સર્વ ધર્મ, સર્વ જ્ઞાતિની દીકરીઓનું કન્યાદાન એક મંડપમાં થશે
• લગ્ન સમારોહના પ્રથમ દિવસ ૨૦ ડિસેમ્બરે શ્રેષ્ઠ સાસુઓના હસ્તે દીપપ્રાગટ્ય થશે
• વલ્લભભાઈ સવાણી, મહેશભાઈ સવાણીના જીવનચરિત્ર અને દીકરીના લાગણીસભર પત્રોના પુસ્તકનું વિમોચન થશે
• ૨૧ ડિસેમ્બરે જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થાને પોતાના સ્વજનના અંગદાનની મંજૂરી આપનાર અંગદાતા પરિવારની માં, દીકરી, બહેન, પત્ની હસ્તે દીપપ્રાગટ્ય
• કરિયાવર આપવા પહેલા જ દંપતીના થેલેસેમિયાના ટેસ્ટ થયા
• દીકરીના ભાઈ નથી એમના જવતલ સવાણી પરિવારના દીકરા ભાઈ બની હોમશે
• સેવા સંગઠન પરિવારની એપ્લીકેશનું લોન્ચિંગ
સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા ૧૮ વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ સુધી ૫૫૩૯ દીકરીઓને સાસરે વળાવી ચૂકેલા પી.પી.સવાણી પરિવારના શામિયાણાથી ૨૦ અને ૨૧ ડિસેમ્બર એમ બે દિવસમાં ૧૩૩ દીકરીઓનેસાસરે વળાવાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, મનસુખભાઇ મંડવીયા, નીમુબહેન બાંભણીયા સહિત અનેક રાજકીય, સનદી, સામાજિક, ઉદ્યોગ જગતના મહાનુભાવો હજાર રહી પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓનું કન્યાદાન કરશે.
વિવાહ પાંચ ફેરાનાથી શરૂ કરીને આ વર્ષ “કોયલડી” નામે યોજાઈ રહેલા લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે. પી.પી. સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારોદીકરીઓના પાલક પિતા બની ચૂકયા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ ૫૫૩૯ દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. છેલ્લા ૧૮ વર્ષથી અવિરત પ્રજ્વલિત થયેલા આ સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે. પી.પી. સવાણી પરિવારના લગ્ન સમારોહ જોઈને બીજા અનેક લોકો, સંસ્થા રાજ્યમાં અને રાજ્ય બહાર દીકરીઓના કન્યાદાનના સમારોહ યોજતી થઈ છે. ‘કોયલડી’ લગ્ન સમારોહની વિગત આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આજ સુધી અમે જ્ઞાતિ, ધર્મ, સમાજના વાડા તોડીને એક જ છત નીચે ૫૫૩૯ દીકરીઓનું કન્યાદાન કર્યું છે. સ્વસ્થ સમાજ માટે આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ વર્ષે પણ મુસ્લિમ, ખ્રિસ્તી, દિવ્યાંગ સહિત વિવિધ ૩૭ જ્ઞાતિની ૪ રાજ્ય અને ૧૭ જિલ્લાની ૧૩૩ દીકરીને સાસરે વળાવીશું. મુસ્લિમ, ખ્રિસ્તી, હિન્દુ વિધિ મુજબ લગ્નતો થાય જ છે સાથે દલિત, આદિવાસીની દીકરી હોય કે બ્રાહ્મણ-જૈન પરિવારની દીકરી હોય અમારા આંગણે બધા એક જ છે, સાચા ભારતનું પ્રતિબિંબ તમને જોવા મળશે.
મહેશભાઈ સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે દીકરીનેમાત્ર કરિયાવર સાથે કન્યાદાન પૂરતું સીમિત નથી રાખતા. આટલી હજારો દીકરીઓની એક બાપ તરીકેની દરેક જવાબદારી નિભાવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતાં રહી છીએ. અમારા આ કાર્યમાં અનેક લોકોનો સહયોગ મળ્યો છે, અનેક દીકરી-માના આશીર્વાદ અમને આટલા વર્ષોમાં મળ્યા છે.
