પદ્મશ્રી પદ્માવતી બંધોપાધ્યાય, ડેપ્યુટી CM હર્ષ સંઘવી અને C.R. પાટીલની ઉપસ્થિતિમાં A.N.I.S. સંસ્થાએ પોલીસના અસલી હીરોને ‘કર્મ ભૂષણ એવોર્ડ 2025’થી સન્માનિત કર્યા
સુરત.શહેરના પોલીસ કર્મચારીઓની નિષ્ઠા, સેવા અને સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાનને સલામ આપતો ‘કર્મ ભૂષણ એવોર્ડ 2025’ સમારોહનું આયોજન અપમૃત્યુ નિવારણ સહાય ( A.N.I.S) સંસ્થા દ્વારા રવિવારે પાલ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ સમારોહમાં ઉપસ્થિત રહેલા નાગરિકો, અધિકારીઓ અને મહાનુભાવોની હાજરીથી કાર્યક્રમમાં દેશભક્તિ અને ગૌરવનું અનોખું વાતાવરણ છવાઈ ગયું હતું.
A.N.I.S. સંસ્થા દ્વારા દર વર્ષે આયોજિત થતો આ એવોર્ડ સમારોહ સતત ત્રીજા વર્ષ આયોજિત કરવામાં આવ્યો. સુરત સિટી પોલીસના અનેક જાંબાઝ અધિકારીઓ અને જવાનોને બાળકો, મહિલાઓ તથા સામાન્ય નાગરિકોની સુરક્ષા અને સમાજ કલ્યાણ માટે કરેલી વિશિષ્ટ કામગીરી બદલ સન્માન આપવામાં આવ્યું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વેટરન એર માર્શલ પદ્માવતી બંધોપાધ્યાય (PVSM, AVSM, VSM, પદ્મશ્રી) એ પોલીસ કર્મચારીઓની ફરજદારી અને શૌર્યની પ્રશંસા કરતા કહ્યું કે,
“વર્દી પાછળનો દરેક માનવી એક અનલેખાયેલા નાયક છે. આજે સુરતે તેમની પ્રતિભાને માન આપ્યો છે।

રાજ્યના ઉપમુખ્ય મંત્રી તથા ગૃહ મંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી શ્રી C. R. પાટીલ, તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત એ પણ ઉપસ્થિત રહી વિજેતાઓને શાબાશી આપી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જણાવ્યું કે સુરત પોલીસનું માન વધારતા આવા સન્માન કાર્યક્રમો કર્મચારીઓના મનોબળમાં વધુ ઉર્જા ઉમેરે છે.
કાર્યક્રમના સફળ આયોજન પાછળ A.N.I.S. અધ્યક્ષ શ્રીમતી ગીતા શ્રોફ, કમલેશ જોશી અને નિયતિ વિજની ટીમની મહેનત ઝળહળી ઉઠી. ગીતા શ્રોફે જણાવ્યું હતું કે
“આજે સુરતના નાગરિકોએ સાબિત કર્યું કે તેઓ પોતાના પોલીસ પરિવારને દિલથી માન આપે છે. આ એવોર્ડ માત્ર સન્માન નહીં, પરંતુ કૃતજ્ઞતાનો ઉત્સવ છે.
પ્રેક્ષાગૃહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું જ્યારે વર્ષ 2025ના “કર્મ ભૂષણ” વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમ માનવીય સેવા, સમર્પણ અને ફરજદારીને સમર્પિત રહ્યો.