ગુજરાતના આ શહેરના મેયર બંગલાને માનવામાં આવે છે અપશુકનિયાળ, નવા મેયર પણ નહીં જાય રહેવા…

Spread the love

રાજકોટ. રાજકોટના પોશ ગણાતા એવા રેસકોર્સ રિંગરોડ વિસ્તારમાં આવેલા આલીશાન મેયર બંગલામાં રાજકોટ મહાનગર પાલિકા માં જે પણ મેયર બને છે તે રહેવા જવાનું ટાળે છે, કારણ કે રાજકોટમાં શહેરના પ્રથમ નાગરિક તરીકે જેમની નિયુક્તિ થાય તેમને સહપરિવાર રહેવા જતાં તેમની રાજકીય કારકિર્દી હાંસિયામાં ધકેલાઈ જાય છે. શહેરમાં આ બંગલો શ્રાપિત તરીકે વગોવાયેલો છે. રાજકોટના પાંચ મેયર એવા રહ્યા, જેઓ આ બંગલોમાં રહેવા ગયા બાદ તેમની રાજકીય કારકિર્દી પર ફુલસ્ટોપ લાગી ગયો. તો ત્રણ મેયર એવા પણ છે જેઓ આ બંગલોમાં રહેવા ન ગયા અને આજે રાજકીય કારકિર્દીમાં મોટા પદ પર બિરાજે છે. ઉલ્લેખનીય છે કે નવા મેયર પ્રદીપ ડવે પણ જે-તે સમયે મેયર બંગલોમાં રહેવાનું સપનું સેવ્યું હતું, પરંતુ તેઓ પણ આ એમાં રહેવા જવાના નથી.


રેસકોર્સ રોડ ઉપર મહાપાલિકાએ મેયરનું સતાવાર નિવાસસ્થાન 1990ના દાયકાથી બનાવેલું છે, પણ એ અપશુકનિયાળ ગણાતું હોવાથી ભાગ્યે જ કોઈ મેયર આખી ટર્મ ત્યાં રહેવા જાય છે. ઉલ્લેખનીય છે કે 1996-97માં મેયર રહેલા વિજય રૂપાણી મેયર બંગલામાં રહેવા ગયા ન હતા અને આજે તેઓ રાજ્યના મુખ્યમંત્રી છે. 1983-88 અને 1991-93 સુધી મેયર રહેલા વજુભાઈ વાળા મેયર બંગલોમાં રહેવા ગયા ન હતા, આજે તેઓ કર્ણાટકના રાજ્યપાલ છે. અગાઉ રાજય સરકારમાં તેઓ મંત્રી રહી ચૂકયા છે. 2005-08 સુધી મેયર રહેલા ધનસુખ ભંડેરીએ પણ આવું જ કર્યું. આજે તેઓ મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન છે.


બીજી તરફ, મેયરપદે રહ્યા બાદ જેઓ આ બંગલોમાં રહેવા ગયા હતા તેમાં કોંગ્રેસના મનસુખ ચાવડા (2003-04), ગૌરીબેન સિંધવ (2004-05), ભાજપના જનકભાઈ કોટક (2010-13), સંધ્યાબેન વ્યાસ (2008-10), રક્ષાબેન બોળિયા (2013-15)ની રાજકીય કારકિર્દી થંભી ગઈ છે. આ નેતાઓને પાર્ટીએ ફરી ટિકિટ ન આપી અથવા તો સાઈડલાઈન કરી દેવાયાં. મેયર બંગલોમાં રહેવા ગયા પછી ઘણા તડકા-છાંયા જોનારાઓમાં ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષના મેયર સામેલ છે. મનસુખ ચાવડાએ અધૂરી ટર્મમાં પદ છોડવું પડયું હતુ. જનકભાઈ મેયર બંગલોમાં રહેવા ગયા પછી હાંસિયામાં ધકેલાઈ ગયા. ગૌરીબેન સિંધવ ભાડાના મકાનમાં ગુમનામીની જિંદગી વિતાવી રહ્યાં છે. રાજકોટમાં આ બંગલો પક્ષના કાર્યાલય તરીકે જ ઉપયોગમાં લેવાય છે. રાજકીય જમાવડા, જમણવાર અને મીટિંગો માટે આ બંગલો જાણીતો છે. નરેન્દ્ર મોદી પણ આ બંગલોમાં યોજાયેલા એક જમણવારમાં હાજર રહ્યા હતા.