રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ ન થવા અંગે રાજીવપ્રતાપ રૂડીએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, એરપોર્ટનું નામ ઇન્ટરનેશનલ હોય એટલે એનો મતલબ એવો નથી કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ જ થાય. પટનાનું જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ એરપોર્ટ 17 વર્ષથી છે અને અત્યારસુધી ત્યાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળી નથી. યુક્રેન અને રશિયાના યુદ્ધ બાદ વિમાની કંપનીઓમાં મુશ્કેલીઓ વધી છે. અનેક એરલાઇન્સે તેની વિમાનોની સંખ્યા ઘટાડી દીધી છે. જેના કારણે ફ્લાઇટમાં ઘટાડો થયો છે. એરલાઇન્સ ડિમાન્ડ અને સપ્લાય પર આધારીત હોય છે. જેથી સમયાંતરે ફ્લાઇટ શરૂ કરવામાં આવતી હોય છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બિહારના સાંસદ રાજીવ પ્રતાપ રૂડી આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓ રાજકોટ આવી સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલ કેન્દ્રીય બજેટ 2024 અંગે રૂપરેખા રજૂ કરી હતી. સરકાર જે યોજના બનાવે છે તે કોઈને કોઈ રીતે એક બીજી યોજના સાથે સંકળાયેલ હોય છે અને વર્તમાન સરકાર આગામી વર્ષોની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી યોજનાઓ બનાવી રહી છે. આ વખતના બજેટમાં ખેડૂત, યુવાનો, મહિલાઓ વેપારીઓ સહિત તમામ વર્ગને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવ્યું છે.
રાજીવ પ્રતાપ રૂડીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય અને જિલ્લાને અસર કરતા મુદ્દાને ધ્યાનમાં રાખી બજેટ બનાવવામાં આવતું હોય છે. સામાન્ય રીતે વિદેશની નીતિ પણ ભારતને અસર કરતું હોય છે ત્યારે આ તમામ પ્રકારના મુદ્દાને ધ્યાનમાં રાખી દેશની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બજેટ બનાવવામાં આવતું હોય છે. રોજગાર બાબતે સરકાર ચિંતિત છે. કેન્દ્ર સરકાર બધા રાજ્યોને ધ્યાનમાં રાખી બજેટની ફાળવણી કરતી હોય છે. પાછલા વર્ષોમાં નથી બન્યું તેવું ધ્યાન રાખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર દરેક રાજ્યનું ધ્યાન રાખી દરેક રાજ્યને જરૂરિયાત મુજબ બજેટમાં ફાળવણી કરવામાં આવી રહી છે.
આ વખતના બજેટમાં દેશના 4.25 કરોડ યુવાનોને ધ્યાનમાં રાખી ખાસ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને સમૃદ્ધ કરવા માટે ખાસ ધ્યાન આપી બજેટમાં ખેડૂતલક્ષી યોજના અંગે જાહેરાત કરવામાં આવી છે. જમીન રેકોર્ડ મામલે મોટી રકમની જાહેરાત આ વખતના બજેટમાં કરવામાં આવી છે. વર્તમાન સરકાર કોઓપરેટીવ મંત્રાલય બનાવીને કામ કરી રહી છે, આ પ્રથમ વખત બન્યું છે.
MSME સેક્ટરને ધ્યાનમાં રાખી સરકારે ખાસ આયોજન સાથે બજેટમાં જોગવાઈ કરી છે. મુદ્રા લોન રકમ 10 લાખથી વધી 20 લાખ કરવામાં આવી છે જે અગત્યનું છે. લિસ્ટેડ કંપની ઉપર દબાવ કરી શકાતું ન હતું. હવે દેશની 500 કંપનીમાં ઇન્ટન કરવું જરૂરી છે માટે હવે દેશના 1 કરોડ યુવાનોને એક વર્ષ માટે ઇન્ટર્નશીપ કરવા મળશે.બિહાર પહેલા વિકાસ કરતું હતું અને હજુ પણ કરે છે. બિહાર દેશનું સૌથી ગરીબ રાજ્ય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ બિહાર હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. બિહારની 14 કરોડની જનતા છે. માટે ત્યાંની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકારે ખાસ બજેટની ફાળવણી કરી છે. હું આ માટે આભાર પણ માનું છું. નીતિશજી સક્ષમ રીતે અને મજબૂત રીતે અમારી સાથે જોડાયેલા છે.