સ્કોલર ઇંગ્લિશ એકેડમીના ઇનોવેશન ફેસ્ટમાં બાળકોના સ્ટાર્ટઅપ, AI મોડલ્સ અને તાઈવાનના રોબોટે જમાવ્યું આકર્ષણ.
સુરત: ડિજિટલ યુગના ‘કૉપી-પેસ્ટ’ કલ્ચરને પડકાર આપતું અને બાળકોની મૌલિક વિચારશક્તિને મંચ આપતું સ્કોલર ઇંગ્લિશ એકેડમી (CBSE) દ્વારા આયોજિત ઇનોવેશન ફેસ્ટ ‘પ્રિઝ્મા 1.0’ રવિવારે સિટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટરમાં ભવ્ય રીતે સંપન્ન થયું. બપોરે 3 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમમાં શહેરભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
આ ફેસ્ટ માત્ર પ્રદર્શન પૂરતું સીમિત ન રહ્યું, પરંતુ બાળકોની કલ્પનાશક્તિ, આત્મવિશ્વાસ અને વ્યવહારુ જ્ઞાનને જીવંત રૂપે રજૂ કરતો મંચ બન્યો. બાળકો દ્વારા તૈયાર કરાયેલા સાયન્સ પ્રોજેક્ટ્સ, AI આધારિત મોડલ્સ અને ઇનોવેટિવ આઈડિયા ઝે ઉપસ્થિત સૌને આકર્ષ્યા હતા.
સ્કોલર ઇંગ્લિશ એકેડમીના ટ્રસ્ટી રાજેશ મહેશ્વરીએ જણાવ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગ વચ્ચે બાળકોમાં પોતે વિચારવાની અને પ્રયોગ કરવાની ક્ષમતા ઘટી રહી છે. ‘પ્રિઝ્મા 1.0’ દ્વારા અમે સંપૂર્ણપણે ઓફલાઈન પ્રવૃત્તિઓ પર ભાર મૂક્યો, જેથી બાળકો પોતાના હાથોથી બનાવેલા મોડલ્સ અને વિચારોથી લોકો સામે રજૂઆત કરી શકે.”

કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ એ રહ્યું કે શાળાના બાળકો પ્રથમ વખત મંચ પરથી પોતાના સ્ટાર્ટઅપ અને બિઝનેસ આઈડિયાઝ સામાન્ય જનતા સામે રજૂ કરતા જોવા મળ્યા. સાથે જ તાઈવાનથી આવેલા વિશેષ રોબોટે બાળકો સાથે વાતચીત કરી અને ફોટોગ્રાફ્સ ખેંચાવ્યા, જે દર્શકો માટે વિશેષ ઉત્સુકતા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું.
નાનાં વિદ્યાર્થીઓએ પોડકાસ્ટ અંતર્ગત શહેરના ક્લાસ-1 અધિકારીઓ અને જનપ્રતિનિધિઓના લાઈવ ઈન્ટરવ્યુ લીધા, જેને પોડકાસ્ટ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું. ઉપરાંત, બાળકોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે યોજાયેલી આર્ટ ગેલેરીમાં તેમની પેઇન્ટિંગ્સ અને કલાકૃતિઓએ પણ વખાણ મેળવ્યા.
ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સાંસ્કૃતિક રંગ પણ ઝળહળ્યો. એમ્ફિથિયેટરમાં સિંગિંગ, ડાન્સ અને નાટક જેવા કાર્યક્રમો આખો દિવસ ચાલતા રહ્યા, જેના કારણે ‘પ્રિઝ્મા 1.0’ શૈક્ષણિક કાર્યક્રમ સાથે પારિવારિક મનોરંજનનું પણ કેન્દ્ર બન્યું.
આયોજકોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ કોઈ એક સ્કૂલ સુધી સીમિત ન રાખી, સમગ્ર શહેર માટે ‘ઓપન ફોર ઑલ’ રાખવામાં આવ્યો હતો. ભૂગર્ભ પાર્કિંગ અને સાયન્સ સેન્ટરના ખુલ્લા વાતાવરણને કારણે રવિવારે સપરિવાર આવી શીખવા, જોવા અને બાળકોની પ્રતિભા અનુભવવાની ઉત્તમ તક બની.