માસ કોમ એન્ડ જર્નાલિઝમની Ph.Dની પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી બંને માધ્યમમાં લેવાશે

Spread the love

સુરત.માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમની પી.એચ.ડીની પ્રવેશ પરીક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ બન્નેમાં લેવા માટે ઇન્ચાર્જ કુલપતિ સમક્ષ રજુઆત થયા બાદ આજે સત્તાવાર પરિપત્ર બહાર પાડીને બન્ને ભાષામાં ઓનલાઇન પરીક્ષા લેવાનું નક્કી કરાયુ હતુ.

નર્મદ યુનિવર્સિટી દ્વારા કોરોનાની સ્થિતિ વચ્ચે ફેબુ્રઆરી એન્ડમાં પી.એચ.ડીની ઓનલાઇન પરીક્ષા લેવાનું આયોજન કર્યુ છે. જેમાં કેટલાક અભ્યાસક્રમોની પરીક્ષા અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષામાં લેવાઇ રહી છે. જયારે માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમની પરીક્ષા અંગ્રેજી માધ્યમમાં જ લેવાતી હોવાથી સેનેટ સભ્ય કનુ ભરવાડે ઇન્ચાર્જ કુલપતિને રજુઆત કરી હતી કે નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યુ છે. અને ખૂબ મોટી સંખ્યામાં પત્રકારો ગુજરાતી માધ્યમમાંથી આવે છે. દક્ષિણ ગુજરાતમાં 95 ટકા કરતા વધુ લોકો ગુજરાતી માધ્યમમાં સમાચારો જોવામાં અને સાંભળવામાં આવે છે. આથી આ બન્ને ની પરીક્ષા અંગ્રેજીની સાથે સાથે ગુજરાતી માધ્યમમાં પણ લેવાઇ તેવી રજુઆત કરાઇ હતી. જેના પગલે આજે નર્મદ યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જારી કરીને માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમની પરીક્ષા આગામી ૨૫ મી ફેબુ્આરીના રોજ બે કલાકે યુનિવર્સિટી લેબ-1 અસેસમેન્ટ બિલ્ડીંગમાં લેવાનું નક્કી કરીને આ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી બન્ને રાખવામાં આવ્યુ છે.