કામરેજ તા.પં.વિપક્ષ નેતા જે.ડી. કથીરિયાની આગેવાનીમાં આજરોજ કામરેજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ વિવિધ સોસાયટીઓના પ્રમુખશ્રીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં રહીશોએ આજે અઠવાલાઈન્સ સ્થિત સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. આ મુદ્દે તા. પં. વિપક્ષ નેતા જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું કે, અમે કામરેજના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરીએ છીએ. છેલ્લા 10 વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતની વસ્તી 3 લાખથી વધુ થઈ ગઈ છે, પરંતુ તે પ્રમાણે નગર આયોજન કરવામાં આવેલ નથી. જેનાથી સમગ્ર કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં નીચે મુજબની ખૂબ મોટી સમસ્યાઓ ઉભી થયેલ છે.
જે.ડી.કથીરિયાએ સમસ્યાઓ જણાવતા કહ્યું કે, રોડ રસ્તાની સમસ્યા પુષ્કળ માત્રા માં છે. મોટે ભાગના રોડ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય છે. શાસકોને અવાર નવાર જાણ કરવાં છતાં તેમના પેટનું પાણી હાલતું નથી. ગ્રામ પંચાયત હસ્તકના ઘણા બધા રસ્તાઓ ઉપર દબાણ કરવાથી કેટલાક રસ્તાઓ આંશિક તો કેટલાક સંપૂર્ણ રીતે બંધ થયેલ છે. આ ઉપરાંત આર એન્ડ બી હસ્તકના તમામ મુખ્ય માર્ગો ચાલવા યોગ્ય નથી અને વાહન ચલાવી શકાય તેવી પરિસ્થિતિમાં તો જરા પણ નથી. આ તમામ સમસ્યાઓ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ ના અભાવના કારણે રાત્રિના સમયે સામાન્ય રાહદારીઓને ચાલવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને રોજે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
પીવાના પાણી અને ગટરની સમસ્યા બાબતે જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું કે, કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં તમામ સોસાયટીઓમાં બોરવેલ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પાણી ક્ષારયુક્ત તેમજ ખરાબ ક્વોલિટી નું હોવાથી લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ રહેલ છે. ગટર વ્યવસ્થા માટે કામરેજ ગ્રામ પંચાયત અને સુડા દ્વારા ભૂતકાળમાં વસ્તીને ધ્યાનમાં લીધા વગર આડેધડ રીતે ગટર લાઈનો નાખવાથી ખૂબ ખરાબ હાલત સમગ્ર કામરેજ વિસ્તારની થઈ રહી છે.
તમામ મુખ્ય માર્ગો પર ગટર ઉભરાવાથી તેમજ મોટાભાગની સોસાયટીઓની અંદર ગટરના પાણીના ભરાવાના કારણે ગંદકી ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે, જે વિસ્તાર માટે જોખમી બની શકે છે.
જે.ડી.કથીરિયાએ રખડતા ઢોર અને ગંદકીની સમસ્યાઓ બાબતે ખૂબ જ આકરા સ્વરે જણાવ્યું હતું કે, કામરેજ વિસ્તાર ના તમામ મુખ્ય માર્ગો જાહેર તબેલાઓ હોય તે રીતે સમગ્ર વિસ્તારમાં રખડતા ઢોર અડીંગો જમાવી 24 કલાક બેસી રહે છે. આ ઉપરાંત કોઈપણ સમયે જાહેર રોડ ઉપર રખડતા ઢોર ની ફાઈટ શરૂ થઈ જવાથી વાહન ચાલકો સાથે અકસ્માતની ઘટનાઓ બને છે અને ઘણી ઘટનાઓમાં જીવ ગુમાવવાનો પણ બનાવ બનેલ છે.
આ રખડતા ઢોરને દૂર કરવા માટે છેલ્લા 10 વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતને અસંખ્ય રજૂઆતો કરવા છતાં એક પણ વખત યોગ્ય કામગીરી કરી રખડતા ઢોર પકડવામાં આવેલ નથી.
આ ઉપરાંત કામરેજ ગ્રામ પંચાયત દ્વારા તમામ સોસાયટીઓમાં કચરાના ટ્રેક્ટર નિયમિત રીતે આવતા નથી જેથી જાહેર માર્ગો પર કચરાના ઢગલાઓ થતા સમગ્ર વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહેલ છે અને આ કચરાની આજુબાજુમાં રખડતા ઢોર અડિંગો જમાવી બેસી રહે છે જે ખૂબ મોટી સમસ્યા છે.
જે.ડી.કથીરિયાએ વધુમાં સમસ્યાઓ જણાવતા કીધું કે, કામરેજ ગ્રામ પંચાયત અને સુડા વચ્ચે સંકલન નો અભાવ તેમજ તમામ અધિકારીઓને નિષ્ક્રિયતાને લીધે સમગ્ર વિસ્તારમાં તમામ મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર બાંધકામ દબાણ તેમજ કામરેજ ચાર રસ્તા અને બાપા સીતારામ ચોકડી પર ગેરકાયદેસર શાકમાર્કેટ , ફ્રુટ માર્કેટ ના લીધે આ રસ્તાઓ સંપૂર્ણ રીતે બ્લોક થયેલ છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત હસ્તકના જુના રસ્તા એક પણ ખુલ્લા નથી જેથી આ તમામ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે.
