ગુજરાતમાં સિનિયર મંત્રીઓ બાદ ધારાસભ્યો પર સંકટ, 2022ની ચૂંટણીમાં રૂપાણી સરકારના 60 ટકા ધારાસભ્યો ઘેર બેસી શકે છે

Spread the love

સુરત. ગુજરાત સરકારનો સંપૂર્ણ ચહેરો જ બદલી દેવાયા બાદ રાજકારણમાં અનેક ચર્ચાઅો થઈ રહી છે. ભાજપના શિર્ષ નેત્વૃત્વ દ્વારા સરકારમાં નો રિપીટેશન ફોર્મ્યુલા લાગૂ કરાયા બાદ હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં વર્તમાન ધારાસભ્યો પર પણ સંકટના વાદળ છવાયેલા જાવા મળી રહ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં નવી સરકારની જેમ ધારાસભ્યોમાં પણ નો-રિપીટની થિયરી લાગુ થઈ શકે છે, એટલે કે વિજય રૂપાણીની સરકારના ધારાસભ્યોમાંથી 60 ટકાને પડતા મૂકી નવાને ટિકિટ આપવામાં આવી શકે છે.


ગુજરાત રાજકારણની હાલની સ્થિતિ જોતાં એવું જણાય છે કે નવી સરકાર નવા નિયમ, એટલે કે રૂપાણી સરકાર દ્વારા લેવામાં આવેલા જૂના નિર્ણયોમાં ધરખમ ફેરફાર કરી નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. તાજેતરની જ કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓ અને અધિકારીઓને ઓફિસમાં હાજર રહેવાની સૂચના આપી છે. જોકે રૂપાણી સરકાર સમયે આ પ્રકારનો કોઈ નિયમ ન હતો. બીજી તરફ, નવા મંત્રીઓ પણ ચાર્જ સંભાળતાંની સાથે જ કામે લાગી ગયા છે અને શિક્ષણ, આરોગ્ય સહિતના અનેક મુદ્દાઓ પર કડક અને સહાય કામગીરી શરૂ કરી દેવાઈ છે.

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ટિકિટ માટેની ગતિવિધિઓ અને ગણગણાટ શરૂ થઈ ગયો છે, ત્યારે પ્રદેશ પ્રમુખ પાટીલને ચૂંટણીના એક વર્ષ પહેલાં સ્પષ્ટતા કરવી પડી છે, પરંતુ ભાજપે એવી સોગઠી મારી છે કે એક તરફ જાહેર કર્યું કે 60 વર્ષની ઉંમરની મર્યાદા વિધાનસભાની ટિકિટ માટે નથી તો બીજી બાજુ એવું પણ ગોઠવાઈ રહ્યું છે કે ત્રણ ટર્મ થઈ સળંગ ચૂંટાઈ રહેલા ધારાસભ્યોને ફરી ટિકિટ ના આપવી, એટલે મોટા ભાગના સિનિયર ધારાસભ્યો ઘેર બેસી શકે છે.


સીઆર પાટીલ દ્વારા આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 150થી વધુ બેઠક જીતવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે, એટલે કેન્દ્રીય પાર્લમેન્ટરી કમિટી પણ આ નિયમો અને ફોર્મ્યુલા માટે સહમત થઈ જાય તો એમાં કોઇ નવાઇ નથી. આ સ્થિતિમાં સી.આર.પાટીલ જે યુવાનો પાસેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કામ લીધું તેમને પ્રાધાન્ય આપે એવી શક્યતાઓ છે. બીજી તરફ, ‘આપ’ પણ નવયુવાનોને તક આપી રહી છે. ત્યારે ભાજપને પણ હવે યુવાનોને વધુ ચાન્સ આપવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે.