શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા અને ‘આપ’ રાજ્ય મહામંત્રીએ યુનિફોર્મના મુદ્દે આજે નીચે મુજબનો ખુલાસો કર્યો છે.
રાકેશ હિરપરાએ જણાવ્યું છે કે અમોએ છેલ્લા અઢી વર્ષથી સતત લડાઈ લડી છે કે બાળકોને બે જોડી યુનિફોર્મ મળવા જ જોઈએ કારણ કે એક જોડી યુનિફોર્મમાં સ્વચ્છતા ન જળવાઈ શકે.
અમારી સતત રજૂઆત અને વિરોધના પગલે સમિતિએ ગયા બજેટમાં જાહેરાત કરી કે જુન-2024 થી બાળકોને બે જોડી યુનિફોર્મ આપવામાં આવશે અને આ જાહેરાત બાદ ભાજપે એની જાહેરાત પણ ખુબ કરી, ભાષણો આપ્યા અને ક્રેડીટ લીધી.
આજે શાળા શરુ થયાના દોઢ મહિના બાદ પણ એક પણ બાળકને બે જોડી યુનિફોર્મ મળેલ નથી, નવા પ્રવેશ પામેલા બાળકોને તો એક જોડી યુનિફોર્મ પણ નથી મળ્યો.
નવાઈ તો એ છે કે બીજી જોડી યુનિફોર્મ માટેનો વર્કઓર્ડર જ સમિતિએ શાળા શરુ થયાના એક મહિના બાદ એટલે કે 10 જુલાઈના રોજ આપ્યો છે અને એજન્સીને 4 મહિનાનો સમય આપ્યો છે. આનો અર્થ એવો થયો કે બાળકોને બીજી જોડી યુનિફોર્મ મળતાં સુધીમાં તો દિવાળી (નવેમ્બર) આવી જશે.
બંને જોડી યુનિફોર્મ એકસાથે મળે તો જ યુનિફોર્મનો મૂળ હેતુ અને સ્વચ્છતા જળવાઈ શકે. સમિતિએ બંને જોડી અલગ અલગ સમયે આપીને મૂળ સમસ્યાને તો યથાવત જ રહેવા દીધી, જે ખુબ ગંભીર બાબત છે.
25 કરોડ ખર્ચ કર્યા બાદ પણ જે સમસ્યા ગયા વર્ષે હતી એની એ જ સમસ્યા આ વર્ષે પણ છે એટલે બાળકો એક જોડી યુનિફોર્મ સાથે જ અભ્યાસ કરી રહ્યા છે.