Tag: abhaytimes

A 35 feet tall Golden Dahi Handi was organized by Youth for Gujarat in Limbayat
લિંબાયતમાં યુથ ફોર ગુજરાત દ્વારા કરાયું 35 ફૂટ ઊંચી ગોલ્ડન દહી હાંડીનું આયોજન

 

સુરત શહેરમાં જન્માષ્ટમી પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણના જન્મોત્સવ બાદ શહેરમાં ઠેર ઠેર દહિહાંડી ફોડવાનું આયોજન થયું હતું. જેમાં યુથ ફોર ગુજરાત દ્વારા સતત બીજા વર્ષે લિંબાયતના સંજય નગર સર્કલ ખાતે આયોજિત દહી હાંડી આકર્ષણનું કેન્દ્ર રહી હતી. 35 ફૂટ ઊંચી ગોલ્ડન દહી હાંડી માટે યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીજ્ઞેશ પાટીલ સાથે જ તેમની ટીમના સભ્ય બંટી પાટીલ અને તેમની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 35 ફૂટ ઊંચી આ દહી હાંડી ફોડનાર મંડળ માટે 1.51 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતી. જ્યારે મહિલા મંડળો માટે પણ અલગથી 20 ફૂટ ઊંચાઈની દહી હાંડી બાંધવામાં આવી હતી. યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીજ્ઞેશ પાટીલે જણાવ્યું હતું કે 35 ફૂટ ઊંચી દહી હાંડી ફોડવા માટે બે મહિલા મંડળો સહિત કુલ 22 ગોવિંદા મંડળો પધાર્યા હતા. જે પૈકી 11 મંડળો સલામી આપવા આવ્યા હતા તો 9 મંડળો દ્વારા દહી હાંડી ફોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દહી હાંડી આ આયોજન માટે લિંબાયત સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા આયોજન સ્થળ પર જન મેદની ઉમટી પડી હતી. ગોવિંદા મંડળો દ્વારા લેઝીમ સહિત અનેક કરતબો રજૂ કરવામાં આવતા તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ધૂમધામ પૂર્વક દહી હાંડી ઉત્સવના પગલે લિંબાયત વિસ્તારમાં માહોલ કૃષ્ણમય બની ગયો હતો.

Even after three months in the school launched by Education Minister Praful Panseria, children are forced to study without textbooks: 'AAP' corporator Mahesh Anaghan
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે લોકાર્પણ થયેલ શાળામાં ત્રણ મહિના બાદ પણ બાળકો પાઠયપુસ્તક વિના ભણવા મજબુર : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ

 

શિક્ષણમંત્રીના વિસ્તારમાં બાળકો ભગવાન ભરોસે ભણવા મજબુર થયાં : મહેશ અણઘણ

આજરોજ આમ આદમી પાર્ટીમાં કોર્પોરેટર મહેશભાઈ અણઘણને ફરિયાદ મળી હતી કે, કઠોદરા પ્રાથમિક શાળામાં મોટેભાગનાં વિદ્યાર્થીઓને પુસ્તકો કે શાળા સામગ્રી મળી નથી. જેથી મહેશભાઈ અણઘણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય શ્રી રાકેશભાઈ હીરપરાએ કઠોદરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. ત્યાં જઈને અને વિદ્યાર્થીઓ સાથે વાત કરતા માલુમ પડ્યું કે લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક વગર અભ્યાસ કરી રહ્યા છે.

આ બાબતે ‘આપ’ કોર્પોરેટર મહેશભાઈ અણઘણે ખેદ વ્યક્ત કરીને શાસકો પર ચાબખા મારતા જણાવ્યું હતું કે, અત્યંત દુઃખની બાબત છે કે શિક્ષણ મંત્રીનાં પોતાના જ મતવિસ્તાર માં બાળકો પાઠ્યપુસ્તક વિના અભ્યાસ કરી રહ્યાં છે. શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ત્રણ મહિના પહેલા જ આ શાળાનું લોકાર્પણ કરેલું હતું અને હજુ બાળકોને શાળા સામગ્રી કે પાઠ્યપુસ્તકો મળ્યા નથી. મહેશભાઈ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, એકબાજુ વાલીઓ પ્રાઇવેટ શાળા છોડાવી સરકારી શાળામાં ભણાવવા તૈયાર થયાં છે અને બીજી બાજુ સરકારી શાળામાં બાળકોને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ નથી કરાવતી. હકીકતમાં ભાજપ સરકાર ઇચ્છતી જ નથી કે, બાળકો સરકારી શાળામાં ભણે. જો સરકારી શાળામાં ભણશે તો પ્રાઇવેટ શાળા સાથેનું સેટિંગ ભાંગી પડશે.

