
સુરત, 14 ઓગસ્ટ 2025: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ જન્માષ્ટમી શ્રદ્ધા, ઉત્સાહ અને સાંસ્કૃતિક ઉજવણી સાથે ઉજવવામાં આવ્યો હતો. શાળા કેમ્પસ સમગ્ર દિવસ દરમિયાન ભક્તિભાવ અને રંગીન વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું
શાળાના તમામ ધોરણોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા તહેવારની ઉજવણી કરી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભગવાન શ્રી કૃષ્ણ ના પાવન જીવનને માન આપવાનો હતો તેમજ વિદ્યાર્થીઓમાં સત્ય, દયા અને ધર્મના મૂલ્યો વિકસિત કરવાનો હતો.
કાર્યક્રમની મુખ્ય આકર્ષણ રહી – શ્રી કૃષ્ણ, રાધા અને ગોપીના વેશમાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી સુંદર ઝાંખીઓ અને નૃત્ય પ્રસ્તુતિઓ. ઉપરાંત, વિદ્યાર્થીઓએ આર્ટ એન્ડ ક્રાફ્ટ પ્રવૃત્તિ તરીકે રંગીન અને સુંદર મુગટો તૈયાર કર્યા, જે તેમની ભક્તિ અને સર્જનાત્મકતાનું પ્રતિનિધિત્વ કરતા હતા.
આ દિવસની ઉજવણીમાં પરંપરાગત “દહીં હાંડી” કાર્યક્રમે વધુ ઉત્સાહ ઉમેર્યો. બાળકોએ માનવ પિરામિડ બનાવીને માટીની હાંડી ફોડી, જે ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલા અને માખણ પ્રત્યેના તેમના પ્રેમને દર્શાવે છે.
શાળાને વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલી કૃષ્ણથી પ્રેરિત આર્ટવર્ક, રંગોળી અને ફૂલો વડે ભવ્ય રીતે સજાવવામાં આવી હતી. કાર્યક્રમનો સમાપન પ્રસાદ વિતરણ અને શુભેચ્છાઓની આપલે સાથે થયો.