
સુરત શહેરમાં જન્માષ્ટમી પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણના જન્મોત્સવ બાદ શહેરમાં ઠેર ઠેર દહિહાંડી ફોડવાનું આયોજન થયું હતું. જેમાં યુથ ફોર ગુજરાત દ્વારા સતત બીજા વર્ષે લિંબાયતના સંજય નગર સર્કલ ખાતે આયોજિત દહી હાંડી આકર્ષણનું કેન્દ્ર રહી હતી. 35 ફૂટ ઊંચી ગોલ્ડન દહી હાંડી માટે યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીજ્ઞેશ પાટીલ સાથે જ તેમની ટીમના સભ્ય બંટી પાટીલ અને તેમની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 35 ફૂટ ઊંચી આ દહી હાંડી ફોડનાર મંડળ માટે 1.51 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતી. જ્યારે મહિલા મંડળો માટે પણ અલગથી 20 ફૂટ ઊંચાઈની દહી હાંડી બાંધવામાં આવી હતી. યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીજ્ઞેશ પાટીલે જણાવ્યું હતું કે 35 ફૂટ ઊંચી દહી હાંડી ફોડવા માટે બે મહિલા મંડળો સહિત કુલ 22 ગોવિંદા મંડળો પધાર્યા હતા. જે પૈકી 11 મંડળો સલામી આપવા આવ્યા હતા તો 9 મંડળો દ્વારા દહી હાંડી ફોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દહી હાંડી આ આયોજન માટે લિંબાયત સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા આયોજન સ્થળ પર જન મેદની ઉમટી પડી હતી. ગોવિંદા મંડળો દ્વારા લેઝીમ સહિત અનેક કરતબો રજૂ કરવામાં આવતા તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ધૂમધામ પૂર્વક દહી હાંડી ઉત્સવના પગલે લિંબાયત વિસ્તારમાં માહોલ કૃષ્ણમય બની ગયો હતો.