અંતમાં મહેશભાઈ અણઘણે જણાવ્યું હતું કે, શાળા તરફથી પણ વારંવાર રજુઆત કરવામાં આવી છે પરંતુ પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવાની તસ્દી હજુ શાસકો કે તંત્રએ લીધી નથી. હું શિક્ષણ મંત્રીને અપીલ કરું છું કે તાત્કાલિક આ શાળામાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને બીજી જરૂરી સામગ્રીઓ ઉપલબ્ધ કરાવે જેથી બાળકોને ભણવામાં તકલીફ ના પડે અને તેઓનું ભવિષ્ય સુધરે.

ITI Asset Management Company launched Large and Mid Cap Fund
આઇટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપનીએ લાર્જ એન્ડ મીડ કેપ ફંડ લોંચ કર્યું

 

સુરત : આઇટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (આઇટીઆઇ એએમસી)એ આઇટીઆઇ લાર્જ એન્ડ મીડ કેપ ફંડ લોંચ કર્યાંની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ સ્કીમ ઇક્વિટી, ઇક્વિટી સંલગ્ન સિક્યુરિટીઝ એટલે કે મુખ્યત્વે ટોચની 250 કંપનીમાં રોકાણ કરશે. આ સ્કીમ સબસ્ક્રિપ્શન માટે 21 ઓગસ્ટ, 2024ના રોજ ખૂલીને 04 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે.
આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનો ઉદ્દેશ્ય આ ડાયનેમિક સેક્ટરમાં સક્રિયપણે કાર્યરત કંપનીઓમા રોકાણ કરીને લાંબાગાળે મૂડી વૃદ્ધિ ઓફર કરવાનો છે, જેનાથી રોકાણકારો વૈવિધ્યકરણ અને મૂડીમાં વૃદ્ધિ પ્રાપ્ત થઇ શકશે.
આ ફંડને ઇક્વિટી ફંડ મેનેજર્સ વિશાલ જાજૂ અને રોહન કોરડે મેનેજ કરશે, જેઓ 13 વર્ષથી વધુ સમયથી આઇટીઆઇ મ્યુચ્યુઅલ ફંડ સાથે સંકળાયેલા છે તથા માર્કેટની ગાઢ સમજણ ધરાવે છે.
આ ફંડ રોકાણકારોને ભારતની વૃદ્ધિની સંભાવનાઓમાં રોકાણ કરવાની તક પ્રદાન કરશે, જે સ્ટ્રક્ચરલ, કલ્ચરલ અને ડિજિટલ ફેક્ટર્સ દ્વારા સંચાલિત છે. શહેરીકરણ અને આવકના સ્તરમાં વધારાને પરિણામે સંગઠિત માર્કેટ તરફ પરિવર્તનને કારણે વૃદ્ધિને વેગ મળી રહ્યો છે. નાના પરિવારો દ્વારા ખર્ચમાં વધારો થતાં સાંસ્કૃતિક પ્રભાવ જોવા મળી રહ્યો છે, જે ઉચ્ચ વપરાશમાં પરિણમ્યું છે.
આઇટીઆઇ એએમસીના ફંડ મેનેજર વિશાલ જાજૂએ જણાવ્યું હતું કે, વિશ્વમાં ભારત સૌથી ઝડપી વૃદ્ધિ સાધતી અર્થવ્યવસ્થા પૈકીની એક છે અને ટોચની કંપનીઓ દ્વારા ઓફર કરાતી કમાણીની તક માટે તે પ્રીમિયમ જાળવી રાખશે. ફંડ હાઉસ તરીકે અમે શેર પસંદ કરવામાં બોટમ અપ અભિગમને અનુસરીએ છીએ. આ સેક્ટરમાં ઘણી કંપનીઓ મજબૂત ઓર્ડર બુક ધરાવે છે તથા આગામી 2-3 વર્ષમાં સારી આવકની સંભાવના ધરાવે છે. તેનાથી આગામી સમયમાં આ કંપનીઓના રિટર્ન રેશિયોમાં નોંધપાત્ર સુધારાની સંભાવના છે.
આ સ્કીમ માટે લઘુત્તમ રૂ. 5,000ની અરજી કરવાની રહેશે તથા રોકાણકાર લઘુત્તમ રૂ. 500ની રકમ સાથે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા પણ રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં કોઇપણ એન્ટ્રી લોડ ચાર્જીસ રહેશે નહીં તથા જો રોકાણકાર યુનિટની ફાળવણી તારીખથી ત્રણ મહિના પહેલાં યુનિટ રિડિમ કરે અથવા સ્વિચ આઉટ કરે તો 0.5 ટકા એક્ઝિટ લોડ રહેશે.

