દેશમાં કૃષિ કાયદા સામે ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા આંદોલનની હવે અસરો દેખાવા માંડી છે. આંદોલનથી શું થઈ શકે છે તેની ગણતરી માંડવામાં ભાજપ થાપ ખાઈ ગયાનું હવે દેખાઈ રહ્યું છે. છેલ્લા ત્રણેક માસથી કૃષિ કાયદા સામે પંજાબ, હરિયાણા, યુપી અને રાજસ્થાન સહિતના રાજ્યોના ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે.
કૃષિ કાયદા સામેના રોષને કારણે પંજાબમાં ભાજપના સુપડા સાફ થઈ ગયાં
કેન્દ્રની ભાજપ સરકારે ખેડૂતોને ગણકાર્યા નથી. ખેડૂત આંદોલન સામે ભાજપે કડકાઈથી કામ લીધું છે. જેને કારણે ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂત આંદોલનમાં ભલે ઉગ્રતા ઓછી થઈ હોય પરંતુ જે રીતે ખેડૂતો દ્વારા આંદોલનને આગળ ધપાવવા માટે મક્કમ કદમ ઉઠાવવામાં આવી રહ્યાં છે. તે ભાજપને ભારે પડશે તે ચોક્કસ છે. આની શરૂઆત પંજાબથી થઈ ચૂકી છે.
પંજાબમાં હાલમાં નગર નિગમની ચૂંટણીઓ થઈ હતી. ગુજરાતમાં જે હાલમાં મહાપાલિકાઓની ચૂંટણી ચાલી રહી છે તેવી જ રીતે પંજાબમાં નગર નિગમની ચૂંટણીઓ થઈ હતી અને તેના જે પરિણામો આવ્યાં છે તેણે ભાજપના સુપડા સાફ કરી નાખ્યાં છે.
ભાજપ જ નહીં પણ ભૂતકાળમાં પંજાબમાં ભાજપ સાથે ગઠબંધન કરનાર અકાલીદળનો પણ સફાયો થઈ ગયો છે. ભટિંડા જેવા શહેરમાં તો કોંગ્રેસને 53 વર્ષ પછી જીત જોવા મળી છે. જ્યારે સની દેઓલ કે જે જાણીતા ફિલ્મ અભિનેતાની સાથે ભાજપના સાંસદ છે તેના ગુરૂદાસપુર સંસદીય મત વિસ્તારમાં પણ ભાજપનો સફાયો થઈ ગયો છે.
જ્યારે કોંગ્રેસનો આખા પંજાબમાં ડંકો વાગી ગયો છે. કૃષિ કાયદાને કારણે જ અકાલી દળે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો હતો પરંતુ તે પણ અકાલી દળને બચાવી શક્યું નથી. કૃષિ કાયદાની સામેના વિરોધની શરૂઆત પણ પંજાબથી થઈ હતી અને પંજાબમાં ભાજપનો અંત થઈ ગયો છે.
જે નગરનિગમમાં કોંગ્રેસની જીત થઈ છે તેમાં બાટલા, ભટિંડા, મોગા, કપૂરથલા, પઠાણ કોટ નગર નિગમનો સમાવેશ થાય છે. નગર નિગમ સિવાય કોંગ્રેસે અત્યાર સુધીમાં 98 જેટલી મ્યુનિસિપલ કાઉન્સિલમાં પણ જીત મેળવી છે. કોંગ્રેસે બુધવારે મોડી સાંજ સુધી આવેલા પરિણામોમાં પંજાબમાં આશરે 200થી વધુ બેઠકો પર જીત મેળવી લીધી છે.
અનેક સીટ પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. અત્યાર સુધી આવેલા ચૂંટણી પરિણામોની વાત કરીએ તો કોંગ્રેસે 200થી વધારે વોર્ડ સીટ પર જીત મેળવી લીધી છે અને ઘણી સીટ પરથી આગળ ચાલી રહી છે. સની દેઓલની ગુરૂદાસપુર સંસદીય બેઠક પર કુલ 29 બેઠકો હતી. તમામમાં ભાજપે હાર જોવી પડી છે. ખેડૂત આંદોલનમાં જે હિંસા થઈ તેના મુખ્ય આરોપી દીપ સિદ્ધુ સાથેની સની દેઓલની તસવીર વાઈરલ થઈ હતી. જે સની દેઓલના વિસ્તારમાં ભાજપને નડી ગઈ છે.
પંજાબની આ ચૂંટણીમાં ગત તા.14મીએ મતદાન થયું હતું. આશરે 71 ટકા મતદાન વચ્ચે 9222 ઉમેદવારોનું ભાવિ સીલ થયું હતું. આમ તો સૌથી વધુ અપક્ષ ઉમેદવારો હતાં. જ્યારે કોંગ્રેસે 2037 અને ભાજપે 1003 ઉમેદવારો મેદાનમાં ઉભા રાખ્યાં હતાં. અનેક નગર નિગમ એવી છે કે જેમાં ભાજપનું મોડી સાંજ સુધી ખાતું પણ ખુલી શક્યું નહોતું.
અગાઉ કેન્દ્રની ભાજપ સરકારમાં મંત્રી રહેલા હરસિમરત કૌર પણ પોતાનો ગઢ બચાવી શક્યાં નથી. આગામી 2022માં પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ થનાર છે. હાલમાં પંજાબમાં કોંગ્રેસની સરકાર છે અને જે રીતે હાલમાં પરિણામો આવ્યાં છે તેણે બતાવી આપ્યું છે કે જો કૃષિ કાયદા રદ્દ નહીં થયાં તો 2022માં પણ ભાજપે પંજાબમાં સરકાર બનાવવી મુશ્કેલ જ બની રહેશે.
મોદી સરકાર માટે હજુ પણ સમય છે. પંજાબ બાદ હરિયાણામાં પણ ભાજપ માટે મુશ્કેલ સ્થિતિ બને તેમ છે. સાથે સાથે યુપીમાં પણ જો ખેડૂત આંદોલનનો જ્વર પ્રબળ બન્યો તો ત્યાં પણ ભાજપ માટે મુશ્કેલી જ રહેશે. કૃષિ કાયદા મામલે મોદી સરકારે ધ્યાન આપવું જ પડશે. ખેડૂતોની લાગણી જો આવી જ પ્રબળ રહેશે તે 2024માં ભાજપ માટે કેન્દ્રમાં પણ ફરી સરકાર બનાવવી મુશ્કેલ રહેશે તે નક્કી છે.