્સ વેડિંગ ફોટોગ્રાફી, ઇવેન્ટ પ્લાનિંગ અને વેડિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ક્રિએટિવ પ્રતિભાશાળી લોકોનું સન્માન કરે છે. 2026ની આવૃત્તિમાં ભારતભરના અગ્રણી વિઝ્યુઅલ આર્ટિસ્ટ્સે ભાગ લીધો હતો.
આ સિદ્ધિ અંગે મીત દેસાઈએ જણાવ્યું હતું કે, “ચાર આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવવા એ અમારા માટે ખૂબ ગૌરવ અને નમ્રતાની ક્ષણ છે.
દુનિયાભરના શ્રેષ્ઠ સર્જકો વચ્ચે અમારા કામને મળેલી આ ઓળખ અમારા માટે ખૂબ જ વિશેષ છે. સુરતમાં શરૂ થયેલું એક સપનું આજે ક્રિયેટિવિટી, મહેનત અને ઉત્તમ સ્ટોરીટેલિંગના આધારે આ મુકામ સુધી પહોંચ્યું છે. આ એવોર્ડ્સ માત્ર સન્માન નથી, પરંતુ અમારા દરેક ક્લાયન્ટનો વિશ્વાસ, દરેક યાદગાર ક્ષણ અને દરેક વાર્તાની કદર છે.અમારા તમામ ક્લાયન્ટ્સ, સહયોગીઓ અને સમગ્ર ટીમનો હું દિલથી આભાર માનું છું. આ સન્માન અમને વધુ ઉત્તમ અને યાદગાર કામ કરવા માટે નવી પ્રેરણા આપે છે.”
ક્રિએટિવ ડિરેક્ટર વિધિ દેસાઈએ જણાવ્યું હતું કે, “નેપાળમાં ચાર આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવવા એ મારા માટે શબ્દોથી પરનો આનંદ અને ગૌરવની ક્ષણ છે. દરેક સન્માન મને વધુ ઉત્સાહ અને આત્મવિશ્વાસ આપે છે કે અમે દિલથી અને સંપૂર્ણ સમર્પણ સાથે સર્જનાત્મક કામ કરતા રહીએ. આ ક્ષણ મારા માટે હંમેશા યાદગાર રહેશે.”

આ નવી સિદ્ધિ સાથે ‘નાઇસ ટુ મીટ યુ’ એ સ્થાપનાના માત્ર ચાર વર્ષમાં GIWA, WeddingSutra અને EMF એવોર્ડ સહિત કુલ 13 + રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે. આ સફળતા કંપનીની મહેનત, સમર્પણ અને દૂરંદેશી વિચારસરણીનું પ્રતિબિંબ છે.
‘નાઇસ ટુ મીટ યુ’ વેડિંગ ફોટોગ્રાફી ઉપરાંત ફેશન, આર્કિટેક્ચર, કોર્પોરેટ, એડવર્ટાઇઝમેન્ટ ફિલ્મો અને અન્ય અનેક ક્ષેત્રોમાં ફોટોગ્રાફી અને ફિલ્મમેકિંગની સેવાઓ આપે છે. કંપનીની દરેક કૃતિમાં સર્જનાત્મકતા, લાગણી અને ઉચ્ચ કક્ષાની કલાત્મકતા જોવા મળે છે. EMF ACE ગ્લોબલ એવોર્ડ્સમાં મળેલું આ સન્માન માત્ર કંપનીની સફળતા નથી, પરંતુ ભારતીય સર્જનાત્મક પ્રતિભાની વધતી વૈશ્વિક ઓળખનું પણ પ્રતિક છે.
કંપની અને તેની ટીમનું માનવું છે કે દરેક પ્રોજેક્ટ માત્ર એક કામ નથી, પરંતુ એક એવી કૃતિ છે જે લોકોના જીવનમાં લાંબા સમય સુધી યાદ રહી શકે.
