સુરતઃ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોના પણ હજારો દર્દીઓ આવીને સારવાર મેળવી રહ્યા છે. ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની છે.
મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના જામનેરના મોહાડી ગામના વતની એવા ૬૧ વર્ષીય નાના આન્ધારી પાટીલ થાપાના અસહ્ય દર્દથી પીડિત હતા અને ચાલવામાં પણ અસમર્થ હતા. જેમને છેલ્લા સાતેક વર્ષથી થાપાના ભાગે અસહ્ય દુ:ખાવાથી પીડિત હતા. જેમને નવી સિવિલે સચોટ સારવારથી ચાલતા કર્યા છે.
નાના પાટીલના ગામના વતની અને સામાજિક આગેવાન રામ પાટીલ અને ભાવિની પાટીલને નાના પાટીલની પરિસ્થિતિની જાણ થઈ જેથી તેઓએ નાનાને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કમરની સારવાર વિનામુલ્યે થતી હોવાનું જણાવી શક્ય તમામ મદદ કરવાની તત્પરતા દાખવી હતી, જેથી તેમણે તત્કાલ નર્સિગ એસોસિએશનના ઈકબાલ કડીવાલાનો સંપર્ક કરીને દર્દીને તા.૧લી માર્ચના રોજ સિવિલમાં આ દર્દીને દાખલ કરાવ્યા હતા. જયાં હાડકા વિભાગના વડા ડો.હરિ મેનનના માર્ગદર્શન હેઠળ તમામ પ્રકારના જરૂરી રિપોર્ટ કર્યા બાદ તા.૧૮મી માર્ચના રોજ ડો.સ્વપ્નીલ નાગલે, ડો.નિતિન ચૌધરીની ટીમ દ્વારા થાપાનો ગોળો બદલવાની સફળ સર્જરી કરવામાં આવી હતી. આમ, નર્સિંગ સ્ટાફ, સફાઈ કામદારો, હેડ નર્સ, એનેસ્થેસિયા તથા મેડિસીન વિભાગના સહિયારા પ્રયાસોથી સફળ સર્જરી થઈ હતી.
સર્જરી બાદ નાના પાટીલ વોકર લઈને ચાલતા થયા છે. તેઓ કહે છે કે, સિવિલના તબીબોએ મને અસહ્ય દુ:ખાવામાંથી મુકિત આપી છે. હું ખેતીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવું છું. છેલ્લા સાત વર્ષથી થાપાની પીડાના કારણે ચાલવામાં પણ અસમર્થ હતો. પીડાના કારણે કોઈ કામ કરવાની ક્ષમતા રહી ન હતી. ખાનગી હોસ્પિટલમાં થાપાની સર્જરીનો રૂ.બેથી અઢી લાખ જેવો ખર્ચ થતો હતો. પણ મારી નબળી આર્થિક સ્થિતિના કારણે પીડા સહન કરતો હતો. ફરી ચાલતો કરવા બદલ સિવિલના તબીબો પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
નોંધનીય છે કે, નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકરના નેજા હેઠળ હાડકા વિભાગમાં દર મહિને થાપાના સાંધા બદલવાની ૨૦ થી ૨૫ સર્જરીઓ થાય છે. જેનો પ્રતિ ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં રૂા.બેથી ત્રણ લાખનો ખર્ચ થાય છે. ઉપરાંત, ઘૂંટણના સાધા બદલવાની ૧૫ થી ૨૦ સફળ સર્જરી થાય છે. આમ, હાડકા વિભાગના વડા ડો.હરિ મેનનના નેતૃત્વમાં ડો.મનીષ પટેલ, ડો.સની શેઠના, ડો.ચિરાગ પટેલ, ડો.શેટ્ટી, ડો.નાગેશ સહિત તબીબોની ટીમ દ્વારા દરરોજ ૨૦૦ થી વધુ દર્દીઓની સારવાર થાય છે. જેમાં જન્મજાત કમરની ખામીઓ, સ્પાઈન તથા હાડકાના અન્ય રોગોની સફળ સર્જરી કરવામાં આવે છે.