Bus carrying passengers from Jalgaon in Maharashtra falls into river in Nepal, 27 dead
મહારાષ્ટ્રના જલગાંવથી મુસાફરોને લઈને જતી બસ નેપાળમાં નદીમાં પડી, 27ના મોત

 

આ કરૂણ અકસ્માતમાં મૃત્યુ પામનારમાં ભુસાવલના 17 મુસાફરો સામેલ હતા.

સુરત. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભુસાવલ તાલુકામાંથી મુસાફરોને લઈને જતી બસ નેપાળની નદીમાં પડી હતી. આ દુર્ઘટનામાં 27 મુસાફરોના મોત થયા હતા. તે જ સમયે, 16 મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે. બસમાં 43થી વધુ મુસાફરો સવાર હતા.

બસ નેપાળના પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. ત્યારબાદ તનહુન જિલ્લાના આઈના પહાડામાં સવારે 11.30 વાગ્યે તે હાઈવેથી લગભગ 500 ફૂટ નીચે નદીમાં પડી ગઈ હતી. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો મહારાષ્ટ્રના ભુસાવલના રહેવાસી હતા. બધા નેપાળ ફરવા ગયા હતા. તનાહુનના મુખ્ય જિલ્લા અધિકારી જનાર્દન ગૌતમે જણાવ્યું કે કેટલાક ઘાયલોનું સારવાર દરમિયાન મોત થયું છે.

નેપાળ પોલીસ, આર્મ્ડ પોલીસ ફોર્સ અને નેપાળ આર્મી શોધ અને બચાવ કામગીરી કરી રહી છે. 45 આર્મ્ડ પોલીસ ફોર્સ (APF) ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. નેપાળ આર્મીનું MI-17 હેલિકોપ્ટર મેડિકલ ટીમને લઈને કાઠમંડુથી તનાહુન પહોંચ્યું હતું. ગંભીર રીતે ઘાયલ 16 મુસાફરોને એરલિફ્ટ કરીને કાઠમંડુ લઈ જવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ભુસાવલ તહસીલના વરણગાંવ અને પિંપલગાંવથી 104 પ્રવાસીઓ નેપાળની દસ દિવસની યાત્રા પર ગયા હતા. તેઓ રેલવે દ્વારા ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજ પહોંચ્યા. આ પછી અમે ખાનગી ટ્રાવેલ એજન્સીની ત્રણ બસમાં નેપાળ જવા નીકળ્યા. નેપાળના

બસ નેપાળ ના બે દિવસના પ્રવાસ બાદ કાઠમંડુ તરફ જઈ રહી હતી ત્યારે ત્રણમાંથી એક બસ નદીમાં પડી ગઈ હતી. તમને જણાવી દઈએ કે મૃતકોમાં 17 મુસાફરો ભુસાવલના હતા. હાલ તમામ મૃતદેહો નેપાળથી મહારાષ્ટ્ર લાવવાના પ્રયાસો ચાલુ છે. સમગ્ર ઘટના અંગે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર સતત નેપાળ સરકારના સંપર્કમાં છે.

AAP corporators led by opposition leader Payal Sakaria staged a protest before the Surat Municipal Corporation General Assembly.
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં ‘આપ’ કોર્પોરેટરોએ વિરોધ પ્રદર્શન કર્યું

 

મત માટે ડબલ એન્જીન, કામ માટે અલગ એન્જીન કેમ? : આમ આદમી પાર્ટી

જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં મોદીજીની સરકાર બચાવવા માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો, યોજનાઓને ગ્રાન્ટ – સહાય આપે છે અને સુરત આજે ગ્રાન્ટ માટે વલખા મારે છે : ‘આપ’

આજરોજ સુરત મનપાની સામાન્ય સભા મળી હતી. જેમાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, શાસકો ડબલ એન્જીનની સરકારના નામે પ્રચાર તો કરે છે પરંતુ સુરત માટે ગ્રાન્ટ લાવવામાં શાસકો નિષ્ફળ નિવાડ્યા છે. એક જ પાર્ટીની શહેર, રાજ્ય અને કેન્દ્ર એમ ત્રણેય જગ્યાએ સરકાર હોવા છતાં સુરત શહેર ગ્રાન્ટ માટે તરસી રહ્યું છે. છેલ્લા છ થી આઠ વર્ષ પહેલાં પણ જે યોજનાઓ મંજુર થઈ તેની ગ્રાન્ટ સુરત મનપાની ગ્રાન્ટ હજુ પડતર અવસ્થામાં પડેલી છે. છેલ્લા બે – ત્રણ કે ચાર વર્ષ પહેલાંની જેમાં સ્વર્ણિમ યોજના હોય, અમૃતમ યોજના હોય કે અન્ય કોઈ યોજનાઓ હોય., આ તમામ યોજનાઓની જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ પૂરેપૂરી સુરત મહાનગરપાલિકા ને અલગ અલગ પ્રોજેક્ટો માટે મળવા પાત્ર છે તે ગ્રાન્ટ મળતી નથી. વિપક્ષ આમ આદમી પાર્ટી એ માંગ કરે છે કે સુરત શહેરની પડતર એ તમામ ગ્રાન્ટ સત્વારે પુરી કરવામાં આવે. આ જ સુરત શહેર માંથી રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ બંનેને જીએસટી, કરવેરા અન્ય તમામ આવકો મળી ને લગભગ 25000 કરોડ થી વધુ રૂપિયા જાય છે અને એ જ સુરત શહેરને દર વર્ષે 3000 થી 3500 કરોડ ની ગ્રાન્ટ ની જરૂર હોય છે ત્યારે માંગવામાં આવતી ગ્રાન્ટ પણ સમયસર આપવામાં નથી આવતી. જેથી ડબલ એન્જીનની સરકારની વાતો કરતી ભાજપના તમામ પદાધિકારીઓ, સાંસદો, મંત્રીઓને આમ આદમી પાર્ટી નિવેદન કરે છે કે સુરતની જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ પુરી પડાવવામાં આવે. આ તો ઉલ્ટા નું એક ની એક સરકાર બનાવવાના કારણે સુરત શહેરને અન્યાય થયો જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં નરેન્દ્ર મોદીજીની સરકાર બચાવવા માટે 17-17 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટો, યોજનાઓને મંજૂરીઓ, ગ્રાન્ટ, સહાય આપી દે છે. આ સુરત શહેર ભાજપને વર્ષોથી દરેક જગ્યાએ સહયોગ કરતું આવ્યું છે એ સુરત આજે ગ્રાન્ટ માટે વલખા મારે છે. શું સુરત મહાનગરપાલિકાના શાસકો નમાલા અને કાયર છે તેમની સરકાર હોવા છતાં મુખ્યમંત્રીશ્રી કે પ્રધાનમંત્રીશ્રી કે કોઈ પણ મંત્રી ને ગ્રાન્ટ માટે રજુઆત સુદ્ધા પણ કરી શક્યા નથી? આજે સુરત ગ્રાન્ટ માટે લટકી રહ્યું છે ત્યારે ફરી ફરી વાર વિનંતી છે કે સુરત શહેરને ગ્રાન્ટ પુરી પાડવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સુરત મહાનગરપાલિકાના મહત્વના પ્રોજેકટ એવા નવું વહીવટી ભવન, સ્મીમેરમાં નવા એજ્યુકેશન બ્લોક, તાપી બેરેજની ગ્રાન્ટ આપવામાંથી સરકારે લેખિતમાં હાથ ખંખેરી નાખ્યા છે ત્યારે વિપક્ષે આજ રોજ સામાન્ય સભા પહેલા “મત માટે ડબલ એન્જીન, કામ માટે અલગ એન્જીન કેમ?”, “ગ્રાન્ટ ન મળવાના કારણે પ્રોજેક્ટોના ખર્ચ વધશે તેના માટે જવાબદાર કોણ?”, “ડબલ એન્જીન સરકાર માં એક એન્જીન કેમ ખોરંભે ચડાવવું પડ્યું?” જેવા પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

After the killing of a youth in Limbayat, the enraged mob demolished the compound wall built around the land...
લિંબાયતમાં યુવકની હત્યા બાદ રોષે ભરાયેલા લોકટોળાએ જમીન ફરતે બનાવેલી કમ્પાઉન્ડ વોલ તોડી પાડી…

 

રક્ષાબંધનના દિવસે જ ચાકુ મારી યુવકની કરાઈ હતી હત્યા

હત્યાના વિરોધમાં પરિજનો અને લોક ટોળાએ લીંબાયત પોલીસ સ્ટેશનનો કર્યો હતો ઘેરાવો..

