‘પ્રિઝ્મા 1.0’માં શાળાના બાળકો રજૂ કરશે સ્ટાર્ટઅપ, તાઈવાનના રોબોટ સાથે થશે સીધી વાતચીત
સુરત. ડિજિટલ યુગમાં વધતા ‘કૉપી-પેસ્ટ’ કલ્ચરથી બાળકોને બહાર કાઢી તેમને મૌલિક વિચાર, ઇનોવેશન અને વ્યવહારુ અનુભવ સાથે જોડવાના હેતુથી સ્કોલર ઇંગ્લિશ એકેડમી (CBSE) દ્વારા સુરતમાં એક અનોખો શૈક્ષણિક કાર્યક્રમ એટલે કે ઇનોવેશન ફેસ્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી 4 જાન્યુઆરી, રવિવારના રોજ સિટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટરમાં ‘પ્રિઝ્મા 1.0’ નામથી યોજાનારા આ ઇનોવેશન ફેસ્ટ દ્વારા શાળાના બાળકો ભવિષ્યની ઝલક રજૂ કરશે. બપોરે 3 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ચાલનારો આ કાર્યક્રમ સુરતના તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.
આયોજકોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ માત્ર પ્રદર્શન નથી, પરંતુ બાળકોની વિચારશક્તિ, કલ્પનાશક્તિ અને આત્મવિશ્વાસને મંચ આપવાનો પ્રયાસ છે.
આ અંગે સ્કોલર ઇંગ્લિશ એકેડમીના ટ્રસ્ટી રાજેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગને કારણે બાળકોમાં સ્વયં વિચારવાની અને પ્રયોગ કરવાની પ્રવૃત્તિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પડકારને ધ્યાનમાં રાખીને ‘પ્રિઝ્મા 1.0’ને સંપૂર્ણપણે ઓફલાઈન પ્રવૃત્તિઓ પર આધારિત રાખવામાં આવ્યો છે, જ્યાં બાળકો પોતાના હાથોથી તૈયાર કરેલા સાયન્સ પ્રોજેક્ટ્સ, એઆઈ મોડલ્સ અને ઇનોવેટિવ આઈડિયાઝ રજૂ કરશે.
કાર્યક્રમની ખાસ બાબત એ રહેશે કે શાળાના બાળકો પ્રથમ વખત મંચ પરથી પોતાના સ્ટાર્ટઅપ અને બિઝનેસ આઈડિયાઝ સામાન્ય લોકો સામે રજૂ કરશે. સાથે જ તાઈવાનથી આવનાર એક વિશેષ રોબોટ બાળકો સાથે વાતચીત કરશે અને તેમની સાથે ફોટો પણ ખેંચાવશે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ જ કાર્યક્રમમાં એકેડમીના નાનાં વિદ્યાર્થીઓ પોડકાસ્ટ અંતર્ગત શહેરના ક્લાસ-1 અધિકારીઓ અને જનપ્રતિનિધિઓના લાઈવ ઈન્ટરવ્યુ લેશે, જેને પોડકાસ્ટ સ્વરૂપે રજૂ કરવામાં આવશે. બાળકોની સર્જનાત્મકતાને મંચ આપવા માટે આર્ટ ગેલેરી પણ તૈયાર કરવામાં આવશે, જેમાં તેમની બનાવેલી પેઇન્ટિંગ્સ અને કલાકૃતિઓનું પ્રદર્શન થશે.
ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સાથે કાર્યક્રમમાં સાંસ્કૃતિક રંગ પણ જોવા મળશે. એમ્ફિથિયેટરમાં આખો સમય સિંગિંગ, ડાન્સ અને નાટક જેવા કાર્યક્રમો ચાલતા રહેશે, જેથી આ આયોજન માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ પારિવારિક મનોરંજનનું કેન્દ્ર પણ બનશે.
આયોજકોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ કોઈ એક સ્કૂલ સુધી સીમિત નથી, પરંતુ તેને સમગ્ર શહેર માટે ‘ઓપન ફોર ઑલ’ રાખવામાં આવ્યો છે. ભૂગર્ભ પાર્કિંગ અને સાયન્સ સેન્ટરનું ખુલ્લું વાતાવરણ તેને રવિવારે સપરિવાર ફરવા, શીખવા અને બાળકોની પ્રતિભા જોવા માટે ઉત્તમ તક બનાવે છે.
રીલ જોવા માટેની એક અનોખી સ્પર્ધા પણ યોજાશે, સાથે જ ડોક્ટરોની ટીમ પોતાનો રિપોર્ટ પણ રજૂ કરશે.