ડ્રગ્સ કેસઃ આર્યન ખાનને જામીન મળ્યા છતા વધુ ઍક રાત જેલમાં જ વિતાવવી પડશે

Spread the love

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને જામીન મળ્યા બાદ શુક્રવાર, 29 ઓક્ટોબરના રોજ બેલ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, બેલ ઓર્ડર સાડા પાંચ વાગ્યા સુધીમાં જેલને મળ્યો નહોતો અને તેથી જ હવે આર્યન ખાન આજે નહીં, પરંતુ આવતીકાલ 30 ઓક્ટોબરે જેલમાંથી બહાર આવશે. આર્યન સહિત ત્રણેય આરોપીને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા. આર્યને ઘણી શરતો પણ માનવી પડશે. ‘મન્નત’માંથી ચાર ગાડી નીકળી હતી અને તેમાંથી એક કારમાં શાહરુખ બેઠો હતો. માનવામાં આવતું હતું કે શાહરુખ દીકરા આર્યનને લેવા આર્થર રોડ જેલ ગયો હતો.


જેલ સૂત્રોના મતે, આર્યન કલાકો સુધી જેલરની ઓફિસમાં સામાન સાથે રાહ જોતો હતો. જોકે, અંતે તેને કહેવામાં આવ્યું કે હવે તે આવતીકાલ, 30 ઓક્ટોબરે સવારે 11 વાગે જેલમાંથી બહાર આવશે.


મુંબઈનો ટ્રાફિક, સેશન્સ કોર્ટની કાર્યવાહી તથા હાઇકોર્ટમાંથી ઓપરેટિવ જજમેન્ટ મોડો આવવાને કારણે આર્યન ખાનને આજે જેલમાંથી બહાર આવી શક્યો નહીં. બોમ્બે હાઇકોર્ટમાં બપોરે અંદાજે 3.30 વાગે આ જજમેન્ટ હાઇકોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યું હતું. નિયમ પ્રમાણે, આ ઓર્ડરની સર્ટિફાઇડ કોપી લઈને સ્પેશિયલ NDPS કોર્ટ જવાનું હતું. આમાં પણ સમય લાગ્યો હતો.