પોલીસે બળ પ્રયોગ કરી લોકોને વિખેર્યા હતા

ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો

પૈસાની લેતી દેતી મામલે થયો હતો ઝઘડો

લિંબાયતના નીલગીરી રેલ્વે ફાટક પાસે રક્ષાબંધનના દિવસે થયેલી યુવકની કરપીણ હત્યા બાદ લોકોમાં ભારે ભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. મંગળવારે રાત્રે સ્થાનિક લોકો દ્વારા જે જગ્યાએ યુવકની હત્યા થઈ હતી તે જગ્યા ની ફરતે બનાવવામાં આવેલી કમ્પાઉન્ડ વોલને તોડી પાડવામાં આવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ પડતર જગ્યામાં છેલ્લા ઘણા સમયથી દારૂ જુગારના અડ્ડા ઓ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલે છે, ત્યારે કમ્પાઉન્ડ વોલની અંદર ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે લોકો દ્વારા કમ્પાઉન્ડ વોલ ને જ ધરાશાયી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રક્ષાબંધનના દિવસે રોહન પાટીલ નામના 19 વર્ષીય યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા લિંબાયત પોલીસ મથકનો ઘેરાવ કરી પોલીસ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ લિંબાયત પોલીસ દ્વારા બુટેલગરોને છાવરવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવતા લિંબાયત પોલીસની ભૂમિકા સામે સવાલ ઉભા થયા છે.

To merge Kamrej into the Surat Municipal Corporation, T.P. Under the leadership of opposition leader J.D. Kathiria, the application was given to the collector
કામરેજને સુરત મહાનગરપાલિકામાં ભેળવવા માટે તા.પં. વિપક્ષ નેતા જે.ડી.કથીરિયાની આગેવાનીમાં કલેક્ટરને આવેદન અપાયું

 

કામરેજ તા.પં.વિપક્ષ નેતા જે.ડી. કથીરિયાની આગેવાનીમાં આજરોજ કામરેજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ વિવિધ સોસાયટીઓના પ્રમુખશ્રીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં રહીશોએ આજે અઠવાલાઈન્સ સ્થિત સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. આ મુદ્દે તા. પં. વિપક્ષ નેતા જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું કે, અમે કામરેજના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરીએ છીએ. છેલ્લા 10 વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતની વસ્તી 3 લાખથી વધુ થઈ ગઈ છે, પરંતુ તે પ્રમાણે નગર આયોજન કરવામાં આવેલ નથી. જેનાથી સમગ્ર કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં નીચે મુજબની ખૂબ મોટી સમસ્યાઓ ઉભી થયેલ છે.

જે.ડી.કથીરિયાએ સમસ્યાઓ જણાવતા કહ્યું કે, રોડ રસ્તાની સમસ્યા પુષ્કળ માત્રા માં છે. મોટે ભાગના રોડ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય છે. શાસકોને અવાર નવાર જાણ કરવાં છતાં તેમના પેટનું પાણી હાલતું નથી. ગ્રામ પંચાયત હસ્તકના ઘણા બધા રસ્તાઓ ઉપર દબાણ કરવાથી કેટલાક રસ્તાઓ આંશિક તો કેટલાક સંપૂર્ણ રીતે બંધ થયેલ છે. આ ઉપરાંત આર એન્ડ બી હસ્તકના તમામ મુખ્ય માર્ગો ચાલવા યોગ્ય નથી અને વાહન ચલાવી શકાય તેવી પરિસ્થિતિમાં તો જરા પણ નથી. આ તમામ સમસ્યાઓ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ ના અભાવના કારણે રાત્રિના સમયે સામાન્ય રાહદારીઓને ચાલવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને રોજે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

પીવાના પાણી અને ગટરની સમસ્યા બાબતે જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું કે, કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં તમામ સોસાયટીઓમાં બોરવેલ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પાણી ક્ષારયુક્ત તેમજ ખરાબ ક્વોલિટી નું હોવાથી લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ રહેલ છે. ગટર વ્યવસ્થા માટે કામરેજ ગ્રામ પંચાયત અને સુડા દ્વારા ભૂતકાળમાં વસ્તીને ધ્યાનમાં લીધા વગર આડેધડ રીતે ગટર લાઈનો નાખવાથી ખૂબ ખરાબ હાલત સમગ્ર કામરેજ વિસ્તારની થઈ રહી છે.
તમામ મુખ્ય માર્ગો પર ગટર ઉભરાવાથી તેમજ મોટાભાગની સોસાયટીઓની અંદર ગટરના પાણીના ભરાવાના કારણે ગંદકી ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે, જે વિસ્તાર માટે જોખમી બની શકે છે.

