Zomatoને આપેલો ઓર્ડર રદ્દ કરવો મહિલાને ભારે પડ્યો, લંચ ને બદલે ખાવો પડ્યો પંચ..

Spread the love

બેંગલુરુ. વ્યસ્ત શિડ્યૂલને કારણે લોકો આજે ખાવા-પીવા માટે પણ ઓનલાઈન ફૂડ ડિલિવરીના આશ્રિત થઈ રહ્યા છે. અત્યારે ઓનલાઈન ફૂડ ડિલિવરી કરનારી ઘણી એપ્લિકેશન લોકોમાં ફેવરિટ થઈ છે. તાજેતરમાં જ આવી એક ઘટના બેંગ્લુરુમાં વર્કિંગ વુમન સાથે બની છે. તેણે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો દ્વારા એક ઓર્ડર કર્યો હતો અને પછી તેની સાથે જે ઘટના બની હતી એ ઘણી આશ્ચર્યજનક હતી.


બેંગ્લુરુની હિતેશા ચંદ્રની કન્ટેન્ટ ક્રિએટર અને મેકઅપ આર્ટિસ્ટ છે. તેણે ઝોમેટો ઉપર ફૂડ ઓર્ડર કર્યું હતું. હકીકતમાં ફૂડ ડિલિવરી લેટ થઈ હોવાને કારણે મહિલાએ તેનો ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. એની થોડીવાર પછી જ ડિલિવરી બોય જમવાનું લઈને ઘરે પહોંચ્યો હતો, પરંતુ જ્યારે મહિલાએ ડિલિવરી લેવાની ના પાડી તો ડિલિવરી બોય એટલો ગુસ્સે થઈ ગયો હતો. ગુસ્સામાં ડિલિવરી બોયે મહિલાના ચહેરા પર એક પંચ મારી દીધો હતો. મહિલાના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. નાકનું હાડકું તૂટી જવા જવાના કારણે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે અને ઓપરેશન કરવું પડશે.


પીડિત મહિલાએ વીડિયા બનાવીને આ ઘટના વિશે બધાને જાણ કરી હતી અને ટૂંક સમયમાં જ આ વીડિયો વાઈરલ થવા લાગ્યો છે. મહિલાએ વીડિયોમાં સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. મહિલાએ જણાવ્યું હતું કે તેણે ઝોમેટો દ્વારા ખાવાનું ઓર્ડર કર્યું હતુ.

ઓર્ડરમાં લેટ થવાને કારણે તેણે કંપનીના કસ્ટમર કેર પર ફોન કર્યો હતો અને ખાવાનું સમયસર ના પહોંચવાને કારણે ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. તે જે સમયે કસ્ટમર કેરમાં વાત કરતી હતી એ સમયે જ ડિલિવરી બોય તેના ઘરે પહોંચ્યો હતો.


મહિલાએ જણાવ્યું હતું કે તેણે અડધો દરવાજો ખોલીને જ ડિલિવરી બોયને ઓર્ડર લેવાનો ઈનકાર કરી દીધો હતો, એને કારણે ડિલિવરી બોય ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. તે મહિલા સાથે દલીલ કરવા લાગ્યો હતો અને પછી તેણે ઘરની અંદર ઘૂસીને ખાવાનું મૂકી દીધું હતું. મહિલાએ જ્યારે ઘરમાં ઘૂસવાનો વિરોધ કર્યો તો ડિલિવરી બોયે તેના પર ગુસ્સો કર્યો અને કહ્યું કે શું તે તેનો નોકર છે, આવું કહીને ડિલિવરી બોયે મહિલાના મોઢા પર એક મુક્કો મારી દીધો હતો.
મહિલાના આરોપ પર ઝોમેટોએ સ્પષ્ટા પણ કરી છે. કંપનીએ કહ્યું હતું કે આ ઘટના માટે અમે માફી માગીએ છીએ. કંપનીના સ્થાનિક અધિકારી તેમનો સંપર્ક કરશે અને પોલીસ તપાસ કે મેડિકલમાં જે પણ સહયોગની જરૂર હશે એ કરવામાં આવશે. એટલું જ નહીં, કંપનીએ તેમને આશ્વાસન પણ આપ્યું છે કે ભવિષ્યમાં આવી ઘટના ફરી ના બને એનું પણ ધ્યાન રાખવામાં આવશે અને આરોપીની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.