રાંદેર ઝોનમાં CRC કક્ષાના કલા ઉત્સવ ઉજવણી..

Spread the love

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત અને સમગ્ર શિક્ષા, સુરતના માર્ગદર્શન હેઠળ “ગરવી ગુજરાત” થીમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ દ્વારા બાળકોની ક્ષમતાઓ ઉજાગર કરતાં કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે રાંદેર ઝોનના C.R.C. 01 અને C.R.C. 03ના C.R.C. કો.ઑર્ડિનેટરશ્રી ડોનિકા ટેલર તથા અમિતકુમાર ટેલરના સંયુક્ત આયોજન હેઠળ રાંદેર ઝોનમાં સી.આર.સી. કક્ષાના “કલા ઉત્સવ”નું આયોજન વીર કવિ નર્મદ પ્રાથમિક શાળા ક્રમાંક 156, માંડવી ઓવારા ખાતે કરવામાં આવેલ હતું. જેમાં સી.આર.સી. કક્ષાની ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત વાદન અને ગાયન જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ 17 જેટલી શાળાઓના 70થી વધુ બાળકોએ ભાગ લીધેલ હતો. બાળકોએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, સાહિત્ય, સંસ્કૃતિ, સ્થાપત્યને પોતાના ચિત્રો અને સ્વ રચીત કવિતાઓમાં રજૂ કરવાનો સર્વશ્રષ્ઠ પ્રયાસ કર્યો. સંગીત ગાયન અને વાદનમાં પણ વિદ્યાર્થીઓએ ગુજરાતની અસ્મિતા અને ગરીમાને ઉજાગર કરતા ગીતોનો રસાસ્વાદ રજૂ કર્યો. સ્પર્ધામાં પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમે વિજેતા થનાર સ્પર્ધકોને પ્રોત્સાહન સ્વરૂપે અનુક્રમે 300/-, 200/- અને 100/-નું રોકડ ઈનામ આપવામાં આવ્યું. સંગીત સ્પર્ધા માટે સંગીત વિશારદ શ્રી રીયાબેન પટેલ, શ્રી ગીતાબેન પટેલ અને શ્રી કુંદનબેન પટેલની સેવાઓ લેવામાં આવી. ચિત્ર સ્પર્ધા માટે ATD અને ચિત્રમાં રસ ધરાવતા શિક્ષકો તથા અન્ય સ્પર્ધાઓ માટે તમામ ક્ષેત્રના જાણકાર તજજ્ઞોએ પોતાની સેવા આપી. નિર્ણાયક તરીકે સેવા આપનાર સૌ મિત્રોને પણ રોકડ પુરસ્કાર આપી તેમની સેવાઓને બિરડાવવામાં આવી.
કલા ઉત્સવની ચાર વિવિધ સ્પર્ધાઓના તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરી અને પેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સ્પર્ધાઓમાં ભાગ લીધેલ તમામ બાળકો, માર્ગદર્શક શિક્ષકો, નિર્ણાયકશ્રીઓ અને આચાર્યશ્રીઓને આયોજકો તરફથી નાસ્તા તથા કોકોની લહેજત કરાવવામાં આવી. સદર કાર્યક્રમમાં બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર શિક્ષા, સુરત કોર્પોરેશનના ઝોન-1 ના યુ.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી રમેશભાઈ પટેલ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી. કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે શ્રી નીનાબેન દેસાઈએ સમગ્ર દોર સંભાળ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામ મિત્રો સમગ્ર આયોજનને માણી ખૂબ આનંદિત અને પ્રોત્સાહીત થયા. આ ઉત્સવને મહોત્સવ બનાવવા બદલ જહેમત ઉઠાવનાર શાળા ક્રમાંક 156ના મુખ્યશિક્ષક શ્રી તરલ પટેલ તથા શાળા ક્રમાંક 164ના મુખ્યશિક્ષક શ્રી સઈદભાઈ પટેલ અને શાળા પરિવારના આભાર CRC શ્રી અમિત ટેલર દ્વારા કરવામાં આવ્યો. CRC શ્રી ડોનિકા ટેલર દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને આગળના સ્તરની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.