
મહિને લાખો રૂપિયા પગાર લેતા આર.એમ.ઓ. શુ માત્ર કમિશનો ખાવા જ બેસાડ્યા છે ? : ‘આપ’ કોર્પોરેટર રચનાબેન હિરપરા નો સણસણતો સવાલ
કાયમની બેદરકારી બદલ કોઈ અઘટિત ઘટના બનશે તો એના જવાબદાર સ્મિમેર તંત્ર જ હશે : રચનાબેન હીરપરા
આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટર મહેશભાઈ અણઘણ અને વિપક્ષ દંડક રચનાબેન હીરપરાએ સુરતની અતિ વિવાદાસ્પદ હોસ્પિટલ સ્મિમેરની મુલાકાત લેતા ત્યાંના દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યા હતાં. મહેશભાઈ અણઘણનાં જણાવ્યા મુજબ એક દર્દી છેક ત્રીજા માળેથી યુરિન બેગ લટકાવેલી હાલતમાં એકસ રે પડાવવા જતો જોવા મળ્યો હતો. દર્દીની હાલત ખૂબ જ કફોડી હતી. તેને પૂછતાં માલુમ પડ્યું કે, તે દર્દી બે દિવસથી વોર્ડમાં એડમીટ છે અને ત્રીજા માળે તેનો વોર્ડ આવેલો છે. અને સ્મિમેરનાં જાડી ચામડીનાં તંત્રએ તેને છેકે ત્રીજા માળેથી ચાલીને એકસ રે કઢાવવા મજબૂર કર્યો હતો.
રચનાબેન હિરપરાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, સ્મિમેરમાં અધિકારી હોય કે લાગતા વળગતા સ્ટાફ હોય, સૌને માત્ર કમીશન ખાવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે. મહિને લાખો રૂપિયાનો પગાર લેતા આર.એમ.ઓ. શું માત્ર કમિશનો ખાવા જ બેસાડ્યા છે ? તેવો સણસણતો આક્ષેપ રચનાબેન હિરપરા એ કર્યો હતો. સાથે તેવું લણ ઉમેર્યું કે, હજજારો દર્દીઓ સ્મિમેરમાં સારવાર માટે આવતા હોય છે પરંતુ સ્મિમેરમાં દાખલ દર્દીની સારવાર રામ ભરોસે ચાલી રહી હોય તેમ સ્પષ્ટ દ્રશ્યમાન છે.
વિપક્ષ દંડક રચનાબેન હીરપરાએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, દર્દી ચાલુ ઇલાજે બહાર જઈ શકે તો રસ્તામાં કોઈ ડોક્ટર, નર્સિંગ કે સિક્યુરિટી સ્ટાફ કોઈને દેખાયું નહિ હોય? કે પછી કોઈને પણ પોતાની ડ્યુટી નિભાવવામાં રસ નથી..? સ્મિમેરનાં તંત્ર અને સ્ટાફને વારંવારની સૂચનાઓ આપવા છતાં પણ સુધારવાનું નામ નથી લેતા. જો કોઈ અઘટિત ઘટના બનશે તો એના જવાબદાર સ્મિમેર તંત્ર જ હશે તેવું સ્પષ્ટ શબ્દોમાં રચનાબેન હીરપરાએ જણાવ્યું હતું.