“હીના કહે છે કે, ગુજરાતી ફિલ્મોની મોર્ડન સ્ટોરી, ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ, રિમિક્સ, ડિસ્કો અને મધુર ગીત-સંગીત બોક્સ ઓફિસ પર દર્શકોને આકર્ષી રહી છે. આ ટ્રેન્ડ ઇન્ડસ્ટ્રીના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે સારા સંકેત છે.”
સુરત :“વીતેલાં દોઢ દશક દરમિયાન, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. એક્શન, હોરર, સસ્પેન્સ થ્રીલર, કોમેડી કે સમાજને એક સારો મેસેજ આપતી ફિલ્મ હોય, ઇનોવેટિવ આઇડિયા આધારિત અનેક ગુજરાતી ફિલ્મોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર ચાહના મેળવી છે. નવા કોન્સેપ્ટ સાથેની મોર્ડન ટોપિક આધારિત ફિલ્મોએ દર્શકોમાં સ્વીકૃતિ મેળવીને બોક્સ ઓફિસ પર ડંકો વગાડ્યો છે. આજે વર્ષ દરમિયાન, સરેરાશ નાની-મોટી 100 જેટલી ગુજરાતી ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું છે. યુવા ફિલ્મ નિર્માતાઓ પોતાની પ્રતિભા, સર્જનાત્મકતા અને ફિલ્મ નિર્માણ પ્રત્યેના જુસ્સા સાથે ગ્લોબલ સિનેમેટિક એક્સેલેન્સનો પરિચય કરાવી રહ્યા છે, જે હકીકતમાં ગુજરાતી સિનેમાના ઉજ્જવળ ભવિષ્યની પ્રતિતિ કરાવે છે.” આ ઉદગાર સુરતની ઉભરતી અભિનેત્રી હીના જયકિશને વ્યક્ત કર્યા છે.
હીના, વર્ષ 2020 પછી 5 વર્ષના સમયગાળા દરમિયાન વિવિધ 12 ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે. તેઓ હાલમાં જ રજૂ થયેલી ગુજરાતી કોમેડી ડ્રામા ફિલ્મ ‘ચણીયા ટોળી’માં તેમના પર્ફોર્મન્સ અને દર્શકો પાસેથી મળેલી સરાહનાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હીના કહે છે કે, મનોરંજનથી ભરપૂર આ ફિલ્મે તેની રિલીઝ પછી પહેલાં સપ્તાહમાં 10 કરોડથી વધુનું ઐતિહાસિક કલેક્શન મેળવ્યું છે. સુરતની હીના સિનેમા ઉદ્યોગમાં કેરિયર ડેવલપમેન્ટને લઈને ખૂબ જ સકારાત્મક અભિગમ ધરાવે છે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ, તેમાં રહેલી તકો, ફિલ્મોના પ્રમોશન અને આજની આધુનિક ફિલ્મો અંગે હીનાએ પોતાના વિચારો શેર કર્યા છે.
પ્રશ્ન : તમારા કેરિયર, એક્ટિંગ અને સ્ક્રીનના અનુભવ અંગે જણાવશો.
હીના : મેં વર્ષ 2015માં સુરતમાં ભગવાન મહાવીર કોલેજમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યાર પછી હું મુંબઈમાં આઇટી કંપનીમાં જોડાઈ હતી. એક્ટિંગ ક્ષેત્રે મારું કોઈ બેકગ્રાઉન્ડ નથી. જોકે, એક્ટિંગમાં મને પહેલેથી જ રુચિ રહી છે. જોબમાંથી સમય કાઢીને વિકેન્ડ દરમિયાન, હું ઓડીશન આપતી રહેતી હતી. મેં મોડેલિંગ ઉપરાંત કેટલાક સોંગ્સમાં પર્ફોર્મન્સ આપવા સાથે કેટલીક એડ ફિલ્મોમાં પણ કામ કર્યું. મારા કામની પ્રશંસા થઈ અને મને પ્રોત્સાહન મળ્યું ત્યાર પછી મેં એક્ટિંગ અને ફિલ્મોમાં કેરિયર ડેવલપ કરવાનું નક્કી કર્યું. મેં જોબ છોડી દીધી અને એક્ટિંગમાં કેરિયર બનાવવાના નિર્ધાર સાથે ઓડિશન આપવાનું શરૂ કર્યું. જોકે તે વખતે વર્ષ 2020માં કોરોના દરમિયાન દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. છ મહિના સુધી કોઈ કામ ન હતું. જોકે, હું ઘરેથી જ ઓનલાઈન ઓડિશન આપતી રહેતી હતી અને મને એક ગુજરાતી ફિલ્મ ‘કહી દે ને પ્રેમ છે’ માં કામ કરવાની તક મળી હતી. મારા કામની સરાહના થઈ અને મને અનેક ફિલ્મોમાં કામ કરવાનો અવસર મળ્યો. પાંચ વર્ષમાં મેં અત્યાર સુધી 12 ફિલ્મોમાં અભિનય કર્યો છે. મેં એક હિન્દી ફિલ્મમાં પણ અભિનય કર્યો છે, જે આગામી જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે.