જે.ડી.કથીરિયાએ રખડતા ઢોર અને ગંદકીની સમસ્યાઓ બાબતે ખૂબ જ આકરા સ્વરે જણાવ્યું હતું કે, કામરેજ વિસ્તાર ના તમામ મુખ્ય માર્ગો જાહેર તબેલાઓ હોય તે રીતે સમગ્ર વિસ્તારમાં રખડતા ઢોર અડીંગો જમાવી 24 કલાક બેસી રહે છે. આ ઉપરાંત કોઈપણ સમયે જાહેર રોડ ઉપર રખડતા ઢોર ની ફાઈટ શરૂ થઈ જવાથી વાહન ચાલકો સાથે અકસ્માતની ઘટનાઓ બને છે અને ઘણી ઘટનાઓમાં જીવ ગુમાવવાનો પણ બનાવ બનેલ છે.
આ રખડતા ઢોરને દૂર કરવા માટે છેલ્લા 10 વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતને અસંખ્ય રજૂઆતો કરવા છતાં એક પણ વખત યોગ્ય કામગીરી કરી રખડતા ઢોર પકડવામાં આવેલ નથી.

આ ઉપરાંત કામરેજ ગ્રામ પંચાયત દ્વારા તમામ સોસાયટીઓમાં કચરાના ટ્રેક્ટર નિયમિત રીતે આવતા નથી જેથી જાહેર માર્ગો પર કચરાના ઢગલાઓ થતા સમગ્ર વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહેલ છે અને આ કચરાની આજુબાજુમાં રખડતા ઢોર અડિંગો જમાવી બેસી રહે છે જે ખૂબ મોટી સમસ્યા છે.

જે.ડી.કથીરિયાએ વધુમાં સમસ્યાઓ જણાવતા કીધું કે, કામરેજ ગ્રામ પંચાયત અને સુડા વચ્ચે સંકલન નો અભાવ તેમજ તમામ અધિકારીઓને નિષ્ક્રિયતાને લીધે સમગ્ર વિસ્તારમાં તમામ મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર બાંધકામ દબાણ તેમજ કામરેજ ચાર રસ્તા અને બાપા સીતારામ ચોકડી પર ગેરકાયદેસર શાકમાર્કેટ , ફ્રુટ માર્કેટ ના લીધે આ રસ્તાઓ સંપૂર્ણ રીતે બ્લોક થયેલ છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત હસ્તકના જુના રસ્તા એક પણ ખુલ્લા નથી જેથી આ તમામ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે.

કામરેજમાં ટી.પી.સ્કીમ નો અભાવ છે. કામરેજ ગ્રામ પંચાયત વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદને અડીને આવેલો વિસ્તાર હોવા છતાં નવાગામ અને ખોલવડ ની જેમ ટીપી સ્કીમ નો અમલ કામરેજ વિસ્તારમાં કરવામાં આવેલ ન હોવાથી વસ્તીના પ્રમાણમાં રોડ રસ્તાઓ ખુલ્લા થયેલ નથી. આ ઉપરાંત વિસ્તારમાં શાકમાર્કેટ, આંગણવાડી, હેલ્થ સેન્ટર ,શાળા, બાગ બગીચાઓ, જાહેર વાંચનાલય, જાહેર સૌચાલય વગેરેનો સંપૂર્ણ અભાવ છે. જેનાથી આ સંપૂર્ણ વિસ્તાર ભારત દેશની બહારનો કોઈ જંગલ પ્રદેશ હોય તેવું વાતાવરણ નિર્માણ પામેલ છે ,જેથી આ વિસ્તારની અંદર તાત્કાલિક ટીપી સ્કીમ નો અમલ કરવામાં આવે તેવી વિનંતી છે.

