એનજી બ્રાન્ડની સુરતમાં ફરી એન્ટ્રી, ભવ્ય શરૂઆત સાથે ખુલ્યો એનજી મોલ

Spread the love
મોલની કમાણીનો 60 ટકા હિસ્સો સમાજસેવામાં ખર્ચાશે, ગરીબ દર્દીઓ માટે સારવાર સહાય અને સેવન સ્ટાર હોસ્પિટલનું વિઝન સુરત : શહેરમાં એક વખત ફરી એનજી બ્રાન્ડે નવી શરૂઆત કરી છે. એનજી મોલનું ભવ્ય ઉદ્ઘાટન ઉદ્યોગપતિ સુધીર શ્યામલાલ ગોયલની પુત્રી પરિધી ગોયલે રિબન કાપીને કર્યું હતું. છેલ્લા કેટલાક મહિનાથી ચર્ચામાં રહેલો એનજી મોલ હવે સત્તાવાર રીતે ખરીદદારો માટે ખુલ્લો થઈ ગયો છે. સુધીર ગોયલે જણાવ્યું હતું કે એનજી મોલ માત્ર એક સામાન્ય શોપિંગ સેન્ટર નથી, પરંતુ વિવિધ પ્રકારની જીવનશૈલી અને ફેશન સંબંધિત વસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવતું આધુનિક રિટેલ ડેસ્ટિનેશન છે. હાલમાં અહીં હોમ ડેકોર, હોમ ફર્નિશિંગ, ઇન્ડો-વેસ્ટર્ન વસ્ત્રો, જ્વેલરી, આર્ટિફિશિયલ જ્વેલરી અને લહેંગા વિભાગ શરૂ કરવામાં આવ્યા છે. કેટલીક વસ્તુઓ ખરીદી ઉપરાંત ભાડે પણ ઉપલબ્ધ રહેશે. આગામી ત્રણ મહિનામાં અન્ય અનેક વિભાગો શરૂ કરવાની યોજના છે. – ‘એનજી સેવા ટ્રસ્ટ’ મારફતે થશે માનવસેવા સુધીર ગોયલે જણાવ્યું કે આ નવા પ્રોજેક્ટમાં તેમની 60 ટકા અને તેમની પત્નીની 40 ટકા ભાગીદારી છે. તેમની માલિકીની સંપૂર્ણ આવક સમાજસેવા માટે સમર્પિત કરવામાં આવશે. આ હેતુસર ‘એનજી સેવા ટ્રસ્ટ’ની રચના કરવામાં આવી છે. મોલના નફામાંથી મળતી રકમ ટ્રસ્ટ મારફતે જરૂરિયાતમંદ લોકોના કલ્યાણ માટે વાપરવામાં આવશે. તેમણે જણાવ્યું કે શરૂઆતમાં ટ્રસ્ટ દ્વારા સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં એવા દર્દીઓને મદદ કરવામાં આવશે, જેઓ આર્થિક સંજોગોને કારણે સારવાર મેળવી શકતા નથી. કોઈ દર્દી પાસે સરકારી આરોગ્ય કાર્ડ કે અન્ય સહાય ન હોવા છતાં સારવારની જરૂર હોય તો ટ્રસ્ટ તેના ખર્ચની જવાબદારી ઉઠાવશે.
– બે વર્ષમાં સેવન સ્ટાર હોસ્પિટલ બનાવવાનો સંકલ્પ સુધીર ગોયલે જણાવ્યું કે ટ્રસ્ટનું સૌથી મોટું સ્વપ્ન આગામી બે વર્ષમાં અત્યાધુનિક સેવન સ્ટાર હોસ્પિટલ ઊભી કરવાનો છે. હોસ્પિટલ માટે વેસુ વિસ્તાર અને પર્વત પાટિયા-મોડલ ટાઉન વિસ્તાર પ્રાથમિક પસંદગી તરીકે વિચારણા હેઠળ છે. તેમણે જણાવ્યું કે હોસ્પિટલના પ્રથમ પાંચ માળ પર આધુનિક અને ચાર્જેબલ આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યારે છઠ્ઠા અને સાતમા માળ પર ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને સંપૂર્ણપણે નિઃશુલ્ક સારવાર તેમજ મફત દવાઓ આપવામાં આવશે. આ સુવિધા માટે કોઈ ખાસ કાર્ડ કે દસ્તાવેજની જરૂર નહીં પડે. – ચાર વર્ષ બાદ નવી ઊર્જા સાથે વાપસી વર્ષ 2021માં શરૂ થયેલું એનજી લહેંગા બ્રાન્ડ સુરતમાં ઝડપથી લોકપ્રિય બન્યું હતું, પરંતુ કોરોના મહામારી અને વિવિધ પ્રતિબંધોના કારણે વ્યવસાયને અસર પહોંચી હતી. આ સમયગાળા દરમિયાન સુધીર ગોયલ સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહ્યા હતા. હવે તેઓ નવા વિઝન અને સમાજસેવાના મોટા ધ્યેય સાથે એનજી બ્રાન્ડને ફરી આગળ વધારવા માટે મેદાનમાં ઉતર્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભગવાનની કૃપા રહેશે તો દર બે-ત્રણ મહિને નવા આઉટલેટ શરૂ કરવામાં આવશે અને એનજી બ્રાન્ડને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં આવશે. – પ્રથમ 2000 મહિલાઓ માટે ખાસ ગિફ્ટ મોલના પ્રારંભિક દિવસે મહિલાઓ માટે ખાસ ઓફરની જાહેરાત પણ કરવામાં આવી હતી. પ્રથમ 2000 મહિલા મુલાકાતીઓને કાઉન્ટર પર બિલ બનાવી પોતાનું નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ નોંધાવ્યા બાદ નિઃશુલ્ક ગિફ્ટ આપવામાં આવશે. એનજી મોલના ઉદ્ઘાટન સાથે સુરતને એક નવા શોપિંગ ડેસ્ટિનેશન ઉપરાંત સમાજસેવા સાથે જોડાયેલી એક પ્રેરણાદાયી પહેલ પણ મળી છે.