છૂટા હાથે અને વગર માસ્કે બાઇક સ્ટન્ટ કરતી યુવતીનો વીડિયો વાઇરલ, પોલીસે અટકાયત કરી

By on
In ગુજરાત ખબર
Spread the love

અમિત પાટીલ. સુરત. બારડોલીથી બાઈક સ્ટન્ટના વીડિયો બનાવવા માટે સુરતના ડુમસ રોડ પર આવીને સ્ટન્ટ કરતી યુવતીનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં છૂટા હાથે બાઈક ચલાવવી અને માસ્ક નહીં પહેરવાને લઈને સુરત પોલીસે સંજના ઉર્ફે પ્રિન્સી પ્રસાદ નામની યુવતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે અટકાયત કરી છે. આ યુવતી સોશિયલ મીડિયામાં પોતાના સ્ટન્ટના વીડિયો અપલોડ કરતી હતી.

સુરતના રસ્તા પર યુવાનો બાઈક પર સ્ટન્ટ કરી પોતાની સાથે રસ્તા પસાર થતા લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે, ત્યારે બે દિવસ પહેલાં જિલ્લાની બ્રિજ પર આવા સ્ટન્ટ કરતો વીડિયો વાઈરલ થયા બાદ ડુમસ રોડ પર પણ એક બાઈક પર યુવતી વગર માસ્કે સ્ટન્ટ કરતી હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. તે સુરતના ડુમસ રોડ પર કેટીએમ સ્પોર્ટ્સ બાઇક પર માસ્ક પહેર્યા વગર છૂટા હાથે હંકારી સ્ટન્ટ કરતી હતી. વીડિયોમાં લાઇટ કલરનું જીન્સ, ટી-શર્ટ અને રેડ કલરનું જેકેટ પહેરેલી યુવતી માસ્ક પહેર્યા વગર છુટા હાથે બિનધાસ્તપણે સ્પીડમાં કેટીએમ બાઇક હંકારતા નજરે પડી રહી હતી. વીડિયોમાં વીઆર મોલ અને તેની આજુબાજુનો વિસ્તાર નજરે પડી રહ્યો હતો.
યુવતીનો સ્ટન્ટ કરતો વીડિયો કોઇક શહેરીજને પોલીસ કંટ્રોલ રૂમમાં મોકલાવ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમને મળતાં આ વીડિયો ઉમરા પોલીસને આપવામાં આવ્યો હતો. પોલીસે કેટીએમ બાઇકના નં. GJ-22-L-9378ના આધારે તપાસ હાથ ધરી હતી. માલિક મોહંમદ બિલાલ રસુલભાઇ ઘાંચી હોવાનું સામે આવતાં પોલીસે તેમનો સંપર્ક કર્યો હતો. મોહંમદ બિલાલે પોતાની બાઇક ડુમસ રોડ પર વીઆર મોલ ખાતે સંજના ઉર્ફે પ્રિન્સી ચંદ્રકિશોર પ્રસાદને ફોટોગ્રાફી અને રાઇડિંગ માટે આપી હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે આ યુવતીને શોધી કાઢી હતી.
સંજના ઉર્ફે પ્રિન્સીએ માસ્ક પહેર્યા વિના બાઇક રાઇડિંગ કરવા બદલ એપેડમિક ડિઝીઝ એક્ટ અને લોકોની જિંદગી ભયમાં મૂકવા બદલ ગુનો નોંધી અટકાયત કરી છે. જોકે યુવતીની પૂછપરછ દરમિયાન તે બારડોલીની રહેવાસી અને કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હોવાનું જણાવ્યું હતું.