અંતમાં જેડી. કથીરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતના વિસ્તાર માં ખૂબ વધારો થયેલ છે તેમ જ વસ્તી 3 લાખ જેટલી થઈ ગયેલ છે પરંતુ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચ અને તલાટીની અણઆવડત અને નિષ્ક્રિયતાનો ભોગ સામાન્ય લોકો બની રહ્યા છે.
છેલ્લા દસ વર્ષમાં પ્રાથમિક સુવિધાઓ માટેની અસંખ્ય રજૂઆતો કરવા છતાં એક પણ સમસ્યાનું યોગ્ય નિરાકરણ અને કાયમી ઉકેલ લાવવામાં ગ્રામ પંચાયત તદ્દન નિષ્ફળ ગયેલ છે, જેથી તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયતને બરખાસ્ત કરી આ વિસ્તારને મહાનગરપાલિકામાં ફેરવવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે.

તેમજ તમામ ઓથોરિટી વચ્ચે સંકલન નો અભાવ હોવાનું પણ જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું. કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં સુડા ,સિંચાઈ વિભાગ, આરએન્ડબી, નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ એસએમસી દ્વારા વિવિધ પ્રોજેક્ટ અમલમાં છે. પરંતુ આ તમામ ઓથોરિટી નો એકબીજા સાથે સંકલન નો અભાવ હોવાથી કામરેજ ચાર રસ્તા ની આજુબાજુમાં એક પણ સર્વિસ રોડ ખુલ્લો નથી, કામરેજ ચાર રસ્તા થી દાદા ભગવાન મંદિર તરફ જવા માટે તેમજ કામરેજ ચાર રસ્તા થી પેસિફિક હોટલ તરફ જવા માટે લોકોને ફરજિયાત મેઈન રોડ પર રોંગ સાઈડમાં જીવના જોખમ એ જવું પડે છે. આ ઉપરાંત તમામ ઓથોરિટી દ્વારા પોતાની જવાબદારી બીજા વિભાગ પર ઢોળવાના કારણે છેલ્લે સમસ્યાનો ભોગ કામરેજ વિસ્તારના નાગરિકોને બનવાનું આવી રહ્યું છે. જેથી આ તમામને દૂર કરી અને તમામ વહીવટ સુરત મહાનગરપાલિકા હસ્તક કરવામાં આવે, જેથી વિસ્તારને યોગ્ય ન્યાય મળી રહે તેમ જ મોટાભાગની સમસ્યાઓનો કાયમી નિકાલ થઈ શકે તેમ છે.

છેલ્લા દસ વર્ષમાં કામરેજ વિસ્તારને સમસ્યાઓથી મુક્ત કરવા માટે સોસાયટીના અગ્રણીઓ, વિસ્તારના જાગૃત નાગરિકો તેમજ વિવિધ સમિતિઓ દ્વારા વારંવાર તમામ કક્ષાએ તેમજ સરપંચ થી લઇ સંસદ સુધીના તમામ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને રજૂઆતો કરવા છતાં એક પણ અધિકારી કે ચૂંટાયેલા જન પ્રતિનિધિએ આ વિસ્તારની સમસ્યાને ધ્યાને લીધું નથી જેથી આ સમગ્ર વિસ્તાર ખૂબ ગંભીર કક્ષાની પરિસ્થિતિ માં પહોંચી ગયેલ છે અને લોકો માનસિક રીતે થાકી ગયા છે.

કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ બાબતે જેડીકથીરિયાએ વાત આગળ જણાવી હતી કે, સમગ્ર વિસ્તાર ની વસ્તીમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થવા છતાં જાહેર પરિવહનની કોઈ વ્યવસ્થા ન હોવાથી આડેધડ પાર્કિંગ, માથાભારે અસામાજિક તત્વોના અડ્ડાઓ, કાયદા અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ ના કારણે સામાન્ય નાગરિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે

આ તમામ સમસ્યાઓના ઉકેલ માટે તેમજ સમગ્ર વિસ્તારને પ્રાથમિક સુવિધાઓ નો લાભ મળે તે માટે કલેક્ટર શ્રી સમક્ષ મુખ્ય અને એકમાત્ર માંગણી એવી કરી કે આ વિસ્તારને સુરત મહાનગરપાલિકામાં તાત્કાલિક અસરથી ભેળવવામાં આવે તેમ જ આ વિસ્તારની ટીપી સ્કીમો ખોલી અને સમગ્ર વિસ્તારને સમસ્યાઓથી મુક્ત કરવામાં આવે.
જે.ડી.કથીરિયાએ કલેક્ટરશ્રી ને કહ્યું હતું કે, અમારા વતી આપશ્રીના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી સમક્ષ રજૂઆત કરશો તેવી સમગ્ર વિસ્તારના તમામ નાગરિકોની અપીલ હતી.

