સુરત. સાર્વજનિક યુનિવર્સિટીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ (SU-RDC) દ્વારા તારીખ ૫ અને ૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ “R&D Awareness and Capacity Building” વિષય પર બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણક્ષેત્રના અધ્યાપકો, સંશોધન વિદ્વાનો, વિદ્યાર્થીઓ તથા ઉદ્યોગજગત સાથે જોડાયેલા વ્યાવસાયિકોમાં સંશોધન અને વિકાસ અંગે જાગૃતિ ફેલાવવી તેમજ તેમની સંશોધન ક્ષમતાઓને મજબૂત બનાવવાનો આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ હતો.
વર્કશોપનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન સત્રમાં સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલ તથા પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડયા, STPL (Sahajanand Technologies Private Limited)ના ડિરેક્ટર શ્રી રાહુલ ગાયવાલા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ સંશોધન આધારિત શિક્ષણ અને યુનિવર્સિટીમાં R&D સંસ્કૃતિ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
વર્કશોપના પ્રથમ સત્રમાં IIT મંડીના સ્કૂલ ઓફ કમ્પ્યુટિંગ એન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર અર્ણવ ભાવસારે R&D પ્રક્રિયા, પ્રોજેક્ટ પ્રસ્તાવ તૈયાર કરવાની રીત, ફંડિંગના વિવિધ સ્ત્રોતો અને સંશોધન માટે ઉપલબ્ધ સંસાધનો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
નિરમા યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સના પ્રોફેસર ડૉ. વિજય કોઠારીએ સંશોધન ગ્રાન્ટ માટે પ્રસ્તાવ કેવી રીતે તૈયાર કરવો, ફંડિંગ એજન્સીઓની અપેક્ષાઓ અને સફળ પ્રપોઝલના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જ્યારે એમ.એસ. યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસર ડૉ. દેવર્ષિ ગજ્જરે સંશોધન પ્રપોઝલ લખાણ અને સબમિશન પ્રક્રિયા અંગે વ્યવહારુ માહિતી આપી હતી.
આ ઉપરાંત આઇપી સિક્યુર સર્વિસિસના સ્થાપક ડૉ. (Er.) અનિશ ગાંધી દ્વારા બૌદ્ધિક સંપત્તિ અધિકાર (IPR), પેટન્ટ ફાઇલિંગ, ટેક્નોલોજી ટ્રાન્સફર અને સંશોધન પરિણામોને સુરક્ષિત રાખવાના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

SVNIT, સુરતના પ્રોફેસર ડૉ. ધીરેન પટેલે ભારત માટે ડીપ-ટેક ઇનોવેશનની તકો અને પડકારો પર પ્રકાશ પાડ્યો હતો.
સહજનંદ મેડિકલ ટેક્નોલોજીઝના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અંકુર રાવલ તથા સિનિયર મેનેજર શ્રી પાર્થ નાયકે ઉત્પાદન જીવનચક્ર (Production Life Cycle) વિષય પર ખાસ કરીને સ્ટેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાને ઉદાહરણરૂપ રજૂ કરી હતી. SVNITના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર ડૉ. હર્ષિત દવેએ સંશોધન ગ્રાન્ટ મેળવવાની પ્રક્રિયા, તેની વ્યાપકતા અને મંજૂરીની રીતો અંગે માહિતી આપી હતી.
વર્કશોપના અંતિમ સત્રમાં સહજનંદ ટેક્નોલોજીઝ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી રાહુલ ગાયવાલાએ ટેક્નોલોજી કોમર્શિયલાઇઝેશન, લાઇસન્સિંગ અને ટેક્નોલોજી ટ્રાન્સફર માટેની વ્યૂહરચનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
વર્કશોપ અંતર્ગત R&D પ્રક્રિયા, સ્પોન્સર્ડ અને સીડ ગ્રાન્ટ પ્રપોઝલ, ડીપ-ટેક ઇનોવેશનના પડકારો, પ્રોટોટાઇપ વિકાસ અને તેની માન્યતા જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ ચર્ચા કરવામાં આવશે. આ વર્કશોપથી સંશોધકો અને વિદ્યાર્થીઓને સંશોધન ક્ષેત્રે નવી દિશા અને પ્રેરણા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.