રક્ષાબંધન પર વૃક્ષો બન્યા ‘ભાઈ’, દીકરીઓ બની રક્ષક વી.એન. ગોધાણી સ્કૂલની 70 દીકરીઓએ 70 વૃક્ષોને રાખડી બાંધી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

Spread the love

સુરત: રક્ષાબંધનના પવિત્ર પર્વને માત્ર ભાઈ-બહેનના સ્નેહના પર્વ પૂરતું સીમિત ન રાખી, વૃક્ષો સાથે ભાવનાત્મક સંબંધ જોડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વી.એન. ગોધાણી ઇંગ્લિશ સ્કૂલની 70 દીકરીઓએ રક્ષાબંધનના એક દિવસ અગાઉ ધોળકિયા ગાર્ડન ખાતે 70 વૃક્ષોને રાખડી બાંધી વૃક્ષોની રક્ષા અને જતનનો સંકલ્પ લીધો હતો.

આ અનોખા કાર્યક્રમનું આયોજન આજરોજ સવારે 10 વાગ્યે ધોળકિયા ગાર્ડન ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દરેક દીકરીએ પોતાના ફાળવાયેલા વૃક્ષને ચાંદલો કરી આરતી ઉતારી હતી અને ત્યારબાદ તેને રાખડી બાંધી હતી. આ સાથે દીકરીએ પોતાના વૃક્ષોની જાળવણીની જવાબદારી પણ સ્વીકારી હતી.

આ માટે દીકરીઓના વૃક્ષો અગાઉથી નક્કી કરવામાં આવ્યા હતા અને વૃક્ષોના કદ પ્રમાણે રાખડીઓ પણ ખાસ તૈયાર કરવામાં આવી હતી.

કાર્યક્રમ અંગે ભાવેશભાઈ લાઠીયાએ જણાવ્યું હતું કે આ આયોજન પાછળનો મુખ્ય વિચાર એ છે કે જેમ રક્ષાબંધનના દિવસે ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. એ જ ભાવનાને આગળ વધારી આ વર્ષે દીકરીઓએ વૃક્ષોની રક્ષા અને સંભાળનો સંકલ્પ લીધો છે. વૃક્ષો સાથે માત્ર પર્યાવરણના દૃષ્ટિકોણથી નહીં, પરંતુ લાગણી અને આત્મીયતાનો સંબંધ વિકસે તે આ પહેલનો મુખ્ય હેતુ છે.”

સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી દિવ્યાબેન ગજ્જરે જણાવ્યું કે, “વૃક્ષો વાવ્યા બાદ તેનું જતન કરવું એટલું જ મહત્વનું છે. લોકો જ્યારે વૃક્ષો સાથે ભાવનાત્મક રીતે જોડાય છે ત્યારે તેના સંરક્ષણની ભાવના વધુ મજબૂત બને છે.”

– ‘એક પેડ મા કે નામ’ સાથે જોડાશે પહેલ

સ્કૂલના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા એ જણાવ્યું કે, આપણી ધરતીને હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની વિચારધારાને આગળ ધપાવતાં તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનથી પ્રેરણા લઈને આ અનોખી પહેલ કરવામાં આવી છે. વૃક્ષારોપણ સાથે તેના સંરક્ષણ અને જતનને પણ જનઆંદોલનનું સ્વરૂપ મળે તેવો આ પ્રયાસ છે.

– ‘દર વર્ષે મારા વૃક્ષને રાખડી બાંધીશ’

આ પહેલને લઈને શાળાની દીકરીઓમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક દીકરીઓએ પોતાના વૃક્ષ સાથેનો આ સંબંધ દર વર્ષે રક્ષાબંધનના પર્વે રાખડી બાંધીને જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આમ, એક દિવસના કાર્યક્રમને બદલે વર્ષો સુધી ચાલે તેવું વૃક્ષ અને બાળક વચ્ચેનું ભાવનાત્મક જોડાણ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

– વૃક્ષારોપણ બાદ હવે જતન પર ભાર

ગોવિંદકાકા દર વર્ષે મોટી સંખ્યામાં વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ સાથે હવે વૃક્ષોના જતન અને સંરક્ષણને પણ એટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. કતારગામ વિસ્તારમાં ‘ગ્રીન લાઇન્સ’ નામ પણ ગોવિંદકાકાની હરિયાળી પ્રત્યેની વિચારધારા સાથે જોડાયેલું છે. ગોધાણી સ્કૂલ તરફ જતી ગલીને પણ ‘ગ્રીન લાઇન્સ’ નામ આપવામાં આવ્યું છે.

– પર્યાવરણ શિક્ષણનું જીવંત ઉદાહરણ

આ પહેલ માત્ર રક્ષાબંધનની ઉજવણી નથી, પરંતુ બાળકોમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ, જવાબદારી અને સંરક્ષણની ભાવના વિકસાવતું જીવંત શિક્ષણ છે. દીકરીઓ પોતાના વૃક્ષને નિયમિત જોવે, તેની સંભાળ લે અને વર્ષો સુધી તેની સાથે જોડાય તેવો આ પ્રયાસ આગામી પેઢીમાં વૃક્ષ સંરક્ષણની સંસ્કૃતિ વિકસાવવામાં મહત્વપૂર્ણ બની શકે છે.

“વૃક્ષ વાવવું એ શરૂઆત છે, પરંતુ તેને ઉછેરવું અને જાળવવું એ સાચી જવાબદારી છે.”

આ ભાવનાને રક્ષાબંધનના પવિત્ર પર્વ સાથે જોડતી આ પહેલ પર્યાવરણ સંરક્ષણ માટે એક સંવેદનશીલ અને પ્રેરણાદાયી સંદેશ બની છે.