નવી સિવિલના ઈમરજન્સી વિભાગની બહાર સર્વન્ટ હાજર નહિ રહેતા ભારે હાલાકી

Servants are not present outside the emergency department of New Civil, it is a serious situation.
Spread the love

કામરેજના શ્રમજીવી પરિવારના સગા ભાઈ-બહેનને કોલેરા થયો હતો, જેમાં બહેનનું મોત થયું તો બીજા બાળકને વધુ સારવાર માટે નવી સિવિલમાં લઈને આવ્યાં

સુરત: નવી સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં વર્ગ-4ના કર્મચારીઓની મનમાની વધી રહી છે. એસઆઈની નિષ્ફળ કામગીરીની પગલે સર્વન્ટ ચાલુ નોકરીએ પોતાની જગ્યાએ હાજર જ હોતા નથી. જેને પગલે ઈમરજન્સી વિભાગમાં 108 એમ્બ્યુલન્સ સહિતના વાહનોમાં આવતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. મંગળવારે સવારે કામરેજથી 1 વર્ષના બાળકની કોલેરાની સારવાર માટે આવેલા પરિવારને નવી સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો. કામરેજ સીએચસીથી રીફર કરવામાં આવેલા દર્દીને 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં 1વર્ષના બાળકને ઓક્સિજનની જરૂરત હતી. પરતું હોસ્પિટલના ઈમરજન્સી વિભાગની બહાર કોઈ સર્વન્ટ હાજર નહિ હતું. તેમજ ઓક્સિજન વાળું સ્ટ્રેચર પણ નહિ હતું. જેથી માતા પોતે બાળકને વગર ઓક્સિજન સારવાર માટે હોસ્પિટલની અંદર લઈને દોડી હતી. માતા સાથે 108ના ઈએમટી ડોકટર પણ દર્દીને સાથે દોડ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કામરેજ તાલુકાના કુમકુમ રેસીડેન્સી પાસે આવેલ હળપતિવાસમાં કરણ ભીલ, પત્ની, બે પુત્ર તેમજ એક પુત્રી સાથે રહે છે. કરણ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના સંતાનમાં 3 વર્ષની પુત્રી પ્રિયાંસી તેમજ 1 વર્ષનો પુત્ર વિકેશ ઉર્ફે રિકેશને સોમવારે સાંજે ઝાડા-ઉલટી થવા લાગ્યા હતા. મંગળવારે સવારે પ્રીયાંસીની તબિયત લથડતાં બને ભાઈ-બહેનને સારવાર માટે કામરેજ સીએચસી ખાતે લઈને ગયા હતા. જ્યાં બંનેને કોલેરાના લક્ષણ હોવાની સંભાવના સાથે સારવાર આપવામાં આવી રહી હતી. સારવાર દરમિયાન પ્રીયાંસીનું મોત નિપજ્યું હતું. જેથી કામરેજ સીએચસીથી 1 વર્ષના વિકેશને વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફ્રર કરી દેવામાં આવ્યો હતો. જેથી ઓક્સિજન સાથે 108 એમ્બ્યુલન્સમાં વિકેશને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ઈમરજન્સી વિભાગની બહાર 108 એમ્બ્યુલન્સના ઈએમટી, પાયલોટ તેમજ પરિવારજનો ઓક્સિજન સ્ટ્રેચર અને સર્વન્ટને આવાજ લગાવી રહ્યા હતા. તેમ છતાં ત્યાં કોઈપણ સર્વન્ટ આવ્યો નહિ હતો. તેમજ ઓક્સિજન સ્ટ્રેચર પણ હાજર નહિ હતું. જેથી 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ સાથે પરિવાર મુસીબતમાં મુકાઈ ગયો હતો. રાહ જોયા બાદ છેલ્લે માતાએ બાળકને ગોડીમાં લઈ લીધો અને એની સાથે એમ્બ્યુલન્સના ઈએમટી દોડીને બાળકને ઈમરજન્સી વિભાગમાં સારવાર માટે લઈને ગયા હતા. જ્યાં બાળકને ઓક્સિજન પર રાખીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકને દાખલ કરી દેવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની તબિયત સારી હોવાની માહિતી જાણવા મળી હતી. હાલ બાળકને કોલેરાની સંભાવના વચ્ચે સારવાર આપવામાં આવી રહી છે. તેમજ પ્રીયાંસીનું મોત કોલેરાથી થયું હોવાની વાત પરિવારે કહી હતી.