કોયલડી લગ્નસમારોહમાં મુસ્લિમ ધર્મની દીકરી નિકાહવિધિથી તેમજ ખ્રિસ્તી અને હિન્દુ ધર્મની તમામજ્ઞાતિની દીકરીઓપોત-પોતાના રીત-રસમોસાથે લગ્નજીવનના પવિત્ર બંધનથી જોડાશે.આ લગ્ન મહોત્સવમાં સવાણી પરિવારના લાડકવાયા દીકરા મિતુલ, મોહિત,સ્નેહ, કુંજ, મોનાર્ક જે દીકરીઓના ભાઈઓ નથી તેમનેપોતાની સગી બહેનથી વિશેષ સમજી જવતલ હોમશે.
પી.પી. સવાણી પરિવાર સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ સામાજિક કાર્યો કરે છે એ સૌ જાણે છે. અમારી દીકરી-જમાઈનું “સેવા સંગઠન” પણ બન્યું છે. આ એટલા માટે છે કે અમારી દીકરીની માતાને જે બાળકોના ઉછેર માટે જે તકલીફ પડી છે એ અમારી દીકરીને ન પડે એ માટે આ “સેવા સંગઠન” બનાવ્યું છે. ઈશ્વર નહી કરે ને કોઈ દીકરી વિધવા થાય તો આ સંગઠન એને આર્થિક સહાય કરે છે. સાથેજ એના બાળકના શિક્ષણ અને આરોગ્યની તમામ જવાબદારી પણ નિભાવે છે. આવી દીકરીના બાળક ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીની જવાબદારી સેવા સંગઠન ઉપાડશે. દીકરીને કોઈપણ પ્રકારની આર્થિક જરૂરિયાત માટે પણ સેવા-સંગઠન પ્રતિબધ્ધ છે.
પી. પી. સવાણી ટ્રસ્ટ સંચાલિત સેવા સંગઠન આજે 11,000 દીકરી–જમાઈઓનો વિશાળ પરિવાર બની ગયો છે. હવે સેવા સંગઠનની મોબાઈલ એપ્લિકેશનમાં ડોક્ટર ટીમ, વકીલ ટીમ, શિક્ષક ટીમ, માર્ગદર્શન ટીમ જેવી વિવિધ સેવા આપતી ટીમોની સંપૂર્ણ માહિતી મળશે. કોઈપણ જરૂરી મદદ માટે સીધો સંપર્ક આ એપ્લિકેશન દ્વારા નજીકમાં રહેતા દીકરી–જમાઈની માહિતી પણ તરત મળી રહેશે. આ એપ્લિકેશનમાં તમે સભ્ય પોતાના બિઝનેસની માહિતી પણ મૂકી શકે છે જેથી બિઝનેસનો વિકાસ થશે. સેવા સંગઠનના સભ્યો તમામ કાર્યક્રમોની અપડેટ્સ, એપ્લિકેશન મારફત નિયમિત રીતે મળી રહેશે. સેવા સંગઠનના ડીઝીટલ પ્લેટફોર્મ ઉપર સરળતાથી તમામ માહિતી અને લાભ મેળવી શકે એવા શુભ આશયથી સેવા સંગઠન એપ્લીકેશનનું લોન્ચિંગ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ના વરદ હસ્તે થનાર છે
કોયલડી લગ્ન સમારોહની શરૂઆત રવિવાર ૧૩ ડિસેમ્બરના દિવસે યોજાયેલા રાસ-ગરબાથી થઈ ચૂકી છે. આ વર્ષે ગુજરાતની છ લોકપ્રિય ગાયિકાઓ અલ્પા પટેલ, પ્રિતી પાઠક, નેહા કુંભાણી, સંગીતા પટેલ, અપેક્ષા પંડયા અને સોનલ બારોટ કોયલડીના ટાઇટલ ટ્રેક ગીત બનાવ્યા છે. ઉર્વશી રાદડિયા અને વિવેક સાંસલાએ વર-કન્યા પરિવારને ગરબે ઘુમાવ્યા હતા સંગીત સમરોહના મુખ્ય મહેમાન તરીકે સુરત, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, સુરત રેન્જ આઇજી શ્રી પ્રેમવિર સિંહ, સુરત, એસપી શ્રી રાજેશભાઈ ગઢિયા ઉપસ્થિત રહ્યા હતા.