રાંદેરના ગૌરાંગભાઈ ભગત છેલ્લા 20 વર્ષથી નિઃશુલ્ક સ્વિમિંગ તાલીમ આપી રહ્યા છે તેમના શિષ્યો નેશનલથી ઈન્ટરનેશનલ સુધી જીતે છે મેડલ
સુરત: આજના સમયમાં જ્યાં સ્વિમિંગ ક્લાસ માટે લોકો મોટી ફી ચૂકવતા હોય છે, ત્યાં સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા ગૌરાંગભાઈ છેલ્લા 20 વર્ષથી સંપૂર્ણ નિઃશુલ્ક સ્વિમિંગ તાલીમ આપી સમાજસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેમની નિઃસ્વાર્થ સેવાભાવના કારણે અત્યાર સુધીમાં સેંકડો યુવાનો અને બાળકો સ્વિમિંગ શીખી ચૂક્યા છે, જેમાંથી દર વર્ષે અંદાજે 60 થી 70 જેટલા તરવૈયાઓ તેમના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવે છે તથા વેકેશન બેચ દરમિયાન અલગથી વિદ્યાર્થીઓ પણ તાલીમ લેવા આવતા હોય છે અનેક તરવૈયાઓ નેશનલ તેમજ ઈન્ટરનેશનલ સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેવા પણ સ્વિમિંગ ક્લાસ જવા પહેલા તેમના પાસે તાલીમ મેળવી અનેક મેડલ જીતી સુરત અને દેશનું નામ રોશન કરી રહ્યા છે.
ગૌરાંગભાઈ માટે સ્વિમિંગ માત્ર રમત નથી, પરંતુ જીવન બચાવતી આવશ્યક કળા છે. તેમનો એક જ સંદેશ છે કે “દરેક વ્યક્તિને સ્વિમિંગ આવડવું જ જોઈએ.” તેઓ માને છે કે પૂરની સ્થિતિ, નદી-તળાવ કે અન્ય કોઈ પણ જળસંકટ જેવી ઈમર્જન્સીમાં સ્વિમિંગનું જ્ઞાન વ્યક્તિનો જીવ બચાવી શકે છે. આ જ ઉદ્દેશ્ય સાથે તેઓ વર્ષોથી કોઈપણ પ્રકારની ફી લીધા વગર લોકોને તાલીમ આપી રહ્યા છે.
તેમની પાસે તાલીમ લેવા માટે બાળકો, યુવાઓ ઉપરાંત અનેક વયસ્કો પણ પહોંચે છે. તાલીમ દરમિયાન તેઓ માત્ર તરવાની ટેક્નિક જ નહીં, પરંતુ પાણીમાં સુરક્ષા, આત્મવિશ્વાસ, શિસ્ત અને ફિટનેસ પર પણ વિશેષ ભાર મૂકે છે.
સમાજમાં નિઃસ્વાર્થ સેવા અને રમતગમતને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરતા ગૌરાંગભાઈ આજે અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિ કે લાભની અપેક્ષા વગર છેલ્લા દસ વર્ષથી તેઓ સતત પોતાની સેવા ચાલુ રાખી છે. તેમના પ્રયાસોથી અનેક પરિવારોમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને અનેક યુવાનોને રમતગમતમાં નવી ઓળખ મળી છે.
ગૌરાંગભાઈની આ નિઃશુલ્ક સેવા એ સાબિત કરે છે કે સમાજમાં પરિવર્તન લાવવા માટે માત્ર ઈચ્છાશક્તિ અને સેવાભાવ જ પૂરતા હોય છે. છેલ્લા ૨૦ વર્ષથી તેઓ જે કાર્ય કરી રહ્યા છે તે ખરેખર સમાજ માટે એક પ્રેરણાદાયી પહેલ છે અને તેમની આ સેવા પ્રશંસાને પાત્ર છે.
ડૉક્ટરપ્રેન્યોર કોન્ફરન્સને અભૂતપૂર્વ સફળતા – 300થી વધુ ડેલિગેટ્સ અને દેશના અગ્રણી ફેકલ્ટીની ઉપસ્થિતિ
સુરતમાં યોજાયેલી “ડૉક્ટરપ્રેન્યોર 2026” કોન્ફરન્સને અભૂતપૂર્વ સફળતા મળી હતી. આ અનોખા કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત વિવિધ રાજ્યોમાંથી આશરે 300 જેટલા ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઓડિટોરિયમ ખચાખચ ભરાયેલું રહ્યું અને તમામ ડેલિગેટ્સે શરૂઆતથી અંત સુધી સતત છ કલાક સુધી ચાલેલા વિચારમંથનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કોન્ફરન્સમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા ફેકલ્ટી સભ્યો – ડૉ. પરવીન ભાટિયા, ડૉ. આદર્શ ચૌધરી, ડૉ. રોય પટણકર, ડૉ. શૈલેષ પુન્ટામ્બેકર, ડૉ. રાજ નાગરકર, ડૉ. ભીખુભાઈ પટેલ, શ્રી રાજેશ યાદવ તથા ઓનલાઈન ફેકલ્ટી તરીકે ડૉ. પ્રવીણ રાજ – એ ડૉક્ટરો કેવી રીતે સફળ ઉદ્યોગસાહસિક (Entrepreneur) બની શકે, તે માટે જરૂરી દૃષ્ટિકોણ, તકો, પડકારો, જોખમો અને તેના ઉકેલો અંગે અત્યંત રસપ્રદ અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
કોન્ફરન્સના ચેરમેન ડૉ. એમ. એમ. કુરેશીએ જણાવ્યું હતું કે, “ઓડિટોરિયમમાં ડેલિગેટ્સની સો ટકા હાજરી અને સતત છ કલાક સુધી એકાગ્રતાપૂર્વક થયેલો વિચારવિનિમય એ સ્પષ્ટ દર્શાવે છે કે ડૉક્ટરો માટે ઉદ્યોગસાહસિકતા વિષયની જરૂરિયાત આજે એટલી જ મહત્વપૂર્ણ બની ગઈ છે જેટલી આધુનિક મેડિકલ ટેક્નોલોજીની છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, આજના સમયમાં કોર્પોરેટ આરોગ્ય ક્ષેત્રમાં નફાકીય આંકડાઓને વધુ મહત્વ આપવામાં આવે છે અને ઘણી વખત ડૉક્ટરોને માત્ર એક સાધન તરીકે જોવામાં આવે છે. જ્યારે ડૉક્ટર પોતે સફળ ઉદ્યોગસાહસિક બને છે ત્યારે તેનું કેન્દ્રબિંદુ દર્દીઓના આરોગ્યમાં ગુણવત્તાસભર સુધારો લાવવાનું હોય છે, માત્ર નફો કમાવવાનું નહીં. આ જ સંદેશ સમગ્ર કોન્ફરન્સનો મુખ્ય આધાર રહ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ. કેયુર ભટ્ટ, ડૉ. વિક્રમ લોટવાલા, ડૉ. ધવલ માંગુકિયા, ડૉ. તેજસ પટેલ, શ્રી ધર્મેન્દ્ર ધનાણી, ડૉ. રામ રક્ષપાલ, ડૉ. મનીષ મહેતા, ડૉ. જીતેન્દ્ર નવડિયા સહિત સમગ્ર આયોજન ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું અસરકારક સંચાલન ડૉ. કેયુર ભટ્ટએ કર્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. વિક્રમ લોટવાલાએ વ્યક્ત કરી હતી.
અંતમાં ડૉ. કુરેશીએ આશા વ્યક્ત કરી હતી કે ડૉક્ટરપ્રેન્યોર જેવી પ્રેરણાદાયી કોન્ફરન્સો દેશના તમામ રાજ્યોમાં યોજાય, જેથી વધુને વધુ ડૉક્ટરો સફળ ઉદ્યોગસાહસિક બની આરોગ્યસેવાને વધુ સશક્ત અને દર્દીકેન્દ્રિત બનાવી શકે.