The mutilated body of a 17-year-old boy was found on the railway track near Dindoli gate...
ડિંડોલી ફાટક પાસે રેલ્વે ટ્રેક પરથી 17 વર્ષીય તરૂણનો કપાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો…

 

આ મામલે રેલવે તંત્ર ગંભીર જણાતું નથી

શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં રેલ્વે ટ્રેક પરથી એક તરુણનો કપાઈ ગયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે રેલ્વે પોલીસ દ્વારા હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રેલ્વે પોલીસના જણાવ્યા મુજબ મરણજનાર ડિંડોલી ખાતે આવેલા યોગેશ્વર નગર ખાતે રહેતો હોવાનું અને તેની ઉંમર 17 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. ડિંડોલી ફાટક પાસે આ ઘટના બની છે ત્યારે ટ્રેન ઓળંગવા જતા આ ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ડિંડોલી ફાટક પાસે ટ્રેન નીચે અકસ્માતે કપાઈ જવાની ઘટનાઓ છાશવારે સામે આવતી હોવા છતાં આ મામલે રેલ્વે તંત્ર ગંભીર જણાતું નથી પરિણામે વધુ એક ઘટના સામે આવી છે ત્યારે લોકોમાં આ મામલે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.

A unique demonstration at Surat Civil against the incident of rape and murder of Kolkata train doctor
કોલકત્તા ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડર ની ઘટનાના વિરોધમાં સુરત સીવીલ ખાતે અનોખુ પ્રદર્શન

 

નવી સિવિલ હોસ્પિટલ ખાતે હડતાળ પર ઉતરેલા તબીબોએ રક્તદાન કરી નોંધાવ્યો વિરોધ…

કોલકાતા ખાતે ટ્રેની ડોકટર સાથે રેપ વિથ મર્ડરની ઘટના બાદ દેશભરના તબીબોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ જઘન્ય કૃત્ય આચરનાર આરોપીઓને કડક શિક્ષા કરવા સાથે તબીબોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગણી સાથે રેસીડેંટ ડોકટરો હડતાળ પર છે. સુરત ખાતે પણ નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના રેસીડેન્ટ અને જુનિયર તબીબો છેલ્લા છ દિવસથી હડતાળ પર છે. ત્યારે આજરોજ હડતાળ પર ઉતરેલા તબીબોએ રક્તદાન કરીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે આંદોલન કરી રહેલા તબીબોએ રક્તદાન કરીને ન્યાયની માંગણી વધુ બુલંદ કરી હતી.

A factory making cleaner liquids including fake soap was caught in Sarthana.
સરથાણામાં નકલી સાબુ સહિત ક્લીનર લિકવેડ બનાવતી ફેક્ટરી ઝડપાઇ…

 

શું સુરત ડુપ્લીકેટ પ્રોડક્ટનું હબ રહ્યું છે

સુરત. શહેરમાં વિવિધ વસ્તુઓની નકલ કરી નકલી વસ્તુઓ બનાવવાનો ધંધો મોટા પાયે ફેલાઈ રહ્યો છે. બુધવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પોલીસે મળીને નકલી ઉત્પાદનો બનાવતી આવી જ એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. બંને વિભાગની ટીમે સરથાણા વિસ્તારમાં દરોડા પાડી શકે બ્રાન્ડેડ કંપનીઓની લિક્વિડ ક્લીનર પ્રોડક્ટની નકલ કરીને ડુપ્લીકેટ પ્રોડેક્ટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી નકલી ઉત્પાદનો અને કાચો માલ સહિત રૂ. 4 લાખથી વધુનો સામાન જપ્ત કર્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, એક બ્રાન્ડેડ કંપનીએ ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી કે સુરતમાં તેમની પ્રોડક્ટની નકલ કરીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. માહિતીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સરથાણા પોલીસની મદદથી ફેક્ટરીમાં દરોડો પાડીને હાર્પિક, ડેટોલ જેવી પ્રખ્યાત બ્રાન્ડની નકલી પ્રોડક્ટ્સ મળી આવી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીઓ ફેક બ્રાન્ડની નકલ કરીને નકલી સાબુ, લિક્વિડ ક્લીનર જેવા ઉત્પાદનો બનાવીને અસલી તરીકે વેચતા હતા. ઘટનાસ્થળેથી 4 લાખથી વધુની કિંમતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ કોપી રાઈટ એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.