તારીખ ૧૮મી ડિસેમ્બરના રોજ ૯ મહિલા આઇપીએસ, બે મહિલા આઈએએસ, ૪ આઇપીએસ અને આઈએએસની અને ત્રણ સમાજ અગ્રણીની પત્નીની હાજરીમાં મહેંદી રસમ યોજાશે. મનીષ વઘાસિયા, અંકિતા મૂલાણી, ડૉ. જય વશી જેવા મોટીવેશનલ વક્તા વર અને કન્યા બંને પરિવાર સાથે સંવાદ પણ સાધશે આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ, ડીડીઓ શ્રીમતી શિવાનીબેન ગોયલ, મહિલા આઇપીએસ અધિકારી સુશ્રી શૈફાલીબેન બરવાલ, સુશ્રી ડો. નિધિબેન ઠાકુર, સુશ્રી બિશાખાબેન જૈન, સુશ્રી અનુપમબેન, સુશ્રી પન્નાબેન મોમૈયાની સાથે જીપીએસ કેડરના સુશ્રી કાનનબેન દેસાઇ, સુશ્રી જુલીબેન કોઠિયા, સુશ્રી ભક્તિબેન ડાભીની સાથે જ મહિલા અગ્રણીઓ શ્રીમતી સંધ્યાસિંઘ ગેહલોત, શ્રીમતી રાગીનીબેન પારધીશ્રીમતી ચિત્રા પ્રેમવીર સિંહ, શ્રીમતી હર્ષાબેન ગઢિયા, શ્રીમતી જીયાબેન શૈલેશભાઈ પરમાર, શ્રીમતી તૃપ્તિબેન દેસાઈ, શ્રીમતી પલ્લવીબેન ઘેલાણી, શ્રીમતી હર્ષાબેન પટેલ હાજર રહી દીકરીની મહેદી રસમમાં સહભાગી થયા હતા અને માતૃત્વની હૂંફ પૂરી પાડી હતી.

ત્રણ પુસ્તકનું પદ્મશ્રીઓના હસ્તે વિમોચન
શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે એક નવી ક્રાંતિ સર્જનાર સેવાના ભેખધારી પી.પી.સવાણીગ્રુપના મોભી શ્રી વલ્લભભાઈ પી.સવાણીનાં જીવન કવન પર લેખકશ્રી શૈલેષભાઈ સગપરિયા દ્વારા લખાયેલ પુસ્તક “આરોહણ” અને પિતા વિહોણી હજારો દીકરીઓના પાલકપિતાશ્રી મહેશભાઈ વી.સવાણીના જીવન ઉપર લેખકશ્રી ડૉ. જીતેન્દ્રભાઈ અઢિયા દ્વારા લખાયેલ પુસ્તક “પ્રેરણામૂર્તિ” તેમજ આ લગ્નોત્સવમાં જોડાયેલ દીકરીઓના જીવનની સંવેદનનાનુંપુસ્તક “કોયલડી”નાસંયુક્ત વિમોચન પદ્મશ્રી કનુભાઈ ટેલર, મથુરભાઈ સવાણી, ભીખુદાન ગઢવી, ડૉ. વિષ્ણુભાઈ પંડયા, અબ્દુલ ગફુર ખત્રી, શાહબુદ્દીનભાઈ રાઠોડ, યઝદીભાઈ કરંજિયા, શ્રીમતી રમીલાબેન ગામીત, સવજીભાઈ ધોળકીયા, પરેશભાઈ રાઠવા, ડૉ. જગદિશભાઈ ત્રિવેદી, ડૉ. યઝદી ઇટલીયાના હસ્તે થશે.