સેલરી એકાઉન્ટનો મોટો લાભ: SRKના કર્મચારીના પરિવારને મળ્યો રૂ. 71 લાખનો નિઃશુલ્ક વીમા ક્લેમ
કર્મચારી કલ્યાણનું ઉત્તમ ઉદાહરણ: બેંક ઑફ ઇન્ડિયાએ SRK ના કર્મચારી ને રૂ. 71 લાખનો વીમા ક્લેમ અર્પણ કર્યો
બેંક ઑફ ઇન્ડિયાએ SRK એક્સપોર્ટ્સના કર્મચારીના પરિવારને રૂ. 71 લાખનો અકસ્માત વીમા ક્લેમ અર્પણ
બેંક ઑફ ઇન્ડિયા, સુરત પોતાની સેલરી એકાઉન્ટ યોજના હેઠળ આપવામાં આવતી નિઃશુલ્ક ગ્રુપ પર્સનલ એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ યોજનાના અંતર્ગત SRK એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના એક સ્વર્ગસ્થ કર્મચારીના પરિવારને રૂ. 71 લાખનો વીમા ક્લેમ અર્પણ કર્યો. મુશ્કેલ સમયમાં આ સહાય પરિવાર માટે મહત્વપૂર્ણ આર્થિક આધારરૂપ બની છે. આ વીમા સુરક્ષા બેંકની કોર્પોરેટ કર્મચારીઓ માટેની સેલરી એકાઉન્ટ યોજનાનો એક નિઃશુલ્ક લાભ છે.
બેંક ઑફ ઇન્ડિયા કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને તેમની સેલરી એકાઉન્ટ યોજના હેઠળ રૂ. 2 કરોડ સુધીનું નિઃશુલ્ક ગ્રુપ પર્સનલ એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ કવર પ્રદાન કરે છે. તે જ રીતે ખાનગી કંપનીઓ સાથેના કરાર અંતર્ગત બેંકમાં સેલરી એકાઉન્ટ ધરાવતા પાત્ર કર્મચારીઓને રૂ. 1 કરોડ સુધીનું નિઃશુલ્ક અકસ્માત વીમા કવર પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

વીમા ક્લેમનો ચેક શનિવાર, તા. 01-08-2026 ના રોજ SRK એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે સ્વર્ગસ્થ કર્મચારીના પરિવારને અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે બેંક ઑફ ઇન્ડિયાના FGMO અમદાવાદના જનરલ મેનેજર શ્રી અજય ત્રિપાઠી તથા સુરત ઝોનના ઝોનલ મેનેજર શ્રી રાજેશ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી અજય ત્રિપાઠીએ શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “પ્રિયજનની ખોટ કોઈ પણ રીતે પૂરી થઈ શકતી નથી, પરંતુ બેંકની આ આર્થિક સહાય પરિવારને મુશ્કેલ સમયમાં સંબળ અને સુરક્ષાની લાગણી આપશે તેવી અમારી આશા છે.”
શ્રી રાજેશ કુમારે જણાવ્યું હતું કે, છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન બેંક ઑફ ઇન્ડિયાએ SRK એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના કર્મચારીઓ માટે કુલ રૂ. 1.42 કરોડના ગ્રુપ પર્સનલ એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ ક્લેમનું સફળતાપૂર્વક નિરાકરણ કર્યું છે. તેમણે ઉમેર્યું કે, બેંક ઑફ ઇન્ડિયાની સેલરી એકાઉન્ટ યોજના બેંકિંગ ક્ષેત્રની સૌથી વ્યાપક અને લાભદાયી યોજનાઓમાંની એક છે, જેને બેંક સાથે સેલરી એકાઉન્ટ ધરાવતી અગ્રણી કોર્પોરેટ કંપનીઓ તરફથી વ્યાપક પ્રશંસા મળી રહી છે.
