નવી દિલ્હી. કુદરતી હીરાનું ઉત્પાદન અને નિકાસ કરતી પ્રતિષ્ઠિત કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK)ના સ્થાપક-ચેરમેન શ્રી ગોવિંદ ધોળકિયાએ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને એક અનોખી ભેટ આપી છે. ભારતના નકશાના આકારમાં કાપવામાં આવેલ કુદરતી હીરાનું નામ “નવભારત રત્ન” છે. જે 2.120 કેરેટનો ઉત્કૃષ્ટ હીરો ભારતની એકતા, સૌંદર્ય અને અનંત તેજનું પ્રતીક છે, જેને સુરતના કુશળ કારીગરો દ્વારા ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે. જે આજરોજ ગોવિંદભાઈ ધોળકિયાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને અર્પણ કર્યો છે.
આ હીરાને અંદાજે 3700 મિનિટની મહેનત, આયોજન અને ઝીણવટભરી પ્રક્રિયા બાદ તૈયાર કરવામાં આવ્યો છે. તે માત્ર દેશની સમૃદ્ધિનું પ્રતીક જ નથી પણ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રદ્ધાંજલિ પણ છે. “નવભારત રત્ન” એ ઉત્તમ હીરાની કારીગરી અને સમર્પણનો જીવંત સાક્ષી છે જે રાજેશભાઈ કાછડિયા અને વિશાલભાઈ ઈટાલિયા જેવા રત્ન કલાકારોની મહેનતથી ફળીભૂત થયું છે. SRKમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા રાજેશભાઈએ ભારતનો નકશો દોરવા માટે 40 કલાકનો સમય લીધો જે એક સૈનિકના બલિદાન સમાન ગણવામાં આવી રહ્યું છે. તેમનો ઉત્સાહ ગુજરાત સાથેના તેમના ઊંડા ભાવનાત્મક જોડાણથી પ્રેરિત હતો. તે જ સમયે, વિશાલભાઈ, જેઓ SRK સાથે 6 વર્ષથી કામ કરી રહ્યા છે, તેમણે 22 કલાક સુધી આ ડાયમંડને ખૂબ જ કાળજીપૂર્વક પોલિશ કર્યો. તેઓએ સાથે મળીને જુસ્સા, કૌશલ્ય અને ઉજ્જવળ ભવિષ્યના વિઝન સાથે “નવભારત રત્ન” એનાયત કર્યો.
હીરાના ઉત્પાદનમાં વિશ્વ અગ્રેસર એવા પ્રદેશમાં આ ભેટનું વ્યક્તિગત મહત્વ પણ છે. કારણ કે સુરત અને ગુજરાતમાં વિશ્વના 90% હીરા તૈયાર કરવામાં આવે છે. જેને પગલે ગુજરાતએ વૈશ્વિક હીરા ઉદ્યોગના હૃદય તરીકે ચમકે છે. આ અનન્ય હીરા ભારતીય કારીગરોની અજોડ પ્રતિભા અને ભારતના વધતા વૈશ્વિક મહત્વને દર્શાવે છે. “નવભારત રત્ન” માત્ર હીરા નથી તે ભારતના ઉજ્જવળ ભાવિનું પ્રતીક છે, જે કુશળ કારીગરો દ્વારા પ્રેમ અને દ્રષ્ટિથી તૈયાર કરવામાં આવ્યો છે.