સુરતમાં ઈન્ડિયાની સૌથી મોટી ઈન્ટર ક્લબ અને ઈન્ટર સ્કૂલ તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપનું આયોજન

By on
In સ્પોર્ટ્સ
Spread the love

16, 17 અને 18 જાન્યુઆરીએ થનારા આયોજનમાં માત્ર સુરતમાંથી જ 2000થી વધુ બાળકો ભાગ લેશે

સુરત. ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની સૌથી મોટી ઈન્ટર ક્લબ અને ઈન્ટર સ્કૂલ તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપનું આયોજન સુરતમાં થવા જઈ રહ્યું છે. ડાયનેમિક વોરિયર સંસ્થાના ચીફ કોચ પમીર યોગેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપ આગામી ૧૬, ૧૭ અને ૧૮ જાન્યુઆરી દરમિયાન યોજાશે.

વીઆઈપી રોડ પર આવેલ સુકુન ટર્ફ ખાતે યોજાનારી આ ત્રણ દિવસીય સ્પર્ધામાં સુરત શહેરના અંદાજે ૧૮૦૦થી ૨૦૦૦ બાળકો ભાગ લેશે. આ ચેમ્પિયનશિપ ખાસ કરીને સુરત શહેર માટેની ઈન્ટર સ્કૂલ અને ઈન્ટર ક્લબ સ્પર્ધા છે, જેમાં બહારના શહેરોના ખેલાડીઓ નહીં પરંતુ માત્ર સુરતના બાળકો પોતાનું કૌશલ્ય રજૂ કરશે.

પમીર શાહે જણાવ્યું હતું કે તાઈકવૉન્ડો એક ઓલિમ્પિક સ્પોર્ટ્સ છે અને હાલ સુરત ઈન્ડિયામાં તેનું મોટું હબ બની રહ્યું છે. નવા ટેલેન્ટને ઓળખવા તેમજ ટ્રેનિંગ લઈ રહેલા બાળકોના કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે આ ચેમ્પિયનશિપ મહત્વપૂર્ણ સાબિત થશે.
સ્પર્ધા દરમિયાન દરરોજ સવારે ૯:૦૦ વાગ્યાથી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી મેચો યોજાશે. શહેરના રમતપ્રેમી નાગરિકોને આ સ્પર્ધા નિહાળવા માટે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે.

પમીર શાહે સુરતના વાલીઓ અને બાળકોને સંદેશ આપતા જણાવ્યું કે આજના સમયમાં બાળકોનો મોટાભાગનો સમય મોબાઈલ અને ગેજેટ્સમાં પસાર થાય છે. તેના બદલે જો તેઓ તાઈકવૉન્ડો જેવી એક્ટિવિટી અપનાવે તો રમતગમતમાં આગળ વધશે, સ્વ-બચાવ (સેલ્ફ ડિફેન્સ) શીખશે તેમજ તેમની હેલ્થ, ફિટનેસ અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થશે.

ઉલ્લેખનીય છે કે, ડાયનેમિક વોરિયર સંસ્થા વર્ષ ૨૦૧૧થી સુરતમાં સક્રિય છે. હાલમાં સુરતમાં સંસ્થાના ૧૨ સેન્ટર કાર્યરત છે અને ૧૮૦૦થી વધુ બાળકોને તાઈકવૉન્ડોની તાલીમ આપવામાં આવી રહી છે. શહેરની અંદાજે ૪૦ શાળાઓમાં તાઈકવૉન્ડોના ક્લાસ ચલાવવામાં આવે છે.
સંસ્થાની સૌથી મોટી સિદ્ધિ તરીકે અત્યાર સુધી ૪ બાળકોએ એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ મેળવી સુરતનું નામ રોશન કર્યું છે, જેને ગુજરાત સરકારે ૧૦-૧૦ લાખ રૂપિયાનું પ્રોત્સાહન એવોર્ડ પણ આપ્યું છે. આ ઉપરાંત ૨૫થી વધુ બાળકો વર્લ્ડ અને એશિયન ચેમ્પિયનશિપમાં દર વર્ષે સુરત તરફથી ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે નેશનલ લેવલે ૨૦૦થી વધુ બાળકો મેડલ વિજેતા બન્યા છે.
આ ભવ્ય ચેમ્પિયનશિપ સુરત માટે રમતગમતના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.