SRK એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ બેંકની ઝડપી, પારદર્શક અને કાર્યક્ષમ સેવા બદલ પ્રશંસા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “અમારા કર્મચારીઓ અમારા પરિવારનો અભિન્ન ભાગ છે. આવી મુશ્કેલ ઘડીએ બેંક ઑફ ઇન્ડિયાએ ખૂબ જ ઝડપથી વીમા ક્લેમનું નિરાકરણ કરીને પરિવારને સમયસર આર્થિક સહારો આપ્યો છે. કર્મચારી કલ્યાણ પ્રત્યે બેંકનો આ અભિગમ ખરેખર પ્રશંસનીય છે.”
લોકોમાં સમ્રાટ ભાઉના હુલામણા નામે ઓળખાતા યુવા નેતા સમ્રાટ પાટીલ પૂર પીડિતોની વ્હારે, 15 હજાર રાહત કીટનું કરશે વિતરણ
- રવિવારે ડિંડોલીની ચાર સોસાયટીઓથી રાહત કીટનું શરૂ કર્યું વિતરણ

નશા નહીં, શોખ અને જુસ્સાનો નશો કરો: યુથ નેશને વર્લ્ડ ડ્રગ્સ ડે પર આપ્યો અનોખો સંદેશ
- સુરતના રાકેશ સૈનીએ માત્ર દાંતના બળે ૧૦૦ મીટર સુધી ૮ કાર ખેંચી સર્જ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
સુરત: 26 મી જૂન વર્લ્ડ ડ્રગ્સ ડે નિમિત્તે યુથ નેશન દ્વારા શુક્રવારે ઉધના-મગદલ્લા રોડ પર વીઆર મોલ સામે આવેલા વાય જંક્શન ખાતે નશામુક્તિ અંગે જનજાગૃતિ માટે અનોખા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન યુવાનોને નશાથી દૂર રહી પોતાના શોખ, જુસ્સા, કામ અને સારી આદતોને જીવનનો સાચો નશો બનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
યુથ નેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર વિકાસ દોશીએ જણાવ્યું હતું કે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ સમાજને નશાના દુષ્પરિણામોથી બચાવી સકારાત્મક જીવનશૈલી તરફ દોરી જવાનો છે. તેમણે ઉપસ્થિત લોકોને નશામુક્તિનો સંકલ્પ લેવડાવી
યુથ નેશનના અભિયાન સાથે જોડાવાનું આહ્વાન કર્યું હતું

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સુરતના રાકેશ સૈની રહ્યા હતા. તેમણે શરીરના અન્ય કોઈ અંગનો ઉપયોગ કર્યા વગર માત્ર દાંતના બળે એકસાથે આઠ કારને અંદાજે ૧૦૦ મીટર સુધી ખેંચીને હાજર લોકોમાં આશ્ચર્ય ફેલાવ્યું હતું. યુથ નેશનના જણાવ્યા મુજબ અગાઉ દાંતથી પાંચ કાર ખેંચવાનો વિશ્વવિક્રમ નોંધાયેલો છે, જ્યારે રાકેશ સૈનીના આ પ્રદર્શન બાદ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નવા વિશ્વવિક્રમ માટે દાવો કરવામાં આવશે. આ સાથે જ સ્થળ પર મ્યુઝિકલ બેન્ડ અને ગજાનન ગ્રુપ દ્વારા ઝુંબાની પણ પ્રસ્તુતિ આપવામાં આવી હતી.
વર્લ્ડ ડ્રગ્સ ડે પૂર્વે યુથ નેશન દ્વારા તેના એડવાઇઝરી બોર્ડના સભ્યો કૈલાશ હકીમ, મિલન પારેખ, ડૉ. ફારુક પટેલ અને સંજય સુરાણાની ઓફિસોમાં કોર્પોરેટ ટીમ સાથે મળીને નશામુક્તિ અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન લોકોને નશાથી દૂર રહી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સંસ્થાની પ્રવૃત્તિઓ સાથે જોડાવાની અપીલ કરવામાં આવી હતી. 
