
સુરત: જાણીતા ઈન્ટિરિયર એન્ડ ફેશન ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટ આઈઆઈએફડીનું વાર્ષિક ઈન્ટિરિયર એન્ડ ફેશન ડિઝાઈન એક્ઝિબિશન “અરાસા” અને “ગાબા”નું આયોજન 5 અને 6 જુલાઈના રોજ કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનો પ્રારંભ શનિવારથી વેસુ ખાતે રીગા સ્ટ્રીટના શાંતમ હોલમાં થયો છે.
આઈઆઈએફડી સુરતના સ્થાપક નિદેશક મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, 2014થી ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઈન (IIFD), સુરત, ગુજરાતમાં ડિઝાઈન શિક્ષણનું એક મજબૂત આધારસ્તંભ બની ગયું છે. IIFD સુરતે ફેશન ડિઝાઈન, ઈન્ટિરિયર ડિઝાઈન, ગ્રાફિક ડિઝાઈન અને ઈવેન્ટ મેનેજમેન્ટમાં ઉભરતા પ્રોફેશનલ્સને સતત પ્રોત્સાહન આપ્યું છે.
આ સંસ્થાના વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી છેલ્લા 11 વર્ષથી આઈઆઈએફડી દ્વારા વાર્ષિક ઈન્ટિરિયર એન્ડ ફેશન ડિઝાઈન એક્ઝિબિશન “અરાસા” અને “ગાબા”નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 5 અને 6 જુલાઈના રોજ આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.શનિવારે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ, લક્ષ્મીહરિ ગ્રૂપના માલિક વિનોદ અગ્રવાલ અને આઈઆઈએફડીના સહ-નિદેશક પલ્લવી મહેશ્વરીની ઉપસ્થિતિમાં એક્ઝિબિશનનો શુભારંભ થયો હતો.આ વર્ષે આઈઆઈએફડીના પ્રખ્યાત ઈન્ટિરિયર પ્રદર્શન “અરાસા”માં 75 વિદ્યાર્થીઓ દ્વારા સ્વ-ડિઝાઈન અને નિર્મિત ઘર, કોમર્શિયલ અને આઉટડોર સજાવટની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં જ્યામિતીય આર્કિટેક્ચર સાથે રણની આધુનિકતા, વાઈબ્રન્ટ મેક્સિકન ઉત્સવથી પ્રેરિત ફર્નિચર, બાંધણીની પરંપરાગત હસ્તકલાને આધુનિક ડિઝાઈનમાં ઢાળવામાં આવી છે.

કાળા અને હળવા રંગનું ફર્નિચર, જાપાની ઝેન ઈન્ટિરિયર ડિઝાઈન જે સાદગી અને પ્રકૃતિથી પ્રેરિત છે, વેવહાઉસ જે પ્રાકૃતિક પ્રવાહ અને શુદ્ધ રચનાઓનું મિશ્રણ છે, મૂર્તિમય ફર્નિચર, ડિટેચેબલ અને બહુ-કાર્યાત્મક ડિઝાઈનવાળું આધુનિક ફર્નિચર સામેલ છે.ઈન્ટિરિયર પ્રદર્શનની સાથે-સાથે, “ગાબા” નામનું ફેશન એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 175 ડિઝાઈનર વિદ્યાર્થીઓએ તેમના કલેક્શન પ્રદર્શિત કર્યા છે. આ પશ્ચિમી અને ઈન્ડો-વેસ્ટર્ન પરિધાનો પર આધારિત છે, જે આગામી ફેશન ટ્રેન્ડ્સ અને સ્ટાઈલ્સને પ્રતિબિંબિત કરે છે.

એક્ઝિબિશનનું આયોજન ચોથા માળે, રીગા સ્ટ્રીટ, રાજહંસ ઝાયનની સામે, જી. ડી. ગોયન્કા રોડ, વેસુ, IIFD, સુરત ખાતે કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન 5 અને 6 જુલાઈ 2025ના રોજ સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી યોજાશે. આ પ્રદર્શનની ખાસ વાત એ છે કે અહીં પ્રદર્શન જોવાની સાથે ખરીદી પણ કરી શકાશે.