ઉત્તરાખંડમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સિવાય એવા મંદિર છે, જ્યાં દેશ જ નહિ વિદેશી ભક્તો પણ પહોંચે છે. આવું જ એક મંદિર છે દેવલગઢનું રાજરાજેશ્વરી સિદ્ધ પીઠ. આ મંદિર શ્રીનગર ગઢવાલથી 18 કિલોમીટર દૂર છે. ભક્તો બારે માસ મંદિરના દર્શન કરી શકે છે. અહીં ગૌરાદેવીની પૂજા કરવામાં આવે છે.
બદ્રીનાથના ધર્માકિધારી ભુવનચંદ્ર ઉનિયાલના જણાવ્યા પ્રમાણે, રાજરાજેશ્વરી સિદ્ધપીઠ આવનારા ભક્તોની ધન, વૈભવ, સુખ સમૃદ્ધિની મનોકામના દેવી મા પૂરી કરી છે. માન્યતા છે કે આ જગ્યાએ ગૌરાદેવીએ લોક કલ્યાણ માટે તપ કર્યું હતું. ઘણા સમયથી રાજરાજેશ્વરી ગઢવાલના રાજાની કૂળદેવી છે. 1512માં ગઢવાલના રાજા અજયપાલે ચાંદપુરગઢીને બદલી દેવલગઢને રાજધાની બનાવવામાં આવી હતી. ત્યારબાદ અજયપાલે ચાંદપુરગઢીથી શ્રીયંત્ર લઈ દેવલગઢ પહોંચ્યાં અને અહીંના મંદિરમાં યંત્રને સ્થાપિત કર્યું. આ સિવાય અહિષમર્દિની યંત્ર અને કામેશ્વરી યંત્ર પણ રાજરાજેશ્વરી મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.દેવી માતાના ભક્ત દેશ જ નહિ વિદેશમાં પણ છે. ભક્તોની માગ પર મંદિરથી પોસ્ટ ઓફિસનાં માધ્યમથી હવન યજ્ઞની ભભૂત અર્થાત ભસ્મ મોકલવામાં આવે છે. વિદેશમાં સાઉદી અરબ, ઓસ્ટ્રેલિયા, લંડન, અમેરિકા જેવા દેશોમાં દેવીમાના અનેક ભક્તો છે.મંદિરની આસપાસનું પ્રાકૃતિક વાતાવરણ અહીં આવનાર ભકતોને ઘણું પસંદ પડે છે. મંદિર બારેમાસ ખૂલ્લું રહે છે. નવરાત્રીમાં અહીં આવનાર ભક્તોની સંખ્યા ઘણી વધી જાય છે.
મંદિરની નજદીકનું એરપોર્ટ દેહરાદૂનનું જૉલી ગ્રાન્ટ એરપોર્ટ છે. અહીંથી મંદિર આશરે 160 કિલોમીટર દૂર છે. મંદિરથી સૌથી નજદીક રેલવે સ્ટેશન કોટદ્રાર આશરે 135 કિલોમીટરનાં અંતરે છે. અહીંથી બસ અથવા કાર દ્વારા મંદિર પહોંચી શકાય છે.