કામરેજમાં ટી.પી.સ્કીમ નો અભાવ છે. કામરેજ ગ્રામ પંચાયત વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદને અડીને આવેલો વિસ્તાર હોવા છતાં નવાગામ અને ખોલવડ ની જેમ ટીપી સ્કીમ નો અમલ કામરેજ વિસ્તારમાં કરવામાં આવેલ ન હોવાથી વસ્તીના પ્રમાણમાં રોડ રસ્તાઓ ખુલ્લા થયેલ નથી. આ ઉપરાંત વિસ્તારમાં શાકમાર્કેટ, આંગણવાડી, હેલ્થ સેન્ટર ,શાળા, બાગ બગીચાઓ, જાહેર વાંચનાલય, જાહેર સૌચાલય વગેરેનો સંપૂર્ણ અભાવ છે. જેનાથી આ સંપૂર્ણ વિસ્તાર ભારત દેશની બહારનો કોઈ જંગલ પ્રદેશ હોય તેવું વાતાવરણ નિર્માણ પામેલ છે ,જેથી આ વિસ્તારની અંદર તાત્કાલિક ટીપી સ્કીમ નો અમલ કરવામાં આવે તેવી વિનંતી છે.
અંતમાં જેડી. કથીરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતના વિસ્તાર માં ખૂબ વધારો થયેલ છે તેમ જ વસ્તી 3 લાખ જેટલી થઈ ગયેલ છે પરંતુ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચ અને તલાટીની અણઆવડત અને નિષ્ક્રિયતાનો ભોગ સામાન્ય લોકો બની રહ્યા છે.
છેલ્લા દસ વર્ષમાં પ્રાથમિક સુવિધાઓ માટેની અસંખ્ય રજૂઆતો કરવા છતાં એક પણ સમસ્યાનું યોગ્ય નિરાકરણ અને કાયમી ઉકેલ લાવવામાં ગ્રામ પંચાયત તદ્દન નિષ્ફળ ગયેલ છે, જેથી તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયતને બરખાસ્ત કરી આ વિસ્તારને મહાનગરપાલિકામાં ફેરવવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે.
તેમજ તમામ ઓથોરિટી વચ્ચે સંકલન નો અભાવ હોવાનું પણ જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું. કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં સુડા ,સિંચાઈ વિભાગ, આરએન્ડબી, નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ એસએમસી દ્વારા વિવિધ પ્રોજેક્ટ અમલમાં છે. પરંતુ આ તમામ ઓથોરિટી નો એકબીજા સાથે સંકલન નો અભાવ હોવાથી કામરેજ ચાર રસ્તા ની આજુબાજુમાં એક પણ સર્વિસ રોડ ખુલ્લો નથી, કામરેજ ચાર રસ્તા થી દાદા ભગવાન મંદિર તરફ જવા માટે તેમજ કામરેજ ચાર રસ્તા થી પેસિફિક હોટલ તરફ જવા માટે લોકોને ફરજિયાત મેઈન રોડ પર રોંગ સાઈડમાં જીવના જોખમ એ જવું પડે છે. આ ઉપરાંત તમામ ઓથોરિટી દ્વારા પોતાની જવાબદારી બીજા વિભાગ પર ઢોળવાના કારણે છેલ્લે સમસ્યાનો ભોગ કામરેજ વિસ્તારના નાગરિકોને બનવાનું આવી રહ્યું છે. જેથી આ તમામને દૂર કરી અને તમામ વહીવટ સુરત મહાનગરપાલિકા હસ્તક કરવામાં આવે, જેથી વિસ્તારને યોગ્ય ન્યાય મળી રહે તેમ જ મોટાભાગની સમસ્યાઓનો કાયમી નિકાલ થઈ શકે તેમ છે.
છેલ્લા દસ વર્ષમાં કામરેજ વિસ્તારને સમસ્યાઓથી મુક્ત કરવા માટે સોસાયટીના અગ્રણીઓ, વિસ્તારના જાગૃત નાગરિકો તેમજ વિવિધ સમિતિઓ દ્વારા વારંવાર તમામ કક્ષાએ તેમજ સરપંચ થી લઇ સંસદ સુધીના તમામ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને રજૂઆતો કરવા છતાં એક પણ અધિકારી કે ચૂંટાયેલા જન પ્રતિનિધિએ આ વિસ્તારની સમસ્યાને ધ્યાને લીધું નથી જેથી આ સમગ્ર વિસ્તાર ખૂબ ગંભીર કક્ષાની પરિસ્થિતિ માં પહોંચી ગયેલ છે અને લોકો માનસિક રીતે થાકી ગયા છે.
કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ બાબતે જેડીકથીરિયાએ વાત આગળ જણાવી હતી કે, સમગ્ર વિસ્તાર ની વસ્તીમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થવા છતાં જાહેર પરિવહનની કોઈ વ્યવસ્થા ન હોવાથી આડેધડ પાર્કિંગ, માથાભારે અસામાજિક તત્વોના અડ્ડાઓ, કાયદા અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ ના કારણે સામાન્ય નાગરિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે
આ તમામ સમસ્યાઓના ઉકેલ માટે તેમજ સમગ્ર વિસ્તારને પ્રાથમિક સુવિધાઓ નો લાભ મળે તે માટે કલેક્ટર શ્રી સમક્ષ મુખ્ય અને એકમાત્ર માંગણી એવી કરી કે આ વિસ્તારને સુરત મહાનગરપાલિકામાં તાત્કાલિક અસરથી ભેળવવામાં આવે તેમ જ આ વિસ્તારની ટીપી સ્કીમો ખોલી અને સમગ્ર વિસ્તારને સમસ્યાઓથી મુક્ત કરવામાં આવે.
જે.ડી.કથીરિયાએ કલેક્ટરશ્રી ને કહ્યું હતું કે, અમારા વતી આપશ્રીના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી સમક્ષ રજૂઆત કરશો તેવી સમગ્ર વિસ્તારના તમામ નાગરિકોની અપીલ હતી.