દીકરીઓને હનીમૂન અને માતા-સાસુને ધાર્મિક યાત્રા
પી.પી.સવાણી પરિવારના આંગણે લગ્ન કરનારી દરેક દીકરીને દરવર્ષે લગ્ન પછી કુલ્લુ-મનાલી હનીમૂન માટે મોકલે છે. આ કાર્યમાં ફારુકભાઈ પટેલનું કે.પી. ગ્રુપ પણ સહયોગી બન્યું છે. દરેક દીકરી-જમાઈ સાથે સમૂહમાં હનીમૂન ઉપર જાય છે એની પાછળ ચોક્કસ વિચાર રહેલો છે. વિભિન્ન ધર્મ અને જ્ઞાતિના દીકરી-જમાઈ એક સાથે પ્રવાસ કરે, ૧૦-૧૫ દિવસ સાથે ગાળે તો એમને એકબીજાને સમજવાની તક મળે, મિત્રતા અને પરિવારની ભાવના કેળવાઈ. વિભિન્ન ધર્મ અને જ્ઞાતિ અંગે વિગત મળે અને એના પ્રત્યે સન્માન થાય એ શુભ ભાવનાથી લગ્ન કરનાર નવદંપતીને હનીમૂન ઉપર સાથે જ મોકલવામાં આવે છે.
એ જ ક્રમમાં લગ્નથી જોડાયેલા બંને પરિવારની માતા પણ એકબીજાને સમજે, એકબીજાનો આદર કરે, કુટુંબભાવના જાગે એ માટે લગ્ન પછી દીકરા-જમાઈની માતા એટલે કે બંને વેવાણને સાથે આ વર્ષે આયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ અને સ્વામિનારાયણના છપૈયાની ધાર્મિક યાત્રાએ જશે, તેમજ મુસ્લિમ દીકરી જમાઈ ૧૫ દીવસની ઉમરાહ (મકા-મદીના) હજ માટે પી.પી. સવાણી અને કે.પી. ગ્રુપ સંયુક્ત રીતે આ સમગ્ર પ્રવાસનું આયોજન કરશે અને ખર્ચ પણ ઉપાડશે.
લગ્ન પહેલા થેલેસિમિયા ટેસ્ટ ફરજિયાત
દંપતીની કુંડળી કરતાં પણ જરૂરી છે કે એમના લોહી મળે. થેલેસેમિયા અને સિકલ સેલ ધરાવતા દંપતીના લગ્ન થાય તો એમના સંતાનને પણ આ રોગ વારસામાં મળવાની શક્યતા રહે છે આ જોખમ આવનાર સંતાન ઉપર ન રહે અને દંપતીનું જીવન સ્વસ્થ રહે એ માટે લગ્ન કરનાર દરેક દંપતીના થેલેસિમિયા માટે લોહીની તપાસ કરવામાં આવી છે. આ તપાસ પછી જ કરિયાવર આપીને લગ્નની શરૂઆત થઈ હતી
ઘર નજીક લગ્નની અનુકૂળતા
ભાવનગર અને અમરેલી જિલ્લાની ૨૨ દીકરીઓના લગ્ન અમરેલી જિલ્લાના મેકડા ગામે યોજાયેલા એક સમૂહલગ્નમાં કરવામાં આવ્યા છે. આ એવી દીકરીઓ હતી જેમને અમરેલી-ભાવનગરથી સુરત સુધી આવવું પણ તકલીફ હતી. એવી જ એક દીકરીનું કન્યાદાન ગારીયાધાર ખાતે પણ કરવામાં આવ્યા હતા. બંને જગ્યાએ કન્યાદાન માટે ખુદ મહેશભાઈ સવાણી હાજર રહ્યા હતા.