સુરત. સુરતનો ઉભરતો સિતારો બેડમિન્ટન ખેલાડી અને મનીત પાહુજા એકેડમી સાથે સંકળાયેલા વિવાન શાહે બિહારમાં યોજાયેલી પ્રતિષ્ઠિત યોનેક્સ સનરાઇઝ ૩૭મી સબ જુનિયર રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં અન્ડર-૧૩ બોયઝ સિંગલ્સ વર્ગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ત્રીજું સ્થાન મેળવી કાંસ્ય પદક જીત્યું છે. તેમની આ સિદ્ધિથી સુરત તેમજ ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે.
સુરત સ્થિત મનીત પાહુજા બેડમિન્ટન અકાદમીમાં મળતા ઉચ્ચ સ્તરીય તાલીમનું પ્રતિનિધિત્વ કરતા વિવાને આ સફળતા હાંસલ કરી છે. તેમની આ સિદ્ધિ તેમની કઠોર મહેનત, અવિરત લગન અને કોચીસના માર્ગદર્શનનું પરિણામ છે. આ ટૂર્નામેન્ટમાં વિવાનને રેન્કિંગના આધારે પાંચમું સ્થાન મળ્યું હતું.

આ અગાઉ પણ વિવાને અનેક રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. તેમણે મુંબઈમાં યોજાયેલી એક ઓલ ઇન્ડિયા રેન્કિંગ ટૂર્નામેન્ટમાં અન્ડર-૧૩ બોયઝ સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. ઉપરાંત બેંગલુરુમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા રેન્કિંગ બોયઝ ડબલ્સ સ્પર્ધામાં વિજેતા રહ્યા હતા, જ્યારે ગોવામાં યોજાયેલી ઓલ ઇન્ડિયા રેન્કિંગ બોયઝ ડબલ્સ ટૂર્નામેન્ટમાં ઉપવિજેતા રહ્યા હતા.
વિવાને આ સફળતા માટે પોતાના સ્કૂલ સ્કોલર ઇંગ્લિશ અકાદમી, ડુમસનો સહયોગ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે.