ગુજરાતને મળ્યું પ્રથમ 3D CE મેમોગ્રાફી સેન્ટર : વેરિટાસ રેડિયોલોજીનો વેસુમાં ભવ્ય શુભારંભ

By on
In આરોગ્ય
Spread the love

સુરત. ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ વેસ્ટર્ન બિઝનેસ પાર્ક ખાતે વેરિટાસ રેડિયોલોજી સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સેન્ટર રાજ્યનું પ્રથમ 3D કોન્ટ્રાસ્ટ એન્હાન્સ્ડ (CE) મેમોગ્રાફી સેન્ટર છે, જે અદ્યતન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સક્ષમ સુવિધાઓથી સજ્જ છે. ઉદ્ઘાટન સમારોહ ડોક્ટરોના માતા-પિતાના શુભ હસ્તે સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી યોજાયો હતો.

સેન્ટરના સંચાલક ડૉ. ધારા શાહે જણાવ્યું હતું કે આશરે 1600 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું આ સેન્ટર અનુભવી રેડિયોલોજિસ્ટોની ટીમ દ્વારા સંચાલિત છે. હોલોજીક કંપની દ્વારા આ સેન્ટરને ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન મેમોગ્રાફી’નો દરજ્જો આપ્યો છે. સેન્ટરમાં 3D CE મેમોગ્રાફી, AI સક્ષમ અલ્ટ્રાસાઉન્ડ (USG) અને ટ્રુ ડિજિટલ એક્સ-રે જેવી અદ્યતન સેવાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અન્ય સેવાઓમાં 3D મેમોગ્રાફી, CE મેમોગ્રાફી, કલર ડોપ્લર, હાઇ-એન્ડ સોનોગ્રાફી, લિવર ઇલાસ્ટોગ્રાફી, ફીટલ મેડિસિન, ફેટ ક્વોન્ટિફિકેશન, 3D-4D સ્નાયુની સોનોગ્રાફી, VABB, ફુલ લેન્થ સ્કેનોગ્રામ અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીનો સમાવેશ થાય છે. સેન્ટરમાં ડો. ધારા ડી. શાહ (MD), ડો. ક્રિષ્ના બી. પટેલ (MD, DNB), ડો. નેહા શાહ (MD, FRCR), ડો. ભાવિન આર. પટેલ (MD, FIFM, Pg. Dip. MSK) અને ડૉ પ્રજ્ઞેશ એન. વાઘેલા (MD, DMRE) જેવા અનુભવી ડોક્ટરોની ટીમ કાર્યરત છે. આ નવા સેન્ટરથી અદ્યતન ઇમેજિંગ અને દર્દી સંભાળનો નવો યુગ શરૂ થયો છે. સુરતવાસીઓને આ અદ્યતન સુવિધાનો લાભ મળશે તેવી આશા છે.


ડૉ. ધારા શાહે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં આજકાલ યંગ વુમનમાં કેન્સર ઝડપથી વધી રહ્યું છે, અને તેમાથી મોટેભાગે કેસ બ્રેસ્ટ કેન્સરના હોય છે. વધુ ચિંતાજનક વાત એ છે કે કુલ બ્રેસ્ટ કેન્સરના દર્દીઓમાંથી 50 ટકા દર્દીઓ મૃત્યુ પામે છે. આ સ્થિતિને બદલવા માટે વહેલું નિદાન અત્યંત જરૂરી છે.

તેમણે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને જ અમે નવું 3D કોન્ટ્રાસ્ટ એન્હાન્સ્ડ મેમોગ્રાફી મશીન લાવ્યું છે, જે ખાસ કરીને ડેન્સ બ્રેસ્ટ ધરાવતી યંગ વુમનમાં પણ ચોક્કસ નિદાન કરવામાં સક્ષમ છે. ભારતમાં લગભગ 40 ટકા મહિલાઓ ડેન્સ બ્રેસ્ટ ધરાવે છે, અને આવા કેસમાં 3D CE મેમોગ્રાફી મોટા ફાયદા આપે છે.
આ ટેક્નોલોજીથી નાના કેલ્સિફિકેશન કે ઝીણા લીજેન્સ પણ ઝડપી શોધી શકાય છે. સેન્ટરમાં વેક્યુમ આસિસ્ટેડ બ્રેસ્ટ બાયોપ્સી (VABB) સુવિધા પણ ઉપલબ્ધ છે, જેના દ્વારા સામાન્ય કોર બાયોપ્સીમાં ન મળી શકે તેવી ઝીણી ગાંઠ પણ મળી શકે છે, એટલે કે ઝીણી ગાંઠની પણ બાયોપ્સી થઈ શકે છે. તેમજ યંગ દીકરીઓમાં થતી સાદી ગાંઠ ઓપરેશન વગર માત્ર પિન-હોલ દ્વારા દૂર કરી શકાય છે, જેના કારણે દર્દીની ફિઝિકલ અને ઈમોશનલ સ્ટ્રેસ નહિવત થઈ જાય છે.

ડૉ. ધારા શાહે વધુમાં ઉમેર્યું હતું કે અહીં AI આધારિત સોનોગ્રાફી મશીન, ટ્રુ ડિજિટલ X-ray અને ફુલ સ્કેનોગ્રામ જેવી ટેક્નોલોજી પણ ઉપલબ્ધ છે. મશીનો અદ્યતન છે અને સાથે અનુભવી નિષ્ણાત ડોક્ટરોની ટીમ હોઈ દર્દીઓને સર્વોત્તમ કાળજી મળી રહશે.