સતત સાતમા વરસે બોરિવલીમાં ખેલૈયાઓ ડાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના ગરબે ઝૂમશે

By on
In Uncategorized
Spread the love

મુંબઈ. 10 સપ્ટેમ્બર 2024: બોરિવલીમાં બહુપ્રતિક્ષિત નવરાત્રિ ઉત્સવ ડાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક સાથે ઉજવવાની તડામાર તૈયારી ચાલી રહી છે. સતત સાતમા વરસે સ્વર્ગીય શ્રી પ્રમોદ મહાજન મેદાન, બોરિવલી પશ્ચિમ ખાતે ફાલ્ગુની પાઠક પર્ફોર્મ કરશે. આ વરસે પણ ભવ્ય અને ધમાકેદાર નવરાત્રિની ઉજવણી થશે તેમાં શંકા નથી. નવરાત્રિના દસ દિવસના ઉત્સવ દરમિયાન રોજ ત્રીસ હજારથી વધુ ઉત્સાહી ખેલૈયા અહીં નવરાત્રી રમવા પહોંચી જશે.
આજે પૂર્વ સંસદ સભ્ય શ્રી ગોપાળ શેટ્ટી, ધારાસભ્ય શ્રી સુનીલ રાણે, સાઈ ગણેશ વેલફેર અસોસિયેશનના પદાધિકારી અને શોગ્લિટ્ઝ નવરાત્રિના ડિરેક્ટર સંતોષ સિંહ અને સહ-આયોજક નગરસેવક શિવા શેટ્ટી સહિત અન્ય સભ્યો અને સન્માનીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂમિ પૂજનની સાથે મહારાષ્ટ્રના સૌથી મોટા અને ભવ્ય નવરાત્રિના આયોજનની તૈયારીની શરૂઆત થઈ છે, જે 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર 2024 સુધી ચાલશે.

ભૂમિ પૂજન દરમિયાન શ્રી ગોપાળ શેટ્ટીએ ઉત્તર મુંબઈમાં આ પ્રકારના યાદગાર આયોજનના યજમાન બનવા પર ગર્વની લાગણી અનુભવતા હોવાનું જણાવવાની સાથે આ નવરાત્રિને સમારોહના કેન્દ્ર સમાન ગણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, તહેવારોના માધ્યમ દ્વારા સદભાવ અને એકતા જેવી બાબતને પ્રોત્સાહન આપવા પર ભાર મુકાવો જોઇએ. શ્રી શેટ્ટીએ વધુમાં જણાવ્યું કે, બોરિવલીમાં નવરાત્રિ અંબા માતા પ્રત્યેની અમારી ભક્તિનું પ્રતિક છે. અને અમે નવરાત્રિની ઉજવણી ભવ્યતાથી સફળતાપૂર્વક થાય એવું ઇચ્છીએ છીએ.
ધારાસભ્ય શ્રી સુનીલ રાણેએ આ આયોજનને વિશ્વ સ્તરીય ગણાવ્યો હતો. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે દસ દિવસમાં પાંચ લાખથી વધુ માતાજીના ભક્તો આવવાની અપેક્ષા સાથે, બોરિવલીમાં ફાલ્ગુની પાઠકના તાલે યોજાતી નવરાત્રિ મહારાષ્ટ્રના સૌથી ભવ્ય આયોજનોમાંનું એક છે. અમને ગર્વ છે કે અમારું બોરિવલી વિધાનસભા ક્ષેત્ર એના સર્વોકૃષ્ટ નાગરિક સુવિધા માટે ઓળખાય છે. એ સાથે સૌથી ભવ્ય અને લોકપ્રિય નવરાત્રિની ઉજવણી માટે પણ જાણીતું છે. અમે અમારા નાગરિકોને એક અદભુત અનુભવ કરાવવા માટે પ્રતિબદ્ધ છીએ, જ્યાં તેઓ અંબા માતાની ભક્તિની સાથે સુરક્ષિત વાતાવરણમાં ગરબા રમવાનો આનંદ માણી શકે છે. હું આયોજન સમિતિને શુભેચ્છા આપું છું.

સાઈ ગણેશ વેલફેર અસોસિયેશનના પદાધિકારી અને શોગ્લિટ્ઝ નવરાત્રિના ડિરેક્ટર શ્રી સંતોષ સિંહે આયોજનની સફળતાનો શ્રેય માનનીય સંસદસભ્ય અને કેન્દ્રિય પ્રધાન શ્રી પિયુષ ગોયલને આપ્યો હતો. તેમણે કહ્યું કે શ્રી પિયુષ ગોયલના સમર્થન અને પ્રોત્સાહન વિના આ કાર્યક્રમ સંભવિત નહોતો. પિયુષ ગોયલ માત્ર પ્રેરણા સ્રોત જ નથી, પણ અમારી પ્રેરક શક્તિ પણ છે. તેમનું નેતૃત્વ અમારા માટે અમારા માટે અમૂલ્ય છે. તેમના આશીર્વાદથી અમે આ નવરાત્રિને યાદગાર બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

નવરાત્રિ 2024ની રોમાંચક ઝલક

• નવરાત્રિનું આયોજન ૧૩ એકરમાં ફેલાયેલા પ્રમોદ મહાજન મેદાનમાં થઈ રહ્યું છે.

• ગરબા પ્રેમીઓ માટે 2,00,000 ચોરસ ફૂટનો વિશાળ વુડન ડાન્સ ફ્લૉર બનાવવામાં આવશે.

• કાર્યક્રમની સુરક્ષા અને સંચાલન સુચારુ પણે ચાલે એ સુનિશ્ચિત કરવા માટે 400થી વધુ સુરક્ષાકર્મી/બાઉન્સર્સ અને 200થી વધુ સ્વયંસેવક ઉપસ્થિત રહેશે.

• સુરક્ષા માટે કાર્યક્રમ સ્થળે 100 સીસીટીવી અને પીટીઝેડ કેમેરા લગાવવામાં આવશે. ઉપરાંત 1000 કાર માટે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ હશે.

• બુક માય શો પર પાસનું વેચાણ શરૂ થઈ ગયું છે.

આ વરસના કાર્યક્રમમાં સર્વશ્રેષ્ઠ ખેલૈયાને આકર્ષક ઇનામોની સાથે સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ અંગેની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે.
આ કાર્યક્રમ એક સાંસ્કૃતિક ઉત્સવ હશે જેમાં ભક્તિ, નૃત્ય અને મનોરંજનનું મિશ્રણ હશે અને સમગ્ર શહેરથી આવેલા ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરવાનું વચન આપે છે.