કાર્યક્રમ દરમિયાન યુથ નેશનના એડવાઇઝરી બોર્ડના સભ્ય પ્રદીપ સિંઘવીએ પોતાના જન્મદિવસની ઉજવણી પણ સામાજિક સંદેશ સાથે કરી હતી. જન્મદિવસને સેવા અને જનજાગૃતિ સાથે જોડીને તેમણે યુવાનોને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં યુથ નેશનના એડવાઇઝરી બોર્ડના સભ્યો ઉપરાંત શહેરના અનેક મહાનુભાવો, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન નશામુક્તિના સંદેશ સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.
GBS ફેશન વીકમાં સીમ્સ અને સોનાની જ્વેલર્સે રજૂ કર્યું ભવ્ય વેડિંગ કલેક્શન
- સીમા કલાવડિયા દ્વારા ડિઝાઇન કરાયેલા બ્રાઇડલ આઉટફિટ્સ અને સોનાની જ્વેલર્સની લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું ભવ્ય અનાવરણ, ૧૫ લુક્સે દર્શકોને કર્યા મંત્રમુગ્ધ

IIFD સુરતે ભવ્ય “Fashionate 2026” ઇવેન્ટનું આયોજન કર્યું : 200થી વધુ વિદ્યાર્થી ડિઝાઇનર્સ અને પ્રખ્યાત ફેશન ડિઝાઇનર શાંતનુ અને નિખિલે સુરતના ફેશન મંચને નવી ઊંચાઈ આપી
સુરત: ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇન (IIFD), સુરત દ્વારા આજ રોજ ( 9 જૂન, 2026)ના રોજ સરસાણા કન્વેન્શન સેન્ટરમાં તેના વાર્ષિક ફેશન શોકેસ “ફેશોનેટ 2026″નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં સર્જનાત્મકતા, કલા-કૌશલ્ય, નવીનતા અને ફેશન ક્ષેત્રની શ્રેષ્ઠતાનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
IIFD સુરતની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી. શરૂઆતથી જ આ સંસ્થા ગુજરાતની અગ્રણી ક્રિએટિવ એજ્યુકેશન સંસ્થાઓમાં સ્થાન પામી છે, જે ફેશન ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન અને ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે ઉભરતા પ્રોફેશનલ્સને સતત પ્રોત્સાહન આપી રહી છે. વર્ષો દરમિયાન સંસ્થાએ નવીનતા, કલા-કૌશલ્ય અને ઉદ્યોગલક્ષી શિક્ષણની મજબૂત પરંપરા ઊભી કરી છે, જેના કારણે સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળ્યું છે અને યુવા પ્રતિભાઓને પોતાની કાબેલિયત દર્શાવવા માટે ઉત્તમ મંચ મળ્યો છે.
સંસ્થાએ પોતાના ક્રિએટિવ વિઝનને વધુ વિસ્તૃત કરતા ZICA સુરતની પણ શરૂઆત કરી છે, જે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગ્રાફિક ડિઝાઇન, ગેમિંગ અને ડિજિટલ આર્ટ્સ જેવા ક્ષેત્રોમાં વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવા માટે કાર્યરત છે. આ વિસ્તરણ સાથે સંસ્થા ઉભરતા કલાકારો, ડિઝાઇનર્સ અને સ્ટોરીટેલર્સ માટે નવી તકો સર્જી રહી છે તેમજ સુરતના વિકસતા ક્રિએટિવ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવી રહી છે.
આ વર્ષે “ફેશોનેટ 2026″એ ફરી એકવાર 200થી વધુ વિદ્યાર્થી ડિઝાઇનર્સ અને 200થી વધુ ઓરિજિનલ આઉટફિટ્સને એક જ મંચ પર લાવીને નવો માપદંડ સ્થાપિત કર્યો હતો. આ ઇવેન્ટ સુરતમાં વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત સૌથી મહત્ત્વાકાંક્ષી ફેશન શોમાંથી એક તરીકે ઉભરી આવી છે.
સુરતના ફેશન જગત માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન આ ઇવેન્ટમાં પ્રથમ વખત ભારતના જાણીતા કૌચર પાયોનિયર્સ શાંતનુ મહેરા અને નિખિલ મહેરાએ ઇવનિંગ ચીફ જ્યુરી તરીકે હાજરી આપી હતી. તેમની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમમાં નવી ઊર્જા ભરી હતી અને યુવા ડિઝાઇનર્સને દેશના અગ્રણી ફેશન નિષ્ણાતો સમક્ષ પોતાની સર્જનાત્મકતા રજૂ કરવાની અનોખી તક આપી હતી.
આ સાંજ કલાત્મક અભિવ્યક્તિના ભવ્ય ઉત્સવ તરીકે સાબિત થઈ હતી, જેમાં સર્જનાત્મકતા, આકર્ષક ડિઝાઇન અને અવાંટ-ગાર્ડ પ્રયોગોનું અનોખું સંયોજન જોવા મળ્યું હતું. રેમ્પ પર રજૂ થયેલી દરેક કૃતિએ પોતાની આગવી સાંસ્કૃતિક વાર્તા રજૂ કરી હતી, જેમાં નવીન ટેક્સટાઇલ્સ અને આધુનિક શૈલી દ્વારા સાહસિક કલાત્મક દ્રષ્ટિકોણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
ઇવેન્ટના સૌથી નોંધપાત્ર શોકેસમાં ‘ગલી કી દીવારેં’ કલેક્શનનો સમાવેશ થતો હતો, જે ભૂલાઈ ગયેલી ગલીઓ, ઝાંખા પોસ્ટર્સ અને જૂના શહેરી વિસ્તારોમાં છુપાયેલી નિઃશબ્દ વાર્તાઓથી પ્રેરિત હતો. ઉપરાંત ‘વૃક્ષા – આર્ટ ઓફ સસ્ટેનેબિલિટી’એ પ્રકૃતિ અને ફેશન વચ્ચેના સુમેળને જવાબદાર અને ટકાઉ ડિઝાઇન દ્વારા રજૂ કર્યો હતો. ‘ક્લાર્ટે – રોટન બટ રીગલ’એ ખામીઓ અને ક્ષતિઓને વૈભવી સૌંદર્યમાં પરિવર્તિત કરી હતી. ‘ધ ડિસટ્રાઇબ’એ ડિસ્ટોપિયન દ્રષ્ટિકોણથી અસ્તિત્વ અને સહનશક્તિની અભિવ્યક્તિ કરી હતી. ‘ક્ષતસૌંદર્ય’એ તૂટેલી રચનાઓ અને શિલ્પોમાં રહેલા સૌંદર્યની ઉજવણી કરી હતી. ‘આર્મોરીયર’એ ભવિષ્યના વિકાસ અને શક્તિની નાટ્યાત્મક અવાંટ-ગાર્ડ વ્યાખ્યા રજૂ કરી હતી, જ્યારે ‘ઇન્ટ્રાવોઇડ’એ હાડકાંના ટિશ્યૂની સૂક્ષ્મ પરંતુ શક્તિશાળી રચનામાંથી પ્રેરણા મેળવી નબળાઈ અને મજબૂતાઈ વચ્ચેનું સંતુલન દર્શાવ્યું હતું.
