આમ આદમી પાર્ટી મેડિકલ કોલેજની ફી વધારાનો વિરોધ કરે છે અને ફી વધારાને પરત લેવાની માંગણી કરે છે: વિપક્ષ નેતા પાયલ સાકરીયા
BJP: ભાજપ સરકારના રાજમાં આજે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. કમરતોડ મોંઘવારીના સમયમાં લોકોને મોંઘી ફી માંથી રાહત જોઈતી હતી ત્યારે સરકારે એફઆરસી કમિટી બનાવી. ગુજરાતી જનતાને ઉમ્મીદ હતી કે એફઆઇસી કમિટી બન્યા બાદ ફિ ના વધારા પર કંટ્રોલ લાવવામાં આવશે પરંતુ એવું થયું નહીં. સરકારે હાલ મેડિકલ કોલેજની ફિ માં અસહ્ય વધારો કર્યો છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું લગભગ ખતમ થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આમ આદમી પાર્ટી આ ફી વધારાનો વિરોધ કરે છે. આ ફી વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે સુરતમાં કરંજ વિસ્તારમાં પદયાત્રા કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર મોંઘી ફી ના નામે વાલીઓને લૂંટી રહી છે. હકીકતમાં ભાજપની શિક્ષા વિરોધી માનસિકતાના કારણે આજે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ડોક્ટર બનવું લગભગ અશક્ય બની ગયું છે. આજે ભાજપની શિક્ષણ વિરોધી માનસિકતા સમગ્ર ગુજરાતની જનતા સામે છતી થઈ ગઈ છે. અને આમ આદમી પાર્ટી આ કપરી પરિસ્થિતિમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ઊભી છે.
વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સરકારની નીતિનો વિરોધ કર્યો અને ફી વધારાને પાછો ખેંચવા માટે સરકાર સમક્ષ માગણી કરી. અમને આશા છે કે સરકાર ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં રાખીને સરકાર આ અસહ્ય ફી વધારો પાછો ખેંચશે.
આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરો મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી, વિપુલભાઈ સુહાગીયા, શોભનાબેન કેવડિયા, સેજલબેન માલવિયા, મનીષાબેન કુકડીયા, કામરેજ તા.પં. વિપક્ષ નેતા જે.ડી.કથીરિયા, શહેરનાં તમામ પદાધિકારીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.