પ્રશ્ન : તમે ભજવેલી યાદગાર ભૂમિકાઓ કંઈ છે.?
હીના : કહી દે ને પ્રેમ છે, નાસૂર, વેલકમ પૂર્ણિમા, ચાર ફેરાનું ચકડોળ, વિશ્વગુરુ, કચ્છ એક્સપ્રેસ, મારું મન તારું થયું, મીરાં વગેરે મારી ફિલ્મો છે. એવોર્ડ વિજેતા ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ એ મારી મુખ્ય અને મનગમતી ફિલ્મ છે. આ ઉપરાંત, ફિલ્મ ‘મીરા’ ની ભૂમિકા મારી માટે ખૂબ ચેલેન્જીંગ હતી. હું એ ભૂમિકાને પૂરો ન્યાય આપી શકી તેનો મને ખરેખર ખૂબ જ ગર્વ છે.
પ્રશ્ન : તમને આગળ કેવો રોલ કરવાની ઈચ્છા છે.?
હીના : હું માનું છું કે, હાલમાં સિનેમામાં મહિલાઓ માટે પરિવર્તનશીલ યુગની શરૂઆત છે. ગુજરાતી હોય કે હિન્દી, હાલમાં મહિલાઓ ફિલ્મોમાં ખુબજ પડકારજનક અને મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહી છે. મારી પોતાની વાત કરું તો, મને આગળ એક આઇપીએસ ઓફિસર, સસ્પેન્સ અને પૌરાણિક-ઐતિહાસિક ફિલ્મોમાં મુખ્ય રોલ કરવાની ઈચ્છા છે.
પ્રશ્ન : ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને યુવાવર્ગને તેમાં કેરિયર ડેવલપમેન્ટ અંગેની તકો અંગે શું કહેશો.?
હીના : ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હાલમાં સારો એવો ગ્રોથ કરી રહ્યો છે. વર્ષ દરમિયાન નાની મોટી 100 જેટલી ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું છે. ઘણી ફિલ્મોએ દર્શકો પાસેથી સારી ચાહના મેળવી છે. મોર્ડન વિષયોને આવરી લેતી અનેક ગુજરાતી ફિલ્મો ગ્રામીણ દર્શકોની સાથે-સાથે હવે શહેરી, ઉચ્ચ વર્ગ, યુવાનો અને મલ્ટીપ્લેક્સ પ્રેક્ષકોને આકર્ષી રહી છે. ટેકનોલોજીકલ પરિવર્તન સાથે ગુજરાતી ફિલ્મોના વાર્તા કથન અને માર્કેટિંગમાં મોટો ફેરફાર થયો છે. મોટી સંખ્યામાં યુવા ડિરેક્ટરો, કલાકારો, ગીતકારો, સંગીતકારો સહિત અનેક પ્રોફેશનલોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સફળતાના શિખરો સર કર્યા છે. ગુજરાતી લોકો આજે દેશ દુનિયામાં જઈને વસ્યા છે. જોકે, તેમને પોતાની ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે અનોખો લગાવ છે. ગુજરાતની સંસ્કૃતિ આધારિત ફિલ્મોમાં મોર્ડન ટચ જોવા મળી રહ્યો છે. રિમિક્સ, ડિસ્કો અને મધુર સંગીત દર્શકોને પસંદ આવી રહ્યા છે. ગુજરાતી ફિલ્મોનો ચાહક વર્ગ વધી રહ્યો છે. કેટલીક ફિલ્મોએ સિનેમાઘરોમાં સિલ્વર જુબલી અને ગોલ્ડન જુબલી પણ મનાવી છે. ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય ઉજ્વળ છે, તેમ ચોક્કસ કહી શકાય.
પ્રશ્ન : ગુજરાતી ફિલ્મોના પ્રમોશન માટે નવું શું કરી શકાય.?
હીના : હું માનું છું કે, ગુજરાતી ફિલ્મોના પ્રમોશન માટે હિન્દી અને અંગ્રેજીની જેમ ગુજરાતી વેબ સીરીઝ પણ ડેવલપ કરવી જોઈએ. તેમાં નવા ઉભરતા કલાકારોને પોતાની ટેલેન્ટ બતાવવાનો અવસર મળશે.
પ્રશ્ન : તમને ફિલ્મોમાં કેરિયર માટે પરિવારનો સહયોગ મળ્યો છે.?
હીના : સાચું કહું તો, મારા પરિવારના સપોર્ટને કારણે જ હું ફિલ્મોમાં મારી હાલની જગ્યા બનાવી શકી છું. મારા પિયર પક્ષ અને અને સાસરામાંથી, બંને પરિવારોએ મને પૂરું પ્રોત્સાહન આપ્યું છે.