છેલ્લા કેટલાક વર્ષોમાં IIFD સુરતે ઉદ્યોગો સાથેના સહયોગ, બેકસ્ટેજ અનુભવ, પ્રોફેશનલ ફેશન પ્લેટફોર્મ્સ અને શૈક્ષણિક ભાગીદારી દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક તકો ઉપલબ્ધ કરાવી છે. આ પ્રયાસો દ્વારા ક્લાસરૂમ લર્નિંગને વાસ્તવિક ઉદ્યોગ અનુભવ સાથે જોડવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં સુરતના અગ્રણી ઉદ્યોગપતિઓ, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનો, ફેશન પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓના વાલીઓ તથા ડિઝાઇન પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને આગામી પેઢીના ડિઝાઇનર્સની કલ્પનાશક્તિ, સમર્પણ અને કલાત્મક પ્રતિભાની ઉજવણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે IIFD સુરત સંસ્થા શ્રી મુકેશ મહેશ્વરી (સ્થાપક અને ડિરેક્ટર) તથા શ્રીમતી પલ્લવી મહેશ્વરી (સહ-નિર્દેશક)ના માર્ગદર્શન અને દૂરંદેશી નેતૃત્વ હેઠળ એક મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહી છે, જ્યાં શિક્ષણ, નવીનતા, ઉદ્યોગ સાથેનું જોડાણ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ એકસાથે વિકસે છે.
સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અનોખી સિદ્ધિ, હર્ષ સંઘવીના ચહેરાવાળો 10.07 કેરેટનો હીરો તૈયાર
સાડા ત્રણથી ચાર મહિનાની મહેનત બાદ હાઇ-ટેક ટેકનોલોજીથી સર્જાયો વિશિષ્ટ ડાયમંડ, હર્ષ સંઘવીને ભેટ સ્વરૂપે અર્પણ
સુરત. વિશ્વભરમાં ડાયમંડ ટેકનોલોજી ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવતા લેક્સસ ગ્રુપ અને આઈ એસ જી જે (ISGJ) જ્વેલરી કોલેજે મળીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. બંને સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ચહેરાનું હૂબહૂ પ્રતિબિંબ દર્શાવતો 10.07 કેરેટનો વિશિષ્ટ બ્રાઉન ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે.
આઈ એસ જી જે (ISGJ) જ્વેલરી કોલેજના ડિરેક્ટર અને સિનિયર જેમોલોજિસ્ટ કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, સુરત ડાયમંડ બુર્સ અને સમગ્ર હીરા વેપાર સમુદાયના વિકાસ માટે હર્ષ સંઘવીએ આપેલા યોગદાનને સન્માન આપવા માટે આ વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચે તે હેતુથી તેમના ચહેરાનું ફેશિયલ રીક્રિએશન ડાયમંડમાં ઉતારવાનો વિચાર કરવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું કે આ પ્રકારનો ડાયમંડ તૈયાર કરવો અત્યંત જટિલ પ્રક્રિયા છે, જેમાં અદ્યતન ટેકનોલોજી, ચોકસાઈપૂર્ણ ડિઝાઇનિંગ અને લાંબા સમયની મહેનત જરૂરી બને છે. લગભગ સાડા ત્રણથી ચાર મહિનાના સતત પ્રયાસો બાદ 10.07 કેરેટનો આ અનોખો ડાયમંડ તૈયાર કરવામાં સફળતા મળી હતી.
લેક્સસ ગ્રુપના ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તેમની કંપની છેલ્લા લગભગ 35 વર્ષથી ડાયમંડ અને ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત છે અને વિશ્વની અનેક અગ્રણી ડાયમંડ કંપનીઓ તેમની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તેમણે જણાવ્યું કે અગાઉ ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા આધારિત ડાયમંડ પર કામ કરતી વખતે આ વિશેષ પ્રોજેક્ટનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ કલ્પેશ દેસાઈ સાથે મળીને હર્ષ સંઘવીના ચહેરાનું પ્રતિબિંબ ધરાવતો ડાયમંડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હતો.

ડાયમંડનું કટિંગ-પોલિશિંગ અને ટેકનિકલ પ્રક્રિયા લેક્સસ ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જ્યારે સમગ્ર ડિઝાઇન અને આયોજન આઈએસડીજે જ્વેલરી કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. તૈયાર થયેલો આ વિશિષ્ટ ડાયમંડ હર્ષ સંઘવીને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો છે. ડાયમંડ પર હર્ષ સંઘવીની સહી પણ